My Frnds

Flag Counter

Thursday, 25 October 2012

શરદપૂર્ણિમા અમૃત વર્ષાને પામવાનો સમય

SANDESH- SHRADDHA -25-10-12


કવર સ્ટોરી - પ્રશાંત પટેલ


શરદપૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા તરીકે પણ મનાવવામાં આવે છે. જ્યોતિષીઓના મત અનુસાર સમગ્ર વર્ષમાં માત્ર આ જ દિવસે ચંદ્રદેવ સોળે કળાઓ સાથે પરિપૂર્ણ થાય છે અને તેના પ્રકાશ દ્વારા પૃથ્વી પર અમતૃવર્ષા કરે છે. ધર્મશાસ્ત્રોમાં ર્વિણત કથાઓ અનુસાર દેવી-દેવતાઓને પ્રિય પુષ્પ બ્રહ્મકમળ માત્ર આ જ રાત્રિએ ખીલે છે. તેના વડે માતા લક્ષ્મીનું પૂજન કરવાથી વિશેષ કૃપા મળે છે. એવું પણ કહેવાય છે કે આ મનોહર પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે રાસ રચાવ્યા હતા. આજે પણ શરદ પૂર્ણિમાના દિવસે રાસ-ગરબા રમાય છે

હિન્દુ પંચાંગ અનુસાર આખા વર્ષમાં બાર પૂર્ણિમા એટલે કે પૂનમ આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પોતાના સંપૂર્ણ આકારમાં હોય છે. આ દિવસે ચંદ્રમાનું અતુલ્ય સૌંદર્ય જોવા મળે છે. વિદ્વાનોના મતાનુસાર પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ આકારનો હોવાને કારણે સમગ્ર વર્ષ દરમિયાન આવતી પૂર્ણિમા વ્રત સમાન હોય છે, પરંતુ આ બધી જ પૂર્ણિમાઓમાં આસો માસની પૂર્ણિમાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પૂર્ણિમા શરદ ઋતુમાં આવવાને કારણે તેને શરદપૂર્ણિમા પણ કહે છે. શરદ ઋતુની આ પૂર્ણિમાએ ચંદ્રનો અશ્વિની નક્ષત્ર સાથે સંયોગ થાય છે. અશ્વિની એ ૨૭ નક્ષત્રોમાં પ્રથમ નક્ષત્ર છે. તેના સ્વામી અશ્વિનીકુમાર છે.

એક કથા અનુસાર ચ્યવન ઋષિને આરોગ્યના પાઠ અને ઔષધિઓનું જ્ઞાન અશ્વિનીકુમારોએ જ આપ્યું હતું. આ જ જ્ઞાન આજે હજારો વર્ષો પછી પણ આપણી પાસે સચવાયેલું છે. અશ્વિનીકુમાર આરોગ્યના સ્વામી છે અને પૂર્ણ ચંદ્રમા અમૃતના સ્રોત છે. તેને કારણે એવું માનવામાં આવે છે કે શરદપૂર્ણિમાએ બ્રહ્માંડમાંથી અમૃતની વર્ષા થાય છે.

મહાલક્ષ્મી-કુબેરને પ્રસન્ન કરવાનો સમય
લક્ષ્મીમાતાના કોજાગ્રત વ્રતનું વિશેષ મહત્ત્વ છે. શરદપૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજીની ર્મૂિતની સ્થાપના કરીને તેમની વિધિવત્ પૂજા કરવી જોઈએ. ત્યારબાદ સંધ્યાકાળે ચંદ્રોદય થાય ત્યારે ઘીના સો દીવા પ્રગટાવવા જોઈએ. આદિવસે મધ્યરાત્રિએ મહાલક્ષ્મી પોતાના કરકમળો દ્વારા આશીર્વાદ વરસાવતાં પૃથ્વી પર વિચરણ કરે છે અને જાગરણ કરનારને ધન-સમૃદ્ધિ આપે છે. કોજાગરી વ્રત લક્ષ્મીજીને પ્રસન્ન અને સંતુષ્ટ કરનારું વ્રત છે. શરદપૂર્ણિમા શ્રીયંત્ર અને કુબેર યંત્રને સિદ્ધ કરવાનો તથા એક રાત્રિની પૂજામાં મહાલક્ષ્મીજી અને કુબેરને પ્રસન્ન કરવાની સોનેરી તક છે. ભગવાન વિષ્ણુની પૂજાનું પણ સવિશેષ મહત્ત્વ છે.

ખીરનો ભોગ
શરદપૂર્ણિમાની રાત્રે ગાયના દૂધમાંથી બનેલી ખીર (દૂધ-પૌંઆ)ને ચંદ્રના પ્રકાશમાં રાખીને તેને પ્રસાદ સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે. શરદપૂર્ણિમાના ચંદ્રના પ્રકાશમાં અમૃતનો અંશ હોય છે, તેથી એવી માન્યતા છે ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવેલી ખીરમાં ચંદ્રમાની અમૃત બુંદો તે ભોજનમાં આવી જાય છે અને તેનું સેવન કરવાથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ શરદપૂર્ણિમાના ચંદ્ર પ્રકાશના ઔષધીય મહત્ત્વનું વર્ણન જોવા મળે છે.

શરદપૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્ત્વ
શરદપૂર્ણિમાની રાત્રિનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. આ સમય દરમિયાન વાતાવરણ અને ઋતુમાં ફેરફારની શરૂઆત થાય છે અને શિયાળાનું આગમન થાય છે. શરદપૂર્ણિમાની રાત્રે મોડા સુધી જાગીને ખીર કે દૂધ-પૌંઆનું સેવન કરવું તે એ વાતનું પ્રતીક છે કે શિયાળાની ઋતુમાં આપણે ગરમ પદાર્થોનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી જ આપણને જીવનદાયીની ઊર્જા મળે છે.

શરદપૂર્ણિમા અને મહારાસ
શરદપૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણએ અગિયાર વર્ષની ઉંમરે શ્રીધામ વૃંદાવનના વંશીવટ ક્ષેત્રસ્થિત યમુનાતટે નવ લાખ વ્રજગોપીઓ સાથે દિવ્ય મહારાસલીલા કરી હતી. યોગમાયાના બળે તેમણે દરેક ગોપી સાથે એક-એક શ્રીકૃષ્ણ પ્રગટ કર્યા. ત્યારબાદ મહારાસલીલા કરી. જેમાં ભગવાન શિવજી ગોપીનું સ્વરૂપ ધારણ કરીને આ લીલાને જોવા માટે આવ્યા હતા. ત્યારથી ભગવાન શિવનું એક નામ ગોપીરામ મહાદેવ તથા ભગવાન શ્રીકૃષ્ણનું નામ રાસેશ્વર શ્રીકૃષ્ણ પડયું.

રાસલીલા વાસ્તવમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દુનિયાને આપવામાં આવેલો પ્રેમસંદેશ છે. રાસલીલાનો અર્થ સંપૂર્ણ રીતે આધ્યાત્મ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણએ વ્રજની ગોપીઓ સાથે રાસલીલા કરી ત્યારે ત્યાં જેટલી પણ ગોપીઓ હતી તેમને એવું લાગી રહ્યું હતું કે તે શ્રીકૃષ્ણ સાથે રાસ રમી રહી છે. આવી અનુભૂતિથી ગોપીઓને પરમાનંદની પ્રાપ્તિ થઈ હતી. જીવનમાં નૃત્ય દ્વારા મળનારું આધ્યાત્મિક સુખ તે મહારાસનું જ એક રૂપ છે.

ભગવાન શ્રીકૃષ્ણએ આ જ સંદેશ બાળપણમાં ગોપીઓ અને રાસલીલાના માધ્યમથી જગતને આપ્યો છે. રાસલીલા દરેક ગોપીનો શ્રીકૃષ્ણ સાથે રાસ રમવાનો અનુભવ જ ઈશ્વરના સર્વવ્યાપક હોવાનું સૌથી મોટું પ્રમાણ છે. વ્રજમાં શરદપૂર્ણિમાના અવસરે આજે પણ રાસલીલા અને શ્રીકૃષ્ણ લીલાઓનો આનંદ લેવામાં આવે છે. આ રાસોત્સવને કૌમુદ્રી મહોત્સવ પણ કહે છે. એવું કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણની રાસલીલામાં તેમના પરમ ભક્ત નરસિંહ મહેતા એવા તો ખોવાઈ ગયા હતા કે મશાલની અગ્નિ ધીરે-ધીરે તેમના હાથે પહોંચી અને તેમનો અડધો હાથ બળી ગયો તેનું પણ તેમને ભાન ન રહ્યું.

