કવર સ્ટોરી - પ્રશાંત પટેલ
કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન શંકર, ભૈરવ સ્વરૂપે પ્રગટ થયા હતા, તેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમીના નામે ઓળખવામાં આવે છે. ભગવાન ભૈરવના સ્મરણમાત્રથી જ તમામ પ્રકારનાં પાપ તથા કષ્ટ દૂર થાય છે. ભૈરવજીની પૂજા-ઉપાસના મનોવાંછિત ફળ આપનારી હોય છે. ભૈરવાષ્ટમીના દિવસે વ્રત તથા ષોડશોપચારે પૂજન કરવું શુભ ફળદાયક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે શ્રી કાલભૈરવનું દર્શન તથા પૂજન તમામ પ્રકારના ડર કે ભય દૂર કરે છે
ભગવાન ભૈરવનાથજી મંત્ર, મંત્રની વિદ્યાઓના જ્ઞાતા છે, સાક્ષાત્ રુદ્ર છે. શિવપુરાણમાં ભૈરવજીને ભગવાન શંકરનું રૂપ કહેવામાં આવ્યા છે. તેઓ સૃષ્ટિના રચનાકાર, પાલનહાર અને સંહારક છે. તેમનો આશ્રય મેળવીને ભક્તો નિર્ભય બની જાય છે તથા તમામ પ્રકારનાં કષ્ટોમાંથી મુક્તિ મળે છે. ભૈરવનાથ પણ પોતાના ભક્તોની હંમેશાં રક્ષા કરે છે. તેમનું સ્વરૂપ અને તેમની સાથે જોડાયેલી કેટલીક ખોટી માન્યતાઓને કારણે લોકો તેમને ક્રૂર સમજે છે, પરંતુ વાસ્તવમાં તેવું નથી. કલ્યાણકારી શિવમાંથી જેમની ઉત્પત્તિ થઈ હોય તેઓ તમામ માટે ક્રૂર હોઈ જ ન શકે.
કાલભૈરવજી વિશે રુદ્રયામલ તંત્ર અને જૈન આગમોમાં વિસ્તારથી વર્ણન જોવા મળે છે. કાલભૈરવની સાત્ત્વિક, રાજસિક અને તામસી એમ ત્રણ વિધિઓમાં ઉપાસના કરવામાં આવે છે. તેમની પૂજામાં અડદ અને તેમાંથી બનેલી વસ્તુઓ જેમ કે દહીંવડાંનો સમાવેશ થાય છે. ચમેલીનાં ફૂલ તેમને પ્રિય છે. ઘણી જગ્યાએ કાલભૈરવને મદિરા ચઢાવવામાં આવે છે. તે અંગે એવું માનવામાં આવે છે કે તેનાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે.
ભૈરવની ઉત્પત્તિ કથા
એક કથા અનુસાર બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિની રચના કરી. તે સમયે પૃથ્વી પર કોઈનું મૃત્યુ થતું ન હતું, તેથી પૃથ્વી પર સતત ભાર વધવા લાગ્યો અને પૃથ્વી બ્રહ્માજી પાસે ગઈ. પૃથ્વીએ કહ્યું કે હું આટલો ભાર સહન નહીં કરી શકું ત્યારે બ્રહ્માજીએ મૃત્યુને લાલ ધ્વજ પકડેલી સ્ત્રી સ્વરૂપે ઉત્પન્ન કરી અને તેને આદેશ આપ્યો કે પ્રાણીઓને મારવાનું દાયિત્વ સંભાળ, પરંતુ મૃત્યુએ એવું કરવાની ના પાડી. તેણે કહ્યું કે હું આવું પાપ ન કરી શકું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તારે તો માત્ર તેમના શરીરને સમાપ્ત કરવાનું છે, જીવ તો વારંવાર જન્મ લેતો રહેશે. આ સાંભળી મૃત્યુએ બ્રહ્માજીની વાત માની લીધી અને ત્યારથી પૃથ્વી પર પ્રાણીઓનાં મૃત્યુ થવા લાગ્યાં.
