એક એવો આઈલેન્ડ કે જ્યાં માણસ કરતાં ઢીંગલીઓ વધારે છે. અહીં વસતા લોકો કહે છે કે આ શેતાની ઢીંગલીઓ છે જેમાં અનેક આત્માઓનો વાસ છે. અંધારું થતાં જ તેમાં પ્રાણ ફૂંકાય છે અને તેઓ એકબીજા સાથે ગુફતેગો કરવા લાગે છે. શું છે ઢીંગલીઓનું રહસ્ય?
માનો યા ના માનો - પ્રશાંત પટેલ
મેક્સિકોથી દક્ષિણે મોચિમિકો કેનાલની વચ્ચે લા ઈસ્લા ડે લા મ્યૂનેક્સ નામની એક જગ્યા આવેલી છે. આ જગ્યા કહેવામાં તો એક સુંદર મજાનો હેંગિંગ ગાર્ડન છે, પરંતુ ઈ.સ. ૨૦૦૧ પછી ડરામણી અને શેતાની ઢીંગલીઓને કારણે આ ગાર્ડન વધારે પ્રસિદ્ધ થયો છે. તેથી જ હવે આ જગ્યાને આઈલેન્ડ ઓફ ડોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લા ઈસ્લા ડે લા મ્યૂનેકસ વિશ્વની ડરામણી જગ્યાઓમાંથી એક છે. જોકે દુનિયાભરની ડરામણી જગ્યાઓ ટૂરિસ્ટોને પોતાની તરફ આકર્ષે છે. જેમ કે, ભારતમાં રાજસ્થાનમાં આવેલ ભાણગઢનો કિલ્લો શાપિત છે. ત્યાં દિવસ રાતની અંધારી ચાદર ઓઢી લે પછી આત્માઓ પોતાનો અધિકાર જમાવી દે છે. ત્યાં સૂર્યોદય પહેલાં અને પછી પ્રવેશવા પર પ્રતિબંધ છે, કારણ કે ત્યાં ગયેલા લોકો પાછા ફરતાં નથી તેવું લોકોનું માનવું છે. વાત સાચી હોય કે ખોટી, પણ કિલ્લાની આ જ વાતો ટૂરિસ્ટોને આકર્ષે છે. આઈલેન્ડ ઓફ ડોલ્સમાં આવનારા લોકો ગાઈડ વગર આઈલેન્ડ ફરી શકતા નથી. અલબત્ત, મેક્સિકોની સરકારે આ આઈલેન્ડને હોન્ટેડ પ્લેસ તરીકે માન્યતા નથી આપી.
જોકે અહીં રહેનારા લોકો કહે છે કે ઝાડની ડાળીઓ પણ લટકેલ અસંખ્ય ઢીંગલા-ઢીંગલીઓ રાતનું અંધારું થતાની સાથે જ આંખો ફેરવવા લાગે છે, એકબીજાંને બોલાવે છે, ડરામણા અવાજમાં વાતચીત કરવા લાગે છે વગેરે...વગેરે. આ આઈલેન્ડ પર રહેનારા લોકોની સંખ્યા કંઈ બહુ ઓછી નથી, પરંતુ અહીં રહેનારા મનુષ્યો કરતાં ઝાડ પર લટકતી ભૂતાવળ ઢીંગલીઓની સંખ્યા વધારે છે. આ આઈલેન્ડ હંમેશાંથી આવો નહોતો. લગભગ એક દશક પહેલાં આ જગ્યા એક સાધારણ જગ્યા જ હતી. ઈ.સ. ૨૦૦૧માં સાધારણથી હોન્ટેડ આઈલેન્ડ બનવાની પાછી એક લાંબી કહાણી છે.