સ્વપ્નના ઘરને સુંદરતા બક્ષતું ક્ષેત્ર ઈન્ટીરિયર ડિઝાઈનિંગ

SANDESH- CAREER -22-10-12
Study Option - Prashant Patel


એક કહેવત છે કે, 'ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન.' આ જ બાબત તમારા ઘરને આધારે તમને લાગુ પડી શકે છે. કોઈ પણ વ્યક્તિ ઘર જોઈને તેમાં રહેનારનું વ્યક્તિત્વ પોતાના મનમાં ઘડે છે. સુંદર ઘર તમારી પ્રતિષ્ઠામાં વધારો કરે છે. આ ઘરને સજાવટ દ્વારા વધારે સુંદર બનાવવાનું કામ ઈન્ટીરિયર ડિઝાઈનર કરે છે. ઈન્ટીરિયર ડિઝાઈનરની આ ક્રિએટિવિટી જ્યારે ઘર સિવાય ઓફિસ, હોટેલ્સ, કોન્ફરન્સ હોલ, થિયેટર, કર્મિશયલ સેન્ટર તથા મોલમાં જોવા મળે ત્યારે હજારો લોકો તેનાથી પ્રભાવિત થાય છે અને મનોમન વિચારે છે કે આ સુંદરતાનું સર્જન કોણે કર્યું હશે?

જોતમે ક્રિએટિવ હો તો ઈન્ટીરિયર ડિઝાઈનર બનીને તમારી કારકિર્દીને યોગ્ય દિશા આપી શકો છો. ઈન્ટીરિયર ડિઝાઈનરનો કોર્સ કર્યા પછી તમે દેશ-વિદેશમાં સરળતાથી નોકરી મેળવી શકો છો. બાંધકામ ઉદ્યોગમાં તેજી જોતાં ઘર, કોર્પોરેટ બિલ્ડિંગ, ઓફિસ, શૈક્ષણિક સંસ્થાઓ, થિયેટર, મોલ એમ દરેક જગ્યાએ ઈન્ટીરિયર ડિઝાઈનરની માંગ પણ ખૂબ વધી છે. તમે ઈન્ટીરિયર ડિઝાઈનર બનીને લોકોના સ્વપ્નોના ઘરને સજાવવાની સાથે સારી કમાણી પણ કરી શકો છો.

શૈક્ષણિક લાયકાત
* ઈન્ટીરિયર ડિઝાઈનર બનવા માટે શૈક્ષણિક ક્વોલિફિકેશનથી વધારે ક્રિએટિવિટીની જરૂર હોય છે.

* ઈન્ટીરિયર ડિઝાઈનિંગના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે બારમા ધોરણમાં ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી તથા અંગ્રેજી વિષયો સાથે ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.

* કેટલીક સંસ્થાઓમાં ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થી ઈન્ટીરિયર ડિઝાઈનિંગમાં ડિપ્લોમા કોર્સ પણ કરી શકે છે.

* કેટલીક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશપરીક્ષા અને ગ્રૂપ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવે છે.

* ઈન્ટીરિયર ડિઝાઈનિંગના કેટલાક કોર્સમાં ગ્રેજ્યુએશન પછી પ્રવેશ મેળવી શકાય છે.

વ્યક્તિગત કૌશલ્ય
* ઈન્ટીરિયર ડિઝાઈનિંગના ક્ષેત્રમાં સફળતા ક્લાયન્ટના સંતોષ પર નિર્ભર કરે છે. ઈન્ટીરિયર ડિઝાઈનરમાં માત્ર કલાત્મક્તા જ નહીં, પરંતુ ટેકનિકલ ગુણો પણ હોવા જરૂરી છે.

* ઘરની સજાવટને આખરી ઓપ આપવાની પ્રક્રિયામાં ઈન્ટીરિયર ડિઝાઈનરે ઘણાં લોકોને મળવું પડે છે અને તેમની સાથે વાતચીત કરવી પડે છે. આવી સ્થિતિમાં પ્રભાવશાળી રીતે વાતચીત કરવાની ક્ષમતા તેનામાં હોવી બહુ જરૂરી છે.

* ઈન્ટીરિયર ડિઝાઈનરના વિચારો પર છેલ્લી મહોર ક્લાયન્ટની વાગે છે, તેથી ઈન્ટીરિયર ડિઝાઈનરમાં પોતાની વાતને સરળતાથી અને ચોક્કસ રીતે સમજાવવાની આવડત હોવી જોઈએ, કારણ કે પ્રોફેશનની ટેકનિકલ ભાષા કે શબ્દો ક્લાયન્ટ નથી જાણતો.

* ઈન્ટીરિયર ડિઝાઈનરમાં ધીરજ અને વિનમ્રતા હોવી જોઈએ.

* આજકાલ બધંુ જ કામ કમ્પ્યુટર પર થાય છે. વિવિધ ડિઝાઈન પણ કમ્પ્યુટરમાં તૈયાર કરી શકાય છે. તેથી ઈન્ટીરિયર ડિઝાઈનરને કમ્પ્યુટર અને ડિઝાઈનિંગના સોફ્ટવેરનું સારું જ્ઞાન હોવું જોઈએ.

* રચનાત્મક વિચાર અને કંઈ નવું કરવાનો ઉત્સાહ ઈન્ટીરિયર ડિઝાઈનરમાં હોવો જોઈએ.

* આ સિવાય ટેક્સચર તથા લાઈટિંગ, બિલ્ડિંગ મટીરિયલ્સ, જૂની તથા નવી સ્ટાઈલની જાણકારી, કલર વિઝન તથા બજેટ વગેરેનું જ્ઞાન હોવું જરૂરી છે.

નોકરી ક્યાં મળશે?
છેલ્લા કેટલાક સમયથી ઘરના શણગારના વધતા ચલણને કારણે ઈન્ટીરિયર ડિઝાઈનિંગના ક્ષેત્રમાં અનેક વિકલ્પો ઊભા થયા છે. આ ક્ષેત્રમાં નોકરીની તક અનેક ગણી વધી છે.

* ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો કોર્સ કર્યા પછી તમે કોઈ કંપનીમાં જોડાઈને આસિસ્ટન્ટ ડિઝાઈનર અથવા જુનિયર ડિઝાઈનર તરીકે કામ અને અનુભવ મેળવી શકો છો.

* તમે કોઈ પ્રાઈવેટ ફર્મમાં પાર્ટટાઈમ કામની સાથે તમારું પોતાનું કામ પણ કરી શકો છો.

* પબ્લિક સેક્ટરમાં પણ ઈન્ટીરિયર ડિઝાઈનરોની ઘણી માંગ છે. પબ્લિક ઈન્સ્ટિટયૂશન્સ જેમ કે ટાઉન પ્લાનિંગ બ્યૂરો, મેટ્રોપોલિટન અને ક્ષેત્રીય વિકાસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કરી શકો છો.

* આર્કિટેક્ટ ફર્મ અથવા બિલ્ડની સાથે પણ કામ કરી શકો છો.

* કામમાં હથોટી આવી ગયા બાદ તમે તમારી પોતાની ફર્મ કે કંપની શરૂ કરી શકો છો.

કમાણી
ઈન્ટીરિયર ડિઝાઈનિંગના ક્ષેત્રમાં કમાણી કરવાની કોઈ સીમા નથી. છતાં પણ શરૂઆતના સમયમાં એક ઈન્ટીરિયર ડિઝાઈનર ૬ હજારથી લઈને ૧૦ હજાર રૂપિયા પ્રતિમાસ સરળતાથી મેળવી શકે છે. જો બહુ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હોય તો શરૂઆતની કમાણી થોડી વધારે થઈ શકે છે. ઈન્ટીરિયર ડિઝાઈનરોની કમાણી અનેક તથ્યો પર આધાર રાખે છે. જેમાં ક્રિએટિવિટી સૌથી મહત્ત્વપૂર્ણ છે. થોડાં વર્ષોનો અનુભવ અને નામ થઈ ગયા પછી કમાણી લાખોમાં પહોંચી શકે છે.

કામકાજ
ઈન્ટીરિયર ડિઝાઈનિંગ એ કોઈ પણ ખાલી સ્થાનને અનુભવોને આધારે એક નિશ્ચિત આકાર આપવા સંબંધી પ્રક્રિયા છે. માત્ર ઈન્ટીરિયર ડેકોરેશનની દૃષ્ટિએ તેને ન જોઈ શકાય, પરંતુ તેની અંદર એન્વાયર્નમેન્ટલ સાયકોલોજી, પ્રોડક્ટ ડિઝાઈન તથા આર્કિટેક્ચરની કેટલીક બાબતોને સામેલ કરવામાં આવે છે.

ઈન્ટીરિયર ડિઝાઈનિંગના પ્રકાર
ઘર એ તેમાં રહેનારનું વ્યક્તિત્વ દર્શાવે છે. આ જ કારણ છે કે તેઓ ઈન્ટીરિયર ડિઝાઈનરની મદદથી પોતાના ઘરની સજાવટ પર વિશેષ ધ્યાન આપે છે. એક ઈન્ટીરિયર ડિઝાઈનરે દીવાલોના રંગ, ટેક્સચર અને ક્લાયન્ટની પસંદગી મુજબ પોતાના કામને આગળ ધપાવવાનું હોય છે. સાથે-સાથે તેમાં બજેટનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આ બધાને જોતાં ઈન્ટીરિયર ડિઝાઈનિંગની નીચે પ્રમાણેના પ્રકારો કે શાખાઓ વિસ્તરી છે.