સમયની સાથે પૃથ્વી પર પાપ વધતાં ગયાં ત્યારે ભગવાન શંકરે બ્રહ્માજીને પૂછયું કે આ પાપને સમાપ્ત કરવા તમારી પાસે શું ઉપાય છે? પરંતુ બ્રહ્માજીએ આ વિષયમાં પોતાની અસમર્થતા દર્શાવી, જેથી ભગવાન શંકર બ્રહ્માજી પર ક્રોધિત થયા અને તે ક્રોધમાંથી જ કાલભૈરવની ઉત્પત્તિ થઈ. કાલભૈરવે બ્રહ્માજીના એ મસ્તકને પોતાના નખથી કાપી નાખ્યું, જેણે અસમર્થતા દર્શાવી હતી. તેનાથી કાલભૈરવને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું.
ત્યારબાદ તેઓ ત્રણે લોકોમાં ભ્રમણ કરતા રહ્યાં, પરંતુ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત ન થઈ શક્યા. એવું માનવામાં આવે છે કે જ્યારે કાલભૈરવ કાશી પહોંચ્યા ત્યારે બ્રહ્મહત્યાના પાપમાંથી તેઓ મુક્ત થયા. તે જ સમયે આકાશવાણી થઈ કે તમે અહીં જ નિવાસ કરો અને કાશી નગરીની સુરક્ષાની જવાબદારી સંભાળો.
અન્ય એક પૌરાણિક કથા પ્રમાણે એક વાર શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ બાબતે વિવાદ ઊભો થયો. આ વિવાદે બહુ મોટું સ્વરૂપ ધારણ કર્યું, જેથી ભગવાન શિવે એક સભાનું આયોજન કર્યું. આ સભામાં જ્ઞાનીઓ, ઋષિ-મુનિઓ, સિદ્ધ સંતોને બોલાવવામાં આવ્યા. આ સભામાં એક નિર્ણય લેવામાં આવે છે જેનો ભગવાન વિષ્ણુ સ્વીકાર કરી લે છે, પરંતુ બ્રહ્માજી એ નિર્ણયને માનવા માટે તૈયાર થતા નથી તથા મહાદેવનું અપમાન કરવા લાગે છે. શાંતચિત્ત ભગવાન શિવ બ્રહ્માજી દ્વારા પોતાનું અપમાન સહન ન કરી શક્યા અને હુંકાર ભરી. આ હુંકારમાંથી ભૈરવજી પ્રગટ થયા. ભગવાન ભૈરવ શ્વાન (કૂતરું) પર સવાર હતા. તેમના હાથમાં દંડ હતો, તેથી તેઓ દંડાધિપતિ પણ કહેવાય છે. ભૈરવજીનું રૂપ ખૂબ જ ભયંકર હતું. તેમણે બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી દીધું, જેણે ભગવાન શંકરનું અપમાન કર્યું હતું. ત્યારબાદ બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ. તેઓ ભગવાન ભોળાનાથ તથા ભૈરવજીની વંદના કરવા લાગ્યા. ભગવાન ભૈરવ બ્રહ્માજી, દેવી-દેવતાઓ અને સાધુ-સંતો દ્વારા વંદના કરાતાં શાંત થાય છે. આ રીતે ભૈરવજીની ઉત્પત્તિ થઈ.
એવી માન્યતા છે કે ધર્મની મર્યાદા જાળવવા માટે ભગવાન શંકરે પોતાના જ અવતાર કાલભૈરવને આદેશ આપ્યો હતો કે ભૈરવ, તમે બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી બ્રહ્મહત્યાનું જે પાપ કર્યું છે, તેના પ્રાયશ્ચિત્ત માટે તમારે પૃથ્વી પર જઈને માયાજાળમાં ફસાવું પડશે અને વિશ્વ ભ્રમણ કરવું પડશે. બ્રહ્માજીનું કપાયેલું મસ્તક જ્યારે તમારા હાથમાંથી પડી જશે, તે જ સમયે તમે પાપમુક્ત થઈ જશો અને તે જ જગ્યાએ તમારી સ્થાપના થશે. કાલભૈરવની આ યાત્રા કાશીમાં સમાપ્ત થઈ હતી.
