My Frnds

Flag Counter

Friday, 4 October 2013

આરતી નહીં, સાચી આરતી કરીએ

Sandesh- Navratri vishesh -5-10-13

આરતી-અર્થ - પ્રશાંત પટેલ


નવરાત્રિમાં સૌ કોઈ આદ્યશક્તિ મા જગદંબાને મનાવવાની શરૂઆત કરી દે. નવરાત્રિના નવ દિવસ ઘરમાં ઘટસ્થાપન થાય છે. ગામ, સોસાયટી કે શેરીમાં સામૂહિક ગરબાનું આયોજન થાય છે. બાળકો મહોલ્લામાં મહોલ્લામાતા કે ગબ્બર બનાવે છે. આ બધી જ જગ્યાએ દરરોજ માતાજીની આરતી થાય છે. મધુર ઘંટારવ અને

ઢોલ-નગારાના નાદ સાથે જ્યારે 'જય આદ્યશક્તિ' આરતી ગવાય છે ત્યારે મન પુલકિત બની માતાની આરાધનામાં લીન થઈ જાય છે. મહોલ્લામાતાનાં બાળકોથી લઈને વયોવૃદ્ધ એમ સૌને આ આરતી કંઠસ્થ હોય છે. આપણે હોંશે હોંશે આરતી તો ગાઈએ છીએ, પરંતુ ક્યારેય એવો વિચાર કર્યો છે કે આ સુંદર આરતી કોણે, ક્યાં અને ક્યારે રચી છે? ક્યારેય આરતીની પંક્તિઓનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો છે? ખેર, આજ સુધી આવું કંઈ વિચાર્યું કે જાણ્યું ન હોય તો આજે નવરાત્રિના પ્રથમ દિવસે આરતી કરતાં પહેલાં જાણી લઈએ કે આટલી ભાવભરી આરતીની રચના કરનાર કોણ હતું? તેમણે આરતી ક્યારે, ક્યાં અને શા માટે રચી?

વિક્રમ સંવત ૧૬૨૨માં ખંભાત શહેરમાં મહાલક્ષ્મી મંદિરમાં માતાજીની મુર્તિની પ્રતિષ્ઠા સમયે ભક્ત કવિ શ્રી શિવાનંદ ત્યાં ગયા હતા. એ સમયે માતાજીની પ્રાર્થના કરતાં જે શબ્દો તેમણે ગાયા તે જ આદ્યશક્તિની આરતી. આ આરતીમાં કુલ અઢાર કડીઓ છે. જોકે સમયાંતરે આરતીમાં બીજી કડીઓ ઉમેરાતી ગઈ. આ આરતીની મોટાભાગની કડીઓ તિથિ અનુસાર છે એટલે કે પડવા (એકમ)થી લઈને પૂનમ સુધી. આ સિવાય બધી જ કડીઓમાં ખંભાતનગરી, મંદિરમાં જેમની સ્થાપના થઈ રહી છે તેવાં દેવી મહાલક્ષ્મી અને જગદંબાના ગુણગાન ગાવામાં આવ્યાં છે. આજે ગવાતી આરતીમાં ઘણાં અપભ્રંશ શબ્દો છે. કેટલાક અપભ્રંશ થયેલા શબ્દો કે પંક્તિઓને જાણીએ.

* સૌ પ્રથમ તો આપણે આરતીમાં "જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ" ગાઈએ છીએ. વાસ્તવમાં 'આદ્યા' શબ્દ નથી, પરંતુ 'આદ્ય' છે. જ્યારે 'જયો જયો મા જગદંબે' અપભ્રંશ થયેલી છે. વાસ્તવમાં તે છે 'જય હો જય હો મા જગદંબે' જોકે આ અપભ્રંશ શબ્દથી અર્થમાં કોઈ ખાસ ફેર પડતો "નથી. આ કડીને સમજીએ.

જય આદ્યશક્તિ મા, જય આદ્યશક્તિ,
અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પંથકમાં,  ૐ જયો જયો મા જગદંબે"
અર્થાત્ આદ્ય એટલે સર્વ પ્રથમ જગત, વિશ્વ કે અખંડ એક ઈંડા આકારના બ્રહ્માંડનું સર્જન થવા માટે જે શક્તિ નિમિત્ત બની અને તે દિવસ પણ બ્રહ્માનો પ્રથમ દિવસ પડવો કહેવાયો એવી ૐના નાદરૂપ મા જગદંબાનો જય હો જય હો.

* આરતીમાં ભક્તોએ પાછળથી જોડેલી કેટલીક પંક્તિઓ આ પ્રમાણે છે.

એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો (૨)
ભોળા ભવાનીને ભજતાં, ભોળા અંબેમાને ભજતાં, ભવસાગર તરશો,
ૐ જયો જયો મા જગદંબે.
ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા (૨)

વલ્લભ ભટ્ટને રાખ્યા (૨) ચરણે સુખ દેવા,
ૐ જયો જયો મા જગદંબે.
માનો મંડપ લાલ ગુલાલ, શોભા બહુ સારી (૨)
અબીલ ઊડે આનંદ, ગુલાલ ઊડે આનંદ જય બહુચર માડી,

ૐ જયો જયો મા જગદંબે.
શિવાનંદ સ્વામીએ રચેલી આરતીના શબ્દો અને અપભ્રંશ શબ્દો જાણીને માની ખરી આરતી ગાઈએ, જેથી આરતીનો ભાવાર્થ ન બદલાય અને હવે પછીની પેઢી ખોટી આરતી ન ગાય.

* ખોટી કડીઃ અખંડ બહ્માંડ નિપાવ્યા, પડવે પંડિત મા.
ખરી કડીઃ અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પંથક મા.

* ખોટી કડીઃ દયા થકી તરવેણી, તમે તરવેણી મા.
ખરી કડીઃ ત્રયાસ્થકી તરવેણી, તમે તરવેણી મા.

* ખોટી કડીઃ સુરવર મુનિવર જન્મ્યા
ખરી કડીઃ સુરનર મુનિવર જનમ્યા

* ખોટી કડીઃ ત્રંબાવટી નગરી, મા રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી.
ખરી કડીઃ સ્તંભાવતી નગરી આઈ, રૂપાવતી નગરી, મા મંછાવતી નગરી.

* ખોટી કડીઃ ભોળા અંબેમાને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો.
ખરી કડીઃ ભોળા-ભુદરને ભજતાં, ભવસાગર તરશો.
 prashantvpatel2011@gmail.com

http://www.sandesh.com/article.aspx?newsid=2873721