હોમ ઈન્ટીરિયર
બાથરૂમ ઈન્ટીરિયર
કિચન ઈન્ટીરિયર
ઓફિસ ઈન્ટીરિયર
ડોર ઈન્ટીરિયર
ઈન્ટીરિયર પેઇન્ટિંગ્સ
ઈન્ટીરિયર લાઈટિંગ
હેલ્થકેર ઈન્ટીરિયર
કોર્પોરેટ ઈન્ટીરિયર
હોટેલ ઈન્ટીરિયર
ફેંગશૂઈ કે વાસ્તુ ઈન્ટીરિયર

શૈક્ષણિક સંસ્થાઓ
ભારતભરમાં વિવિધ સંસ્થાઓ ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો કોર્સ કરાવે છે. જેમાં ડિપ્લોમાથી લઈને ડિગ્રી સુધીના કોર્સ કરી શકાય છે. સંસ્થાઓમાં પ્રવેશ મેરિટ અથવા પ્રવેશપરીક્ષાને આધારે આપવામાં આવે છે. વિવિધ સંસ્થાઓમાં કોર્સ પ્રમાણે ફીનું ધોરણ જુદું જુદું હોય છે. ઓછામાં ઓછી ફી આશરે ૨૫ હજારથી લઈને ૬૫ હજાર વાર્ષિક હોઈ શકે છે.

નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન (એનઆઈડી), અમદાવાદ.

ધ સ્કૂલ ઓફ ઈન્ટીરિયર ડિઝાઈન, અમદાવાદ.

સ્કૂલ ઓફ ઈન્ટીરિયર ડિઝાઈન એન્ડ ઈન્સ્ટિટયૂટ ઓફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઈન, વલ્લભ વિદ્યાનગર.

નેશનલ સ્કૂલ ઓફ ફેશન ડિઝાઈન, ચંદીગઢ.

એસએનડીટી વુમન યુનિવર્સિટી, મુંબઈ.

સેપ્ટ યુનિવર્સિટી, અમદાવાદ.

ડિઝાઈન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા, ઈંદૌર.

સાઉથ દિલ્હી પોલિટેકનિક ફોર વુમન. દિલ્હી

prashantvpatel2011@gmail.com

Sunday, 21 October 2012

ડિઝાસ્ટર મેનેજમેન્ટ આફતોમાંથી ઉગારતું ક્ષેત્ર


SANDESH- Career - 15-10-12


Study Option - Prashant Patel

આફત કુદરતી હોય કે માનવસર્જિત, ક્યારેય કોઈને પૂછીને નથી આવતી. આફતો મનુષ્ય જીવન, પશુ-પક્ષીઓ, વાતાવરણ અને ધન-સંપત્તિને નુકસાન પહોંચાડે છે. આકસ્મિક આવી ચઢેલી આફતો મનુષ્યને પાંગળો બનાવી દે છે. નિસહાય અને લાચાર મનુષ્યો (ભોગ બનનાર લોકો) ને પોતાના પગ પર ફરીથી ઊભા કરવાનું એટલે કે મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનું કામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ કરે છે. આજે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં આવા પ્રોફેશનલ્સની ખૂબ જ માંગ છે. તેથી આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી એ કોઈ ખોટનો સોદો નથી.

કુદરતી કે માનવસર્જિત આફતો ધન-સંપત્તિને નુકસાન તો પહોંચાડે જ છે સાથે જન-જીવનને પણ અસ્તવ્યસ્ત કરી દે છે. આ જનજીવનને ફરીથી પાટા પર લાવવાનું કામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો કરે છે. સરકાર, એનજીઓ, ખાનગી સંસ્થાઓ આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટને પ્રાથમિકતા આપી રહ્યાં છે. આ જ કારણે આ ક્ષેત્રમાં યોગ્ય તાલીમ મેળવેલા પ્રોફેશનલ્સની માંગ વધી રહી છે. બારમું ધોરણ પાસ કર્યાં પછી અથવા ગ્રેજ્યુએશન કર્યાં પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

શૈક્ષણિક યોગ્યતા
* સર્ટિફિકેટ કોર્સ માટે ઓછામાં ઓછી યોગ્યતા ધોરણ-૧૨ પાસ છે.
* માસ્ટર ડિગ્રી અથવા પીજી ડિપ્લોમા માટે સ્નાતક હોવું જરૂરી છે.
* એમબીએ કોર્સ કરવા માટે સ્નાતક હોવું જરૂરી છે.
* કેટલીક સંસ્થાઓ સર્ટિફિકેટ કોર્સ પણ ચલાવે છે જેમાં ધોરણ-૧૨ પછી પ્રવેશ મેળવી શકાય છે.
* માઈનિંગ, કેમિકલ ડિઝાસ્ટર અને ટેકનિકલ ડિઝાસ્ટરમાં સ્પેશ્યલાઈઝેશન કરી શકાય છે.

વિશેષ યોગ્યતા
* વિવિધ પ્રકારની આફતો કે સંકટો વિશે પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે.
* કમ્પ્યુટર અને અન્ય ઉપયોગી ઈક્વિપમેન્ટ્સના ઉપયોગનું જ્ઞાન હોવું જોઈએ.
* કોઈ પણ પરિસ્થિતિમાં થાક્યા વગર કામ કરવાનો જુસ્સો હોવો જોઈએ.
* ટીમ સ્પીરિટ અને મેનેજમેન્ટનો ગુણ હોવો જરૂરી છે.
* કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવાની તૈયારી.

મુખ્ય કોર્સ
* સર્ટિફિકેટ કોર્સ ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
* ડિપ્લોમા ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
* એમએ ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
* એમબીએ ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
* પીજી ડિપ્લોમા ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.

નોકરી ક્યાં મળશે?
ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં નોકરીની અઢળક તક રહેલી છે. સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં નોકરી સરળતાથી મળી રહે છે.
* સરકારી સેવાઓ.
* લો ઈન્ફોર્સમેન્ટ.
* લોકલ ઓથોરિટીઝ.
* રિલીફ એજન્સીઓ.
* ખાનગી ક્ષેત્રમાં કેમિકલ, માઈનિંગ, પેટ્રોલિયમ જેવી જોખમી ઈન્ડસ્ટ્રીઝમાં કામ મળી શકે છે. સામાન્ય રીતે આવી ઈન્ડસ્ટ્રીઝમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ હોય છે.
* આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે રેડક્રોસ અને યૂએન વગેરેમાં કામ કરી શકો છો.
* અનુભવ મેળવ્યા બાદ પોતાની કંપની શરૂ કરી શકો છો અથવા કન્સલ્ટિંગ એજન્સી પણ ખોલી શકો છો.

કામકાજ
* ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોફેશનલનું મુખ્ય કામ કુદરતી અથવા માનવસર્જિત સંકટ કે આફતના સમયે ભોગ બનેલા લોકોનો જીવ બચાવવો, પ્રાથમિક સારવાર આપવી, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી અને તેમને ફરીથી મુખ્ય ધારામાં પાછા લાવવાનું છે. તેના માટે સરકાર અને કેટલીક એજન્સીઓ દ્વારા જરૂરી નાણાં ફાળવવામાં આવે છે.

* સરકારી એજન્સી તરીકે ગૃહમંત્રાલય મુખ્ય ભૂમિકા ભજવે છે. કુદરતી અથવા માનવસર્જિત આફતના સમયે તે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કાર્ય સંભાળે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ એવું છે જેનાથી આપણને નોકરી કરવા ઉપરાંત સમાજને અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કર્યાનો સંતોષ પણ મળે છે. આ માત્ર નોકરી નથી પણ એક પ્રકારની સેવા છે અને એ રીતે તમે રાષ્ટ્રના નિર્માણમાં પણ ભાગીદાર બની શકો છો.

શૈક્ષણિક સંસ્થાઓ
ભારતભરની વિવિધ સંસ્થાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સર્ટિફિકેટથી લઈને એમબીએ સુધીના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જ્યાં કોર્સનો સમયગાળો અને ફીનું ધોરણ જુદું-જુદું હોય છે.

* ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈકોલોજી એન્ડ એન્વાયર્ન્મેન્ટ, નવી દિલ્હી.
* સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પૂણે.
* ડિઝાસ્ટર મિટિગેશન ઈન્સ્ટિટયૂટ, અમદાવાદ.
* નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નવી દિલ્હી.
* સેન્ટર ફોર સિવિલ ડિફેન્સ કોલેજ, નાગપુર.
* એન્વાયર્ન્મેન્ટ પ્રોટેક્શન ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ, હૈદરાબાદ.
* નાલંદા ઓપન યુનિવર્સિટી, પટણા.
* ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નૂ), દિલ્હી.
* સેન્ટર ફોર ડિઝાસ્ટર મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ, ચેન્નઈ.

કરિયર વિકલ્પ
રિલીફ એન્ડ ડેવલપમેન્ટ એન્જિનિયરિંગ
આફતના સમયે સૌથી વધારે નુકસાન બિલ્ડિંગ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ટરને થાય છે, તેથી વિપત્તિ કે આફત આવી ગયાની થોડી જ ક્ષણોમાં રિલીફ એન્ડ ડેવલપમેન્ટ એન્જિનિયર પાણીનો સપ્લાય, સાફ-સફાઈ અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે.