ભૈરવાષ્ટમીનું મહત્ત્વ
કાલભૈરવની સાથે-સાથે આ દિવસે કાલી માતાની પૂજા-અર્ચના કરવાનું વિધાન છે. કાલી માતાની ઉપાસના કરનારે મધ્ય રાત્રિએ દુર્ગા પૂજામાં સાતમ તિથિએ દેવી કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે પૂજા કરવી જોઈએ.
ભૈરવજીની પૂજા-અર્ચના અને આરાધના કરવાથી પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિની સાથે સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે. ભૈરવ તંત્રોક્ત, બટુક ભૈરવ કવચ, કાલભૈરવ સ્તોત્ર, બટુક ભૈરવ બ્રહ્મકવચ વગેરેનો નિયમિત પાઠ ભૈરવાષ્ટમીએ તથા નિયમિત રીતે કરવાથી અનેક સમસ્યાઓનું નિદાન થાય છે. કાલભૈરવ અષ્ટમીએ ભૈરવજીનાં દર્શન કરવાથી અશુભ કર્મોમાંથી પણ મુક્તિ મળે છે. ભૈરવ ઉપાસના શનિ, રાહુ-કેતુ જેવા ક્રૂર ગ્રહોના ખરાબ પ્રભાવને પણ સમાપ્ત કરે છે.
ભૈરવાષ્ટમી વ્રત-પૂજનવિધિ
શિવજીના ભૈરવરૂપની ઉપાસના કરનાર ભક્તોએ ભૈરવનાથજીની ષોડશોપચાર સહિત પૂજા કરવી જોઈએ તથા તેમને અર્ધ્ય આપવો જોઈએ. રાત્રિના સમયે જાગરણ કરીને ભોળા શંકર તથા માતા પાર્વતીજીની કથા તથા ભજન-કીર્તન કરવું જોઈએ. સાથે ભૈરવજીની કથાનું શ્રવણ તથા મનન કરવું જોઈએ. મધ્ય રાત્રિએ શંખ, નગારા, ઘંટ વગેરે વગાડીને ભૈરવજીની આરતી કરવી જોઈએ.
ભગવાન ભૈરવનાથનું વાહન શ્વાન છે, તેથી ભૈરવજીને પ્રસન્ન કરવા માટે ભૈરવાષ્ટમીએ કૂતરાંઓને ભોજન આપવું જોઈએ. માન્યતા અનુસાર આ દિવસે પ્રાતઃકાળે પવિત્ર નદી અથવા સરોવરમાં સ્નાન કરીને પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરીને ભૈરવજીની પૂજા તથા વ્રત કરવાથી સમસ્ત વિઘ્નો સમાપ્ત થઈ જાય છે તથા દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. ભૈરવજીની પૂજા-ભક્તિ કરવાથી ભૂત, પિશાચ તથા કાળ પણ દૂર રહે છે. વ્યક્તિને કોઈ રોગ સ્પર્શી પણ શકતો નથી.
શ્રી ભૈરવનાં સ્વરૂપ
બટુક ભૈરવ
બટુક ભૈરવ એ ભગવાનનું બાળ સ્વરૂપ છે. તેમને આનંદ ભૈરવના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના આ સૌમ્ય સ્વરૂપની આરાધના શીઘ્ર ફળદાયી છે. તે કાર્યમાં સફળતા માટે પણ ઘણી મહત્ત્વની છે.
કાલભૈરવ
તે ભગવાનનું સાહસિક યુવાન સ્વરૂપ છે. આ રૂપની આરાધના કરવાથી શત્રુમુક્તિ, સંકટમુક્તિ અને કોર્ટ-કચેરીની બાબતમાં વિજય મળે છે, સાથે વ્યક્તિમાં સાહસનો સંચાર પણ થાય છે. તમામ પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે. કાલભૈરવને ભગવાન શંકરના રુદ્રાવતાર માનવામાં આવે છે.