ડોન જુલિયન સૈન્ટાના બરેરા વર્ષ ૨૦૦૧ સુધી આ આઈલેન્ડનો રખેવાળ હતો. તેના મૃત્યુ પછી આ આઈલેન્ડ પર્યટન સ્થળ મટી ડરામણી જગ્યા બની ગયો. તેની પાછળ ડોન જુલિયન સૈન્ટાના બરેરા જ જવાબદાર છે તેવું આ લોકો માને છે. આ આઈલેન્ડમાં ઝાડ પર લટકતી ઢીંગલીઓમાં એક નાનકડી છોકરીનો આત્મા છે. તેનું મોત રહસ્યમય પરિસ્થિતિમાં થયું હતું. આ છોકરીની લાશ ટાપુને કિનારે પાણીમાં તરતી હતી. ડોન જુલિયનની તેના પર નજર પડી. તેણે છોકરીને પાણીની બહાર કાઢી. જોકે છોકરી મૃત્યુને નહોતી ભેટી, તેનામાં હજુ જીવ હતો. ડોન જુલિયને તે છોકરીનો જીવ બચાવવાના અથાક પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ મોતને હાથતાળી ન આપી શક્યા. જેથી ડોન જુલિયન નિરાશ થઈ ગયા. કહેવાય છે કે છોકરીના મોતના થોડા સમય પછી જ્યાંથી છોકરી મળી આવી હતી તે જ જગ્યાએ એક ઢીંગલી તરી રહી હતી. ડોન જુલિયને આ ઢીંગલી મૃત્યુ પામનાર છોકરીની હશે તેમ માનીને જે જગ્યાએ છોકરીનું મોત થયું હતું ત્યાં ઝાડ પર લટકાવી દીધી.
મૃત્યુ પહેલાં ડોન જુલિયને જણાવ્યું હતું કે તેને તે દિવસ પછી એક પછી એક ઢીંગલીઓ મળી અને તે આ ઢીંગલીઓને તે છોકરીની આત્માની શાંતિ માટે ઝાડની અને અન્ય જગ્યાઓ પર લટકાવતો રહ્યો. જોકે અહીં રહેનારાઓ એવું પણ માને છે કે ડોન જુલિયનને નાની છોકરીને ન બચાવી શક્યાનો પસ્તાવો હતો અને આ જ પસ્તાવામાં તે છોકરીના નામે ઢીંગલા-ઢીંગલીઓને સતત ૨૫ વર્ષ સુધી ઝાડ પર લટકાવતો રહ્યો. આ સિલસિલો ડોન જુલિયનના મોત એટલે કે ઈ.સ. ૨૦૦૧ સુધી ચાલ્યો અને ત્યાં સુધીમાં તો આ આઈલેન્ડ પર જાણે ડરામણી ઢીંગલીઓનો મેળો જામી ગયો.
સ્થાનિક લોકો આ ઢીંગલીઓમાં બાળકીનો આત્મા હોવાનું માને છે. તેમનું માનવું છે કે બાળકીના મોત બાદ તેનો આત્મા તે જગ્યાએ ભટકતો હતો. ડોન જુલિયનને હંમેશાં તે જગ્યાએ ભટકતો છોકરીનો આત્મા નજર આવતો. ધીરે-ધીરે આ આત્માએ ડોન જુલિયનને પોતાના વશમાં કરી લીધો. આમ છોકરીનો આત્મા જ ડોન જુલિયનના માધ્યમથી ઢીંગલીઓને ઝાડ પર લટકાવતો હતો. સૌથી ભયાનક વાત તો એ છે કે રાત્રે અંધારું છવાતાં જ આ ઢીંગલા-ઢીંગલીઓ માથું હલાવીને એકબીજાં સાથે વાતો કરે છે અને તેમની નજીક આવનારા લોકોને પોતાની તરફ બોલાવે છે. જોકે આજ સુધી રાત્રે ઢીંગલી બોલાવે ત્યારે તેની પાસે જવાની હિંમત કોઈએ કરી નથી. આ છોકરીનો આત્મા પોતાને બાનમાં ન લે તેવા ડરે જ આ આઈલેન્ડ પર આવનારા લોકો ત્યાં ઝાડ પર ઢીંગલીઓ બાંધે છે.
આ આઈલેન્ડ પર છોકરીનો આત્મા હોય કે ન હોય, પણ ત્યાં લટકતી ડરામણી ઢીંગલીઓને કારણે આ જગ્યાએ ભૂતાવળ ભટકતી હોય તેવો અહેસાસ જરૂર થાય છે.