રિસ્ક એસેસમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સેફ્ટી
ઘણી કંપનીઓને પોતાના કર્મચારીઓ તથા સામાન્ય જનતાની સુરક્ષા પ્રદાન કરવાની જરૂર હોય છે. નિર્માણ, રસાયણ, પેટ્રોલિયમ, જળ, આવાગમન અને પરમાણુ ઉદ્યોગોની સાથે સાથે સરકારી એજન્સીઓમાં પણ ડિઝાસ્ટર પ્રોફેશનલ્સની જરૂર હોય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ આવી કંપનીઓ કે ઉદ્યોગોમાં સરળતાથી નોકરી મેળવી શકે છે.

રિલીફ એન્ડ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ
રાહતના કામમાં જોડાયેલા પ્રોજેક્ટ મેનેજર સમાજની જરૂરિયાતો પ્રત્યે જવાબદાર હોય છે. જેમ કે, તેમને મુશ્કેલ સ્થિતિમાં ખાદ્ય પદાર્થો, રાહત, શરણ લઈ શકાય તેવી જગ્યા બનાવવા માટે મળતા કે આવનારા સામાનનું યોગ્ય વિતરણ કરવાનું કામ કરવાનું હોય છે. આ સામાન વિદેશ કે પછી દેશના અન્ય કોઈ પ્રદેશમાંથી મદદ માટે આવી શકે છે.

હેલ્થ મેનેજમેન્ટ
કેટલીક સરકારી, ખાનગી તથા એનજીઓનો હેતુ કે ફોકસ માત્ર પ્રાથમિક સ્વાસ્થ્ય પર જ હોય છે. આ ક્ષેત્રમાં પ્રોજેક્ટ મેનેજર પાસે ઉત્તમ કામગીરીની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી તેનામાં વિવિધ પ્રકારનું કૌશલ્ય હોવું જોઈએ જેમ કે, સામાન્ય જનતા સ્વાસ્થ્ય અને મહામારીની જાણકારી, લોજિસ્ટિકનું ડિસ્ટ્રીબ્યુશન, ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ, આપદા ક્ષેત્રમાં સુરક્ષા સંબંધી બાબતો, રાજકારણ અને કાયદો વગેરે.

ઈમર્જન્સી પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ
ઈમર્જન્સી પ્લાનર જોખમોને ઓળખે છે અને તેનાથી બચવાનો પ્લાન બનાવે છે. તેમાં ખરાબ વાતાવરણ, વાવાઝોડું, રાસાયણિક વિસ્ફોટ અથવા આતંકવાદી ખતરાનો સમાવેશ થાય છે. ઈમર્જન્સી પ્લાનરે પહેલેથી જ લોકોની ભૂમિકાઓ, જવાબદારીઓ, સંચાર (વાતચીત કે સંદેશો આપવા)ની રીત અને મેનેજમેન્ટની પ્રક્રિયા નક્કી કરવાની હોય છે.

રિસ્ક એન્ડ બિઝનેસ કન્ટિન્યુટી મેનેજમેન્ટ
એક રિસ્ક એન્ડ બિઝનેસ કન્ટિન્યુટી મેનેજરને સંસ્થા કે કંપનીની અંદર અને બહારની દુનિયા સાથેના સંબંધ સાથે જોડાયેલ પ્રોસેસ અને મેનેજમેન્ટ સિસ્ટમની જાણકારી હોવી જોઈએ. તેના માટે તેનામાં સંસ્થાનાં આંતરિક જોખમોને સારી રીતે ઓળખવાની ક્ષમતા હોવી જોઈએ. તેણે બધી બાબતો ધ્યાનમાં રાખીને આંતરિક સિસ્ટમને મજબૂત રાખવાનું તથા સંકટની સ્થિતિમાં સંસ્થાનું કામ રોકાય નહીં તે સુનિશ્ચિત કરવાનું હોય છે.

prashantvpatel2011@gmail.com

નવગ્રહના અસરકારક મંત્રો



મંત્રોની શક્તિ તથા તેનું મહત્ત્વ જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત તમામ પ્રકારનાં રત્નો અને ઉપાયોથી પણ વધારે છે. એવા ઘણા દોષ છે જેના પર રત્ન તથા ઉપાયો દ્વારા નિયંત્રણ મેળવવું મુશ્કેલ છે, પરંતુ મંત્રોના માધ્યમથી ઘણી હદ સુધી તેને નિયંત્રણમાં રાખી શકાય છે
જ્યોતિષમાં રત્નોનો પ્રયોગ કુંડળીમાં માત્ર શુભ અસર આપનારા ગ્રહોને બળ પ્રદાન કરવા માટે કરી શકાય છે તથા અશુભ અસર કે પરિણામ આપનારા ગ્રહોનાં રત્નો ધારણ કરવા વર્જિત માનવામાં આવે છે, કારણ કે જે ગ્રહનું રત્ન ધારણ કર્યું હોય તે ગ્રહને બળ મળે છે, પરંતુ તેનો સ્વભાવ બદલાતો નથી. તેથી શુભ ફળ આપનારા ગ્રહનું બળ વધવાથી તેના દ્વારા થનારી હાનિ કે નુકસાનની માત્રા પણ ઘટે છે જ્યારે બીજી તરફ ખરાબ ફળ આપનારા ગ્રહોનું બળ વધવાથી તેના દ્વારા થનારા નુકસાનની માત્રા વધી જાય છે. તેથી કુંડળીમાં ખરાબ ફળ આપનારા ગ્રહોનાં રત્નોને ક્યારેય ધારણ કરવાં જોઈએ નહીં.
ગ્રહને બળવાન બનાવવા તથા તેના ખરાબ પ્રભાવમાંથી બચવા માટે જે-તે ગ્રહના ઉપાયો કરી શકાય, પરંતુ ગ્રહના મંત્રો જેવો અસરકારક બીજો કોઈ ઉપાય નથી. મંત્રોનો પ્રયોગ તમે કુંડળીમાં સારી તથા ખરાબ અસર આપનારા ગ્રહો માટે કરી શકો છો. સામાન્ય સ્થિતિમાં નવ ગ્રહોના મૂળ મંત્ર, વિશેષ લાભ મેળવવા માટે બીજમંત્ર તથા વેદ મંત્રોના જપ કરવા જોઈએ.

નવ ગ્રહોના મૂળ મંત્ર
• સૂર્યઃ ૐ સૂર્યાય નમઃ ।
• ચંદ્રઃ ૐ ચંદ્રાય નમઃ ।
• મંગળઃ ૐ ભૌમાય નમઃ ।
• બુધઃ ૐ બુધાય નમઃ ।
• ગુરુઃ ૐ ગુરવે નમઃ ।
• શુક્રઃ ૐ શુક્રાય નમઃ ।
• શનિઃ ૐ શનયે નમઃ । અથવા ૐ શનિશ્ચરાય નમઃ ।
• રાહુઃ ૐ રાહવે નમઃ ।
• કેતુઃ ૐ કેતવે નમઃ ।
નવ ગ્રહોના બીજમંત્ર
• સૂર્યઃ ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ ।
• ચંદ્રઃ ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ ચંદ્રાય નમઃ ।
• મંગળઃ ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ ।
• બુધઃ ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ ।
• ગુરુઃ ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ ગુરવે નમઃ ।
• શુક્રઃ ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ ।
• શનિઃ ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનયે નમઃ ।
• રાહુઃ ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃ ।
• કેતુઃ ૐ સ્ત્રાં સ્ત્રીં સ્ત્રૌં સઃ કેતવે નમઃ ।

નવ ગ્રહોના વેદ મંત્ર
• સૂર્યઃ ૐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મતર્ય ચ
 હિરણ્યેન સવિતા રથેના દેવો યાતિ ભુવનાનિ પશ્યન ।।
 ઈદં સૂર્યાય ન મમ ।।
• ચંદ્રઃ ૐ ઈમં દેવાડસપત્ ન ગ્વં સુવધ્વમ્ મહતે ક્ષત્રાય મહતે જ્યેષ્ઠયાય
મહતે જાનરાજ્યાયેન્દ્રસ્યેન્દ્રિયાય ઈમમમુષ્ય પુત્રમુષ્યૈ પુત્રમુષ્યૈ વિશ એષં
વોડમી રાજા સૌમોડ્સ્માકં બ્રાહ્મણાનાં ગ્વં રાજા ।। ઈદં ચંદ્રમસે ન મમ ।।
• મંગળઃ ૐ અગ્નિમુર્દ્ધ દિવઃ કકુપતિઃ પૃથિવ્યા અયમ્ ।
અપા ગ્વં રેતા ગ્વં સિ જિન્વતિ । ઈદં ભૌમાય, ઈદં ન મમ ।।
• બુધઃ ૐ ઉદબુધ્યસ્વાગ્ને પ્રતિ જાગૃહિત્વમિષ્ટાપૂર્તે સ ગ્વં સૃજેથામયં ચ ।
અસ્મિન્ત્સધસ્થે અધ્યુત્તરસ્મિન્ વિશ્વેદેવા યજમાનશ્ચ સીદત ।।
ઈદં બુધાય, ઈદં ન મમ ।।
• ગુરુઃ ૐ બૃહસ્પતે અતિ યદર્યો અહાર્દ્ દ્યુમદ્વિભાતિ ક્રતુમજ્જનેષુ ।
યદદીયચ્છવસ ઋતપ્રજાત તદસ્માસુ દ્રવિણં ધેહિ ચિત્રમ ।।
ઈદં બૃહસ્પતયે, ઈદં ન મમ ।।
• શુક્રઃ ૐ અન્નાત્ પરિસ્રુતો રસં બ્રહ્મણા વ્યપિબત્ ક્ષત્રં પયઃ ।
સોમં પ્રજાપતિઃ ઋતેન સત્યમિન્દ્રિયં પિવાનં ગ્વં
શુક્રમન્ધસડઈન્દ્રસ્યેન્દ્રિયમિદં પયોડમૃતં મધુ ।।
ઈદં શુક્રાય, ન મમ ।।
• શનિઃ ૐ શન્નો દેવિરભિષ્ટય આપો ભવન્તુ પીતયે ।
શંય્યોરભિસ્ત્રવન્તુ નઃ । ઈદં શનૈશ્ચરાય, ઈદં ન મમ ।।
• રાહુઃ ૐ કયાનશ્ચિત્ર આ ભુવદ્વતી સદા વૃધઃ સખા ।
કયા શચિંષ્ઠયા વૃતા ।। ઈદં રાહવે, ઈદં ન મમ ।।
• કેતુઃ ૐ કેતું કણ્વન્ન કેતવે પેશો મર્યા અપેશસે ।
સમુષદભિરજા યથાઃ । ઈદં કેતવે, ઈદં ન મમ ।।