લોકદેવતા
લોકજીવનમાં ભગવાન ભૈરવને ભૈરુ મહારાજ, ભૈરુબાબા, કાલા ભૈરવ, ગોરા ભૈરવ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. કેટલાક સમાજના તેઓ કુલદેવતા છે અને તેમને પૂજવાનું પ્રચલન પણ જુદું-જુદું છે, જે વિધિવત્ ન હોતા સ્થાનિક પરંપરાનો એક ભાગ છે.
ભૈરવ તંત્ર
યોગમાં ભૈરવ તંત્રને સમાધિપદ કહેવામાં આવે છે. ભૈરવ તંત્રમાં ભૈરવ પદ કે ભૈરવી પદ પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવજીએ દેવી સમક્ષ ૧૧૨ વિધિઓનો ઉલ્લેખ કર્યો હતો. જેના માધ્યમથી સમાધિપદને પ્રાપ્ત કરી શકાય છે.
ભૈરવ આરાધના
ભૈરવજીની આરાધનાથી શનિ પ્રકોપ શાંત થાય છે. તેમની આરાધના માટે રવિવાર અને મંગળવાર શુભ છે. પુરાણો અનુસાર ભાદરવા માસને ભૈરવપૂજા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. આરાધના કરતાં પહેલાં એ જાણી લો કે આરાધના દરમિયાન કૂતરાંઓને ક્યારેય ધુતકારશો નહીં, પરંતુ તેમને ભરપેટ ભોજન કરાવો. જુગાર, સટ્ટો, મદ્યપાન તથા અનૈતિક કૃત્ય વગેરેથી દૂર રહો. પવિત્ર બનીને સાત્ત્વિક આરાધના કરો.
કાલભૈરવ મંત્ર અને યંત્ર
કાલભૈરવ અષ્ટમીના દિવસે કાલભૈરવ દેવની નીચેના મંત્રો દ્વારા પૂજા કરવામાં આવે તો વેપાર-વ્યવસાય, જીવનમાં આવનારી મુશ્કેલીઓ, શત્રુ દ્વારા થતી મુશ્કેલીઓ, વિઘ્નો, બાધાઓ, કોર્ટ-કચેરી વગેરે કાર્યમાં સફળતા મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. કાલભૈરવ યંત્ર ભૂતપ્રેત, પિશાચ, મેલી વિદ્યામાંથી મુક્તિ મેળવવા તથા સાહસ અને હિંમતની પ્રાપ્તિ માટે કાલભૈરવ યંત્રની પણ પૂજા કરવામાં આવે છે.
* ૐ કાલભૈરવાય નમઃ ।
* ૐ ભયહરણં ચ ભૈરવઃ ।
* ૐ હ્રીં બટુકાય આપદુદ્ધારણાય કુરુકુરુ બટુકાય હ્રીં ।
* ૐ હં ષં નં ગં કં સં ખં મહાકાલ ભૈરવાય નમઃ ।
* ૐ ભ્રાં કાલભૈરવાય ફટ્ ।
ભૈરવ મંદિર
* કાશીનું કાળભૈરવ મંદિર સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિરથી ભૈરવ મંદિર આશરે દોઢ-બે કિલોમીટરના અંતરે આવેલું છે.
* નવી દિલ્હીના વિનય માર્ગ પર નહેરુ પાર્કમાં બટુક ભૈરવનું પાંડવકાળનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે.
* ઉજ્જૈનમાં કાળભૈરવનું જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેની પ્રસિદ્ધિનું કારણ ઐતિહાસિક અને તાંત્રિક છે. અહીં કાલભૈરવને મદિરા ચઢાવવામાં આવે છે.
* નૈનિતાલ નજીક ઘોડાખાડનું બટુક ભૈરવ મંદિર પણ ખૂબ જ પ્રસિદ્ધ અને પુરાણું છે.
* આ સિવાય શક્તિપીઠો અને ઉપપીઠો પાસે સ્થિત ભૈરવ મંદિરોનું પણ ઘણું મહત્ત્વ છે.