નવગ્રહ મંત્ર
ૐ બ્રહ્મા મુરારિસ્ત્રિપુરાન્તકારી
ભાનુઃ શશી ભૂમિસૂતોબુધશ્ચ ।
ગુરુશ્ચ શુક્રઃ શનિરાહુ કેતવઃ
સર્વે ગ્રહાઃ શાન્તકારા ભવન્તુ ।।
મંત્ર જપ દ્વારા સર્વોત્તમ ફળ મેવવવા માટે મંત્રોનો જપ નિયમિત રીતે તથા અનુશાસનપૂર્વક કરવો જોઈએ. વેદ મંત્રોનો જપ માત્ર એ જ લોકોએ કરવો જોઈએ જેઓ વ્રતીના દરેક નિયમ પાળતા હોય. કોઈ પણ મંત્રનો જપ એક માળા એટલે કે ૧૦૮ વાર કરવો જોઈએ. તેના માટે સૌથી પહેલાં તમારે જાણી લેવું જોઈએ કે તમારી જન્મકુંડળી અનુસાર કયા ગ્રહના મંત્ર જપ કરવાથી સૌથી વધારે લાભ થઈ શકે એમ છે.

નવગ્રહના અસરકારક મંત્રો


મંત્રોની શક્તિ તથા તેનું મહત્ત્વ જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત તમામ પ્રકારનાં રત્નો અને ઉપાયોથી પણ વધારે છે. એવા ઘણા દોષ છે જેના પર રત્ન તથા ઉપાયો દ્વારા નિયંત્રણ મેળવવું મુશ્કેલ છે, પરંતુ મંત્રોના માધ્યમથી ઘણી હદ સુધી તેને નિયંત્રણમાં રાખી શકાય છે
જ્યોતિષમાં રત્નોનો પ્રયોગ કુંડળીમાં માત્ર શુભ અસર આપનારા ગ્રહોને બળ પ્રદાન કરવા માટે કરી શકાય છે તથા અશુભ અસર કે પરિણામ આપનારા ગ્રહોનાં રત્નો ધારણ કરવા વર્જિત માનવામાં આવે છે, કારણ કે જે ગ્રહનું રત્ન ધારણ કર્યું હોય તે ગ્રહને બળ મળે છે, પરંતુ તેનો સ્વભાવ બદલાતો નથી. તેથી શુભ ફળ આપનારા ગ્રહનું બળ વધવાથી તેના દ્વારા થનારી હાનિ કે નુકસાનની માત્રા પણ ઘટે છે જ્યારે બીજી તરફ ખરાબ ફળ આપનારા ગ્રહોનું બળ વધવાથી તેના દ્વારા થનારા નુકસાનની માત્રા વધી જાય છે. તેથી કુંડળીમાં ખરાબ ફળ આપનારા ગ્રહોનાં રત્નોને ક્યારેય ધારણ કરવાં જોઈએ નહીં.
ગ્રહને બળવાન બનાવવા તથા તેના ખરાબ પ્રભાવમાંથી બચવા માટે જે-તે ગ્રહના ઉપાયો કરી શકાય, પરંતુ ગ્રહના મંત્રો જેવો અસરકારક બીજો કોઈ ઉપાય નથી. મંત્રોનો પ્રયોગ તમે કુંડળીમાં સારી તથા ખરાબ અસર આપનારા ગ્રહો માટે કરી શકો છો. સામાન્ય સ્થિતિમાં નવ ગ્રહોના મૂળ મંત્ર, વિશેષ લાભ મેળવવા માટે બીજમંત્ર તથા વેદ મંત્રોના જપ કરવા જોઈએ.
નવ ગ્રહોના મૂળ મંત્ર
સૂર્યઃ ૐ સૂર્યાય નમઃ ।
ચંદ્રઃ ૐ ચંદ્રાય નમઃ ।
મંગળઃ ૐ ભૌમાય નમઃ ।
બુધઃ ૐ બુધાય નમઃ ।
ગુરુઃ ૐ ગુરવે નમઃ ।
શુક્રઃ ૐ શુક્રાય નમઃ ।
શનિઃ ૐ શનયે નમઃ । અથવા ૐ શનિશ્ચરાય નમઃ ।
રાહુઃ ૐ રાહવે નમઃ ।
કેતુઃ ૐ કેતવે નમઃ ।
નવ ગ્રહોના બીજમંત્ર
સૂર્યઃ ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ ।
ચંદ્રઃ ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ ચંદ્રાય નમઃ ।
મંગળઃ ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ ।
બુધઃ ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ ।
ગુરુઃ ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ ગુરવે નમઃ ।
શુક્રઃ ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ ।
શનિઃ ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનયે નમઃ ।
રાહુઃ ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃ ।
કેતુઃ ૐ સ્ત્રાં સ્ત્રીં સ્ત્રૌં સઃ કેતવે નમઃ ।
નવ ગ્રહોના વેદ મંત્ર
સૂર્યઃ ૐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મતર્ય ચ
હિરણ્યેન સવિતા રથેના દેવો યાતિ ભુવનાનિ પશ્યન ।।
ઈદં સૂર્યાય ન મમ ।।
ચંદ્રઃ ૐ ઈમં દેવાડસપત્ ન ગ્વં સુવધ્વમ્ મહતે ક્ષત્રાય મહતે જ્યેષ્ઠયાય
મહતે જાનરાજ્યાયેન્દ્રસ્યેન્દ્રિયાય ઈમમમુષ્ય પુત્રમુષ્યૈ પુત્રમુષ્યૈ વિશ એષં
વોડમી રાજા સૌમોડ્સ્માકં બ્રાહ્મણાનાં ગ્વં રાજા ।। ઈદં ચંદ્રમસે ન મમ ।।
મંગળઃ ૐ અગ્નિમુર્દ્ધ દિવઃ કકુપતિઃ પૃથિવ્યા અયમ્ ।
અપા ગ્વં રેતા ગ્વં સિ જિન્વતિ । ઈદં ભૌમાય, ઈદં ન મમ ।।
બુધઃ ૐ ઉદબુધ્યસ્વાગ્ને પ્રતિ જાગૃહિત્વમિષ્ટાપૂર્તે સ ગ્વં સૃજેથામયં ચ ।
અસ્મિન્ત્સધસ્થે અધ્યુત્તરસ્મિન્ વિશ્વેદેવા યજમાનશ્ચ સીદત ।।
ઈદં બુધાય, ઈદં ન મમ ।।
ગુરુઃ ૐ બૃહસ્પતે અતિ યદર્યો અહાર્દ્ દ્યુમદ્વિભાતિ ક્રતુમજ્જનેષુ ।
યદદીયચ્છવસ ઋતપ્રજાત તદસ્માસુ દ્રવિણં ધેહિ ચિત્રમ ।।
ઈદં બૃહસ્પતયે, ઈદં ન મમ ।।
શુક્રઃ ૐ અન્નાત્ પરિસ્રુતો રસં બ્રહ્મણા વ્યપિબત્ ક્ષત્રં પયઃ ।
સોમં પ્રજાપતિઃ ઋતેન સત્યમિન્દ્રિયં પિવાનં ગ્વં
શુક્રમન્ધસડઈન્દ્રસ્યેન્દ્રિયમિદં પયોડમૃતં મધુ ।।
ઈદં શુક્રાય, ન મમ ।।
શનિઃ ૐ શન્નો દેવિરભિષ્ટય આપો ભવન્તુ પીતયે ।
શંય્યોરભિસ્ત્રવન્તુ નઃ । ઈદં શનૈશ્ચરાય, ઈદં ન મમ ।।
રાહુઃ ૐ કયાનશ્ચિત્ર આ ભુવદ્વતી સદા વૃધઃ સખા ।
કયા શચિંષ્ઠયા વૃતા ।। ઈદં રાહવે, ઈદં ન મમ ।।
કેતુઃ ૐ કેતું કણ્વન્ન કેતવે પેશો મર્યા અપેશસે ।
સમુષદભિરજા યથાઃ । ઈદં કેતવે, ઈદં ન મમ ।।
નવગ્રહ મંત્ર
ૐ બ્રહ્મા મુરારિસ્ત્રિપુરાન્તકારી
ભાનુઃ શશી ભૂમિસૂતોબુધશ્ચ ।
ગુરુશ્ચ શુક્રઃ શનિરાહુ કેતવઃ
સર્વે ગ્રહાઃ શાન્તકારા ભવન્તુ ।।
મંત્ર જપ દ્વારા સર્વોત્તમ ફળ મેવવવા માટે મંત્રોનો જપ નિયમિત રીતે તથા અનુશાસનપૂર્વક કરવો જોઈએ. વેદ મંત્રોનો જપ માત્ર એ જ લોકોએ કરવો જોઈએ જેઓ વ્રતીના દરેક નિયમ પાળતા હોય. કોઈ પણ મંત્રનો જપ એક માળા એટલે કે ૧૦૮ વાર કરવો જોઈએ. તેના માટે સૌથી પહેલાં તમારે જાણી લેવું જોઈએ કે તમારી જન્મકુંડળી અનુસાર કયા ગ્રહના મંત્ર જપ કરવાથી સૌથી વધારે લાભ થઈ શકે એમ છે.

Friday, 12 October 2012

નવરાત્રિ આદ્યશક્તિની આરાધનાનો શ્રેષ્ઠ સમય


SANDESH- Shraddha -11-10-12
કવર સ્ટોરી - પ્રશાંત પટેલ

નવરાત્રિને આદ્યશક્તિની ઉપાસનાનું મહાપર્વ માનવામાં આવે છે. એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. ચૈત્ર માસની વાસંતિક નવરાત્રિ, આસો માસની શારદીય નવરાત્રિ એમ બે પ્રચલિત નવરાત્રી તથા ધર્મગ્રંથો અનુસાર અષાઢ અને મહા માસમાં ગુપ્ત નવરાત્રિ આવે છે. ચારે નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું આપણે ત્યાં વિશેષ મહત્ત્વ છે. સમગ્ર ભારતભરમાં શારદીય નવરાત્રિની વિવિધ રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે

નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય. નવરાત્રિ એક એવું પર્વ છે જે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ગરિમામય સ્થાનને દર્શાવે છે. વર્ષમાં આવતી કુલ ચાર નવરાત્રિ એકમથી લઈને નવમી એમ નવ દિવસની હોય છે. આસો માસમાં આવતી શારદીય નવરાત્રિમાં નવ દિવસ સુધી આદ્યશક્તિનાં વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પહેલા દિવસથી લઈને નવમા દિવસ સુધી ક્રમશઃ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી દેવીનું પૂજન કરવામાં આવે છે.

એકમના દિવસે માતા શૈલપુત્રીનું પૂજન કરવાથી સૌભાગ્ય, બીજના દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી કાર્યમાં સફળતા, ત્રીજના દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય, ચોથના દિવસે માતા કૂષ્માંડાનું પૂજન કરવાથી આકર્ષણ, પાંચમના દિવસે સ્કંદમાતાનું પૂજન કરવાથી પુત્રસુખ, છઠ્ઠના દિવસે માતા કાત્યાયનીનું પૂજન કરવાથી ઇચ્છાપૂર્તિ, સાતમના દિવસે માતા કાલરાત્રિનું પૂજન કરવાથી શત્રુ પર વિજય, આઠમના દિવસે મહાગૌરીનું પૂજન કરવાથી નવ નિધિ અને નોમના દિવસે માતા સિદ્ધિદાત્રીનું પૂજન કરવાથી કાર્યસિદ્ધિ તથા સન્માન મળે છે.

પૌરાણિક કથાઓ પ્રમાણે ત્રેતાયુગમાં રાવણ સીતામાતાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો. શ્રીરામે લંકા પર આક્રમણ કરવાની યોજના બનાવી ત્યારે આસો માસ ચાલી રહ્યો હતો. આ માસમાં દેવતાઓનો શયનકાળ હોય છે, તેથી ભગવાન શ્રીરામે દૈવીશક્તિને જાગ્રત કરવાનો નિર્ણય લીધો. આસો માસના સુદ પક્ષમાં પ્રતિપદા (એકમ)થી લઈને નવમી સુધી નવ દિવસ ભગવતી મહાશક્તિની આરાધના કરીને શ્રીરામે તેમને પ્રસન્ન કરી લીધાં. તેના ફળસ્વરૂપ તેમને દેવી પાસેથી રાવણ પર વિજય મેળવવાનું વરદાન મળ્યું. ત્યારબાદ ભગવાન શ્રીરામે આસો સુદ દશમી (વિજયાદશમી)ના દિવસે વિજય મુહૂર્તમાં લંકા પર આક્રમણ કરીને રાવણનો સંહાર કર્યો. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ દ્વારા આસો માસમાં નવરાત્રિના નવ દિવસ વ્રત-અનુષ્ઠાન કરવામાં આવ્યું હોવાને કારણે આસો માસની શારદીય નવરાત્રિ ચૈતન્ય તથા અભીષ્ટ ફળદાયી બની ગઈ.

દેવી ભાગવતપુરાણના ત્રીજા સ્કંધના ૨૯-૩૦મા અધ્યાયોમાં શ્રીરામચંદ્રજી દ્વારા શારદીય નવરાત્રિમાં શક્તિપૂજાની કથાનું વર્ણન જોવા મળે છે. શારદીય નવરાત્રિમાં દુર્ગાપૂજાની પ્રથા ત્રેતાયુગથી શરૂ થઈ. આ રીતે દૈવીશક્તિના શયનકાળમાં પણ તેમની ઉપાસનાની પરંપરા બની અને શારદીય નવરાત્રિને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયું.

શારદીય નવરાત્રિમાં ખાસ કરીને ગુજરાતમાં ઘટસ્થાપન, વ્રત-પૂજન, ઉપવાસ અને ગરબાનું વિશેષ મહત્ત્વ છે. ઘરે-ઘરે અંબાજી માતાનું પૂજન થાય છે. શેરીઓ-મહોલ્લામાં બાળકો મહોલ્લા માતા કે સુંદર ગબ્બર બનાવે છે અને ભક્તિભાવપૂર્વક પૂજન કરે છે. ચોકમાં મોડી રાત સુધી ગરબા અને રાસ રમાય છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં મોટા મોટા પંડાલ બનાવીને દુર્ગાપૂજા કરવામાં આવે છે.

નવરાત્રિ વ્રત-પૂજન
આસો સુદ એકમથી લઈને નોમ સુધી શારદીય નવરાત્રિ હોય છે. આ નવરાત્રિનું વ્રત સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. જો કોઈ કારણસર વ્રત કરી શકાય તેમ ન હોય તો પતિ, પત્ની, પુત્ર અથવા બ્રાહ્મણને પ્રતિનિધિ બનાવીને વ્રત પૂર્ણ કરી શકાય છે.

સૌપ્રથમ પ્રાતઃકાળે સ્નાનાદિ કર્મથી પરવારી પૂજાસ્થાનને સ્વચ્છ કરવું. પછી સુંદર વેદી તૈયાર કરીને ગણેશામ્બિકા, વરુણ, ષોડશમાતૃકા, સપ્તધૃત માતૃકા, નવગ્રહ સહિત દેવતાઓ તથા સિંહાસનારૂઢ જગતજનની માતા ભગવતી આદ્યશક્તિનું વિધિવત્ સ્વાસ્તિવાચન, સંકલ્પ, પુણ્યાહવાચનપૂર્વક ષોડશોપચારે પૂજન કરો. માતાના દિવ્ય મંત્રોના જપ કરો. નવરાત્રિ દરમિયાન દરરોજ શ્રી દુર્ગાસપ્તશતીનો પાઠ કરો. નવરાત્રિનું પૂજન કે વ્રત વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનું છે. તેના માટે એવું કહેવાયું છે કે,ળશરદવસન્તનામાનૌ દાનવૌ દ્વૌ ભયંકરૌ ।
તયોરુપદ્રવશામ્યર્થ મિત્રં પૂજા દ્વિધા મતા ।।
અર્થાત્ શરદ તથા વસંત નામના બે ભયંકર દાનવ વિવિધ રોગોના કારણ છે. આ ઋતુઓનાં પરિવર્તન સમયે મહામારી, જ્વર, શીતળા, કફ, ઉધરસ વગેરે જેવા વિવિધ રોગોના નિવારણ માટે શારદીય તથા વાસંતી એમ બે નવરાત્રિમાં દુર્ગાપૂજનનું પ્રચલન આદિકાળથી છે.

નવરાત્રિમાં વિવિધ યંત્રપૂજનના લાભ
નવરાત્રિના નવ દિવસ માતા શક્તિનાં નવ સ્વરૂપોને સર્મિપત હોય છે. નવરાત્રિને અસુરી તત્ત્વો પર દૈવી તત્ત્વો, અંધારા પર ઉજાસનો તથા અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. નવ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ અને ઉપાસકો માતાના આશીર્વાદ મેળવવા માટે પૂજા-પાઠ, હવન, યજ્ઞા તથા ઉપવાસ કરે છે. માતાની આરાધના કરવાથી સમૃદ્ધિ, ધન તથા યશ મળે છે. નવરાત્રિમાં ઘટસ્થાપન કે પૂજા-પાઠમાં યંત્રોનાં પૂજનનો સમાવેશ કરવાથી સર્વોત્તમ અને શીઘ્ર લાભ મળે છે. ઘરના મંદિર કે પૂજાસ્થાનમાં માતા શક્તિનાં વિવિધ યંત્રોની સ્થાપના અને નિયમિત રીતે પૂજન કરવાથી યશ-સમૃદ્ધિ અને ભાગ્યમાં સતત વૃદ્ધિ થતી રહે છે.

શ્રીદુર્ગા યંત્ર
શ્રીદુર્ગા યંત્ર તમારા જીવનમાં ઊર્જા તથા સકારાત્મકતાનો સંચાર કરે છે. આ યંત્ર તમને અનિષ્ટ તત્ત્વો અને નકારાત્મકતાથી દૂર રાખે છે તથા જીવનમાં કોઈ પણ પ્રકારની બાધાઓ કે અંતરાયોને પાર કરવામાં તમારી મદદ કરે છે. આ મંગળકારી નવરાત્રિમાં દુર્ગાયંત્રની પૂજા-અર્ચના કરવાથી ચોક્કસ લાભ થશે તથા આગળ વધવાની નવી-નવી તક મળશે.

સંપૂર્ણ મહાલક્ષ્મી યંત્ર
સંપૂર્ણ મહાલક્ષ્મી યંત્ર જીવનમાં ધન-સંપત્તિ સંબંધી સૌભાગ્યને જાગ્રત કરે છે તથા જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવે છે. નવરાત્રિમાં સંપૂર્ણ મહાલક્ષ્મી યંત્રની સ્થાપના અને ઉપાસના કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે. રોકાણ પર વધુ લાભ મળશે. જો કોઈને શનિની સાડાસાતી ચાલતી હશે તો આ યંત્ર તેના ખરાબ પ્રભાવોને પણ ઓછા કરશે.

દુર્ગા વીસા યંત્ર
દુર્ગા વીસા યંત્ર ભાગ્યને જગાડનાર તથા વ્યાપાર અને નોકરીમાં ધન સંબંધી લાભો અપાવનારું યંત્ર છે. જે લોકો કોઈ કારણસર આર્થિક તંગી અનુભવી રહ્યા હોય તેઓ નવરાત્રિમાં દુર્ગા વીસા યંત્રની સ્થાપના અને ઉપાસના કરે તો ધન, રોજગાર તથા વેપાર સંબંધી બધી જ સમસ્યાઓનો અંત આવશે. આ યંત્રની ઉપાસનાથી વેપારીઓને વિશેષ લાભ મળે છે. તેમના વેપારમાં વૃદ્ધિ થાય છે.

શ્રીયંત્ર
શ્રીયંત્ર અનિષ્ટ શક્તિઓ તથા નકારાત્મક ઊર્જાને દૂર રાખે છે અને ઘરમાં સામંજસ્ય તથા ઊર્જામાં વૃદ્ધિ કરે છે. નવરાત્રિમાં શ્રીયંત્રની સ્થાપના અને ઉપાસના કરવાથી ભાગ્યમાં પરિવર્તન થાય છે. સાથે દરેક પ્રયત્નમાં સફળતા મળે છે. કારકિર્દીને ચાર ચાંદ લાગી જાય છે. આર્થિક સ્થિતિ સુધરે છે અને બાધાઓનો અંત આવે છે.

દુર્ગા અંબાજી યંત્ર
દુર્ગા અંબાજી યંત્રને ઘરમાં સ્થાપવાથી સૌભાગ્યમાં અને ધનલાભના અવસરોમાં વૃદ્ધિ થાય છે. જે વ્યક્તિને વેપારમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તથા આર્થિક તંગી અનુભવાતી હોય તેમણે નવરાત્રીમાં પોતાના પૂજાસ્થાનમાં દુર્ગા અંબાજી યંત્રની સ્થાપના અને નવ દિવસ સુધી પૂજા કરવાથી પરિસ્થિતિ સુધરવા લાગે છે અને તમામ કષ્ટો દૂર થાય છે.

નવરાત્રિના સિદ્ધમંત્રો
દુર્ગા સપ્તશતીમાં શ્લોક, અર્ધશ્લોક અને ઉવાચ મળીને ૭૦૦ જેટલા મંત્ર છે. જે સમગ્ર જગતને અર્થ, કામ, ધર્મ અને મોક્ષ પ્રદાન કરે છે. નવરાત્રિના નવ દિવસ વિવિધ મંત્રોનો જપ કરવામાં આવે તો યશ, સુખ, સમૃદ્ધિ, પરાક્રમ, વૈભવ, બુદ્ધિ, જ્ઞાન, સ્વાસ્થ્ય, આયુષ્ય, વિદ્યા, ધન, સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

વિપત્તિઓના નાશ માટે
શરણાગતદીનાર્તપરિત્રાણપરાયણે ।
સર્વસ્પાપહરે દેવિ નારાયણિ નમોસ્તુતે ।।

ભયનાશ માટે
સર્વસ્વરૂપે સર્વેશ સર્વશક્તિસમન્વિતે ।
ભયેભ્યસ્ત્રાહિ નો દેવિ, દુર્ગે દેવિ નમોસ્તુતે ।।

પાપનાશ તથા ભક્તિની પ્રાપ્તિ માટે
નમેભ્યઃ સર્વદા ભક્ત્યા ચણ્ડિકે દુરિતાપહે ।
રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો જહિ ।।

મોક્ષપ્રાપ્તિ માટે
ત્વં વૈષ્ણવી શક્તિરન્તવીર્યા
વિશ્વસ્યં બીજં પરમાસિ માયા ।
સમ્મોહિતં દેવિ સમસ્તમેતત્
ત્વં વૈ પ્રસન્ના ભૂવિ મુક્તિ હેતુઃ ।।

કલ્યાણ માટે
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે ।
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણિ નમોસ્તુતે ।।

ધન, પુત્રાદિ પ્રાપ્તિ માટે

સર્વબાધાવિનિર્મુક્તો ધનધાન્યસુતાન્વિતઃ ।
મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશયઃ ।।

રક્ષા માટે
શૂલેન પાહિ નો દેવિ પાહિ ખંડે ન ચામ્બિકે ।
ઘંટાસ્વનેન નઃ પાહિ ચાપજ્યાનિઃ સ્વનેન ચ ।।

બાધા નિવારણ તથા શાંતિ માટે
સર્વબાધાપ્રમશનઃ ત્રૈલોક્યાખિલેશ્વરિ ।
એવમેવ ત્વયા કાર્યમસ્યદ્વૈરિવિનાશનમ્ ।।

સુલક્ષણા પત્નીની પ્રાપ્તિ માટે
પત્ની મનોરમાં દેહિ મનોવૃત્તાનુસારિણીમ્ ।
તારિણી દુર્ગસંસારસાગરસ્ય કુલોદ્ધવામ ।।

જર્નાલિઝમ : પૈસા અને પ્રતિષ્ઠા બંને મળશે


SANDESH- Career- 24-10-12
Study Option- Prashant patel


જર્નાલિઝમનું ક્ષેત્ર હંમેશાંથી યુવાઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આજે જે રીતે નવી નવી ન્યૂઝ ચેનલ્સ, ઈન્ટરનેટ અને ન્યૂઝપેપરનો વિસ્તાર થઈ રહ્યો છે, તેને જોતાં આ ક્ષેત્રમાં રોજગારની તક વધી રહી છે. જર્નાલિઝમનું ક્ષેત્ર પૈસા સાથે પ્રતિષ્ઠા આપનારું છે. જર્નાલિસ્ટ દ્વારા સામાન્ય લોકોને સમાજ અને દેશમાં બની રહેલી વિવિધ ઘટનાઓની સ્પષ્ટ અને સાચી જાણકારી મળી શકે છે

જર્નાલિઝમને મીડિયાને આધારે બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે પ્રિન્ટ જર્નાલિઝમ અને બીજું છે ઇલેક્ટ્રોનિક જર્નાલિઝમ. પ્રિન્ટ જર્નાલિઝમ અંતર્ગત ન્યૂઝપેપર, મેગેઝિન વગેરે આવે છે. જ્યારે ઇલેક્ટ્રોનિક જર્નાલિઝમમાં રેડિયો, ટેલિવિઝન તથા વેબસાઇટનો સમાવેશ થાય છે. પ્રિન્ટ જર્નાલિઝમમાં તમે એડિટર, રિપોર્ટર, કોલમિસ્ટ, કોરસ્પોન્ડન્ટ વગેરે તરીકે કામ કરી શકો છો.

શૈક્ષણિક યોગ્યતા

* જર્નાલિઝમમાં બેચલર ડિગ્રી મેળવવા માટે ઓછામાં ઓછું ધોરણ ૧૨ પાસ હોવું જરૂરી છે.

* પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ મેળવવા માટે જર્નાલિઝમમાં બેચલર ડિગ્રી હોવી જરૂરી છે.

* ઘણી સંસ્થાઓમાં સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ ચાલતા હોય છે. જેમાં ધોરણ ૧૨ પાસ હોવું જરૂરી છે.

* કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન પછી ડિપ્લોમા કોર્સ કરી શકાય છે.

* જર્નાલિઝમમાં કેટલાક વિષયોમાં સ્પેશિયલાઇઝ્ડ કોર્સ કરાવવામાં આવે છે. જેમ કે સ્પોર્ટ્સ, ફોટો, પ્રેસ લો વગેરે.

વ્યક્તિગત કૌશલ્ય

જર્નાલિઝમ કરિયર બનાવવાની ઇચ્છા રાખનાર વિદ્યાર્થીઓમાં કેટલાક વિશેષ ગુણોનું હોવું બહુ જરૂરી હોય છે. જેમ કે-

* તમારી અંદર કરંટ અફેર્સ જાણવામાં રુચિ હોવી જોઈએ.

* ઉત્તમ કમ્યુનિકેશનની કળા.

* જોખમ ખેડવાની તૈયારી.

* માહિતી કે સમાચારોને જાણી, સારી રીતે સમજી ઓછા સમયમાં સટીક ભાષામાં લખવાની કળા તમારામાં હોવી જોઈએ.

* અન્ય લોકોની વાતને ધૈર્યતાથી સાંભળવાની ક્ષમતા.

* ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ કોઈ પણ ભાષામાં કારકિર્દી બનાવવી હોય તો તે ભાષાનું ઉચ્ચ કોટિનું જ્ઞાન હોવું જોઈએ.

* કમ્પ્યુટર તથા ન્યૂઝ કે મેટરને કમ્પ્યુટર પર કમ્પોઝ કરતા શીખવું જરૂરી છે.

કારકિર્દીના વિકલ્પો
જર્નાલિસ્ટ, એડિટર, રિપોર્ટર, કોલમિસ્ટ, કોરસ્પોન્ડન્સ, સ્ટાફ અથવા ફ્રિલાન્સ રાઇટર, ફોટો જર્નાલિસ્ટ, પ્રૂફરીડર, ન્યૂઝ એનાલિસ્ટ, એન્કર, ન્યૂઝરીડર વગેરે પોસ્ટ પર પ્રિન્ટ (ન્યૂઝપેપર અને મેગેઝિન) અને ઇલેક્ટ્રોનિક (રેડિયો, ટેલિવિઝન અને વેબ) મીડિયામાં કામ કરી શકે છે. કેટલાંક ક્ષેત્રોને જાણીએ.

એડિટિંગ
એડિટિંગના ક્ષેત્રમાં તમે ઘણાં પદ પર કામ કરી શકો છો. જેમ કે ચીફ એડિટર, સબ-એડિટર, ફીટર એડિટર, ન્યૂઝ એડિટર વગેરે. ચીફ એડિટર એ સમગ્ર પબ્લિકેશનના પ્રમુખ હોય છે. તેમનું મુખ્ય કાર્ય માહિતીની પસંદગી કરવી અને પ્રેઝન્ટેશનના કામને જોવાનું હોય છે. ન્યૂઝ તથા ફીચર એડિટરને ચીફ એડિટરનો જમણો હાથ પણ કહી શકાય. ન્યૂઝપેપરમાં પબ્લિશ થનારા ન્યૂઝ વિશે નિર્ણય લેવો અને રિપોર્ટિંગ સ્ટાફના નેટવર્કને જોવાનું સાથે સાથે પોતાના ગ્રૂપના વિવિધ સ્ટાફ વચ્ચે કાર્યોની વહેંચણી પણ તેમણે જ કરવાની હોય છે.

રિપોર્ટિંગ
રિપોર્ટરને ન્યૂઝપેપર કે ટીવી ચેનલની આંખ અને કાન કહેવામાં આવે છે. રિપોર્ટર ઘટનાની સાચી અને પ્રમાણભૂત માહિતી મોકલે છે. તેમનું મુખ્ય કાર્ય પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેવું, ઇન્ટરવ્યૂ લેવા, ઘટના કે આયોજનની વિસ્તૃત જાણકારી મેળવવા માટે સ્થળ પર જઈને માહિતી એકત્રિત કરવાનું હોય છે. બધા જ સમાચારપત્રો તથા ટીવી ચેનલ્સ વિવિધ શહેરોમાં અને વિવિધ ક્ષેત્રમાં પોતાના રિપોર્ટર નિયુક્ત કરે છે. સ્પેશિયલ રિપોર્ટર પોતાની વિશેષજ્ઞાતાના ક્ષેત્રમાં કામ કરે છે તથા તેની સાથે જોડાયેલા સમાચારોનું સંકલન કરે છે.

રાઇટિંગ
રાઇટર વિવિધ વિષયો કે થીમ પર પોતાનો લેખ તૈયાર કરે છે. રાઇટર ઘણા પ્રકારના હોય છે. જેમ કે, ફીચર રાઇટર, મલ્ટિમીડિયા રાઇટર વગેરે. રાઇટરો પણ પોતાની વિશેષજ્ઞાતાના ક્ષેત્રમાં કામ કરે છે. જેમ કે ફિક્શન રાઇટિંગ, ચિલ્ડ્રન બુક, હિસ્ટોરિકલ રાઇટિંગ, હ્યુમર, કોમેડી રાઇટિંગ વગેરે. આજકાલ ઇન્ટરનેટનો વિસ્તાર વધવાને કારણે આજે વેબસાઇટ પર પણ લેખ લખવા માટે રાઇટરોની માંગ ઘણી વધી રહી છે.

ફોટોગ્રાફી
ફોટોગ્રાફર કે કેમેરામેન ન્યૂઝપેપર અથવા ટીવી ચેનલ્સનો મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે, કારણ તેના દ્વારા લેવામાં આવેલી તસવીરો સમાચારને વધારે સ્પષ્ટ અને રોમાંચક બનાવે છે, તેથી તેમને વિઝ્યુઅલ રિપોર્ટર પણ કહી શકાય. રિપોર્ટરની ટીમ સાથે ફોટોગ્રાફર પણ હોય છે. ફોટોગ્રાફરને ફોટોગ્રાફીના વિવિધ ટેક્નિકલ પાસાઓ જેમ કે લાઇટિંગ, સ્પીડ, ઝૂમ વગેરેનું સારું જ્ઞાન હોય છે.

અન્ય
ફેશન ઇન્ડસ્ટ્રીના ઉજ્જ્વળ ભવિષ્યને જોતાં ફેશન જર્નાલિસ્ટની માંગ વધી રહી છે. ફેશન જર્નાલિસ્ટ્સના માધ્યમથી જ સામાન્ય જનતાને નવીનતમ ફેશન ટ્રેન્ડ વિશે જાણકારી આપે છે.

કામ ક્યાં મળશે?
જર્નાલિઝમનો અભ્યાસ તથા અનુભવ મેળવ્યા પછી તમે નીચે પ્રમાણેની જગ્યાએ પણ કામ કરી શકો છો.
* ન્યૂઝપેપર
* મેગેઝિન
* રેડિયો
* ટેલિવિઝન
* ફ્રિલાન્સ
* પબ્લિક રિલેશન
* એડવર્ટાઇઝિંગ
* વિઝ્યુલાઇઝર
* મીડિયા રિસર્ચ
* પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો વગેરે.
* ઓનલાઇન કમ્યુનિકેશન
* કોર્પોરેટ કંપનીઓમાં પીઆરઓનું કામ

પગારધોરણ
* ન્યૂઝપેપર કે ન્યૂઝ ચેનલ્સમાં રિપોર્ટરને આશરે રૂ. ૬ હજારથી લઈને ૧૧ હજાર જેટલો પગાર મળી શકે છે. સબ-એડિટરનો પગાર આશરે ૭ હજારથી લઈને ૧૨ હજાર સુધી હોઈ શકે છે. આ સિવાય પદ પ્રમાણે પગાર મળતો હોય છે. દરેક પદમાં અનુભવની સાથે પગારમાં પણ વધારો થતો રહે છે.

આટલા કોર્સ કરી શકાય
* જર્નાલિઝમમાં તમે સર્ટિફિકેટ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, માસ્ટર્સ વગેરે કોર્સ કરી શકો છો. વિવિધ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં જર્નાલિઝમના કોર્સ ચાલતા હોય છે. દરેક સંસ્થામાં ફીનું ધોરણ જુદું જુદું હોય છે. કોર્સની ફી આશરે રૂ. ૧૦ હજારથી લઈને ૫૦ હજાર સુધી હોઈ શકે છે.

ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ
* ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
* મુદ્રા ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યુનિકેશન, અમદાવાદ
* સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
* ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
* દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
* ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

ભારતની શૈક્ષણિક સંસ્થાઓ
* ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન, નવી દિલ્હી
* દિલ્હી યુનિવર્સિટી, નવી દિલ્હી
* મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ
* યુનિવર્સિટી ઓફ કોલકાતા, કોલકાતા
* યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, જયપુર
prashantvpatel2011@gmail.com