My Frnds

Flag Counter

Tuesday, 19 November 2013

જ્યાં રાત પડતાં જ માસૂમ ઢીંગલીઓ શેતાન બની જાય છે: આઈલેન્ડ ઓફ ડોલ્સ

એક એવો આઈલેન્ડ કે જ્યાં માણસ કરતાં ઢીંગલીઓ વધારે છે. અહીં વસતા લોકો કહે છે કે આ શેતાની ઢીંગલીઓ છે જેમાં અનેક આત્માઓનો વાસ છે. અંધારું થતાં જ તેમાં પ્રાણ ફૂંકાય છે અને તેઓ એકબીજા સાથે ગુફતેગો કરવા લાગે છે. શું છે ઢીંગલીઓનું રહસ્ય?

માનો યા ના માનો - પ્રશાંત પટેલ

મેક્સિકોથી દક્ષિણે મોચિમિકો કેનાલની વચ્ચે લા ઈસ્લા ડે લા મ્યૂનેક્સ નામની એક જગ્યા આવેલી છે. આ જગ્યા કહેવામાં તો એક સુંદર મજાનો હેંગિંગ ગાર્ડન છે, પરંતુ ઈ.સ. ૨૦૦૧ પછી ડરામણી અને શેતાની ઢીંગલીઓને કારણે આ ગાર્ડન વધારે પ્રસિદ્ધ થયો છે. તેથી જ હવે આ જગ્યાને આઈલેન્ડ ઓફ ડોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લા ઈસ્લા ડે લા મ્યૂનેકસ વિશ્વની ડરામણી જગ્યાઓમાંથી એક છે. જોકે દુનિયાભરની ડરામણી જગ્યાઓ ટૂરિસ્ટોને પોતાની તરફ આકર્ષે છે. જેમ કે, ભારતમાં રાજસ્થાનમાં આવેલ ભાણગઢનો કિલ્લો શાપિત છે. ત્યાં દિવસ રાતની અંધારી ચાદર ઓઢી લે પછી આત્માઓ પોતાનો અધિકાર જમાવી દે છે. ત્યાં સૂર્યોદય પહેલાં અને પછી પ્રવેશવા પર પ્રતિબંધ છે, કારણ કે ત્યાં ગયેલા લોકો પાછા ફરતાં નથી તેવું લોકોનું માનવું છે. વાત સાચી હોય કે ખોટી, પણ કિલ્લાની આ જ વાતો ટૂરિસ્ટોને આકર્ષે છે. આઈલેન્ડ ઓફ ડોલ્સમાં આવનારા લોકો ગાઈડ વગર આઈલેન્ડ ફરી શકતા નથી. અલબત્ત, મેક્સિકોની સરકારે આ આઈલેન્ડને હોન્ટેડ પ્લેસ તરીકે માન્યતા નથી આપી.
જોકે અહીં રહેનારા લોકો કહે છે કે ઝાડની ડાળીઓ પણ લટકેલ અસંખ્ય ઢીંગલા-ઢીંગલીઓ રાતનું અંધારું થતાની સાથે જ આંખો ફેરવવા લાગે છે, એકબીજાંને બોલાવે છે, ડરામણા અવાજમાં વાતચીત કરવા લાગે છે વગેરે...વગેરે. આ આઈલેન્ડ પર રહેનારા લોકોની સંખ્યા કંઈ બહુ ઓછી નથી, પરંતુ અહીં રહેનારા મનુષ્યો કરતાં ઝાડ પર લટકતી ભૂતાવળ ઢીંગલીઓની સંખ્યા વધારે છે. આ આઈલેન્ડ હંમેશાંથી આવો નહોતો. લગભગ એક દશક પહેલાં આ જગ્યા એક સાધારણ જગ્યા જ હતી. ઈ.સ. ૨૦૦૧માં સાધારણથી હોન્ટેડ આઈલેન્ડ બનવાની પાછી એક લાંબી કહાણી છે.
ડોન જુલિયન સૈન્ટાના બરેરા વર્ષ ૨૦૦૧ સુધી આ આઈલેન્ડનો રખેવાળ હતો. તેના મૃત્યુ પછી આ આઈલેન્ડ પર્યટન સ્થળ મટી ડરામણી જગ્યા બની ગયો. તેની પાછળ ડોન જુલિયન સૈન્ટાના બરેરા જ જવાબદાર છે તેવું આ લોકો માને છે. આ આઈલેન્ડમાં ઝાડ પર લટકતી ઢીંગલીઓમાં એક નાનકડી છોકરીનો આત્મા છે. તેનું મોત રહસ્યમય પરિસ્થિતિમાં થયું હતું. આ છોકરીની લાશ ટાપુને કિનારે પાણીમાં તરતી હતી. ડોન જુલિયનની તેના પર નજર પડી. તેણે છોકરીને પાણીની બહાર કાઢી. જોકે છોકરી મૃત્યુને નહોતી ભેટી, તેનામાં હજુ જીવ હતો. ડોન જુલિયને તે છોકરીનો જીવ બચાવવાના અથાક પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ મોતને હાથતાળી ન આપી શક્યા. જેથી ડોન જુલિયન નિરાશ થઈ ગયા. કહેવાય છે કે છોકરીના મોતના થોડા સમય પછી જ્યાંથી છોકરી મળી આવી હતી તે જ જગ્યાએ એક ઢીંગલી તરી રહી હતી. ડોન જુલિયને આ ઢીંગલી મૃત્યુ પામનાર છોકરીની હશે તેમ માનીને જે જગ્યાએ છોકરીનું મોત થયું હતું ત્યાં ઝાડ પર લટકાવી દીધી.
મૃત્યુ પહેલાં ડોન જુલિયને જણાવ્યું હતું કે તેને તે દિવસ પછી એક પછી એક ઢીંગલીઓ મળી અને તે આ ઢીંગલીઓને તે છોકરીની આત્માની શાંતિ માટે ઝાડની અને અન્ય જગ્યાઓ પર લટકાવતો રહ્યો. જોકે અહીં રહેનારાઓ એવું પણ માને છે કે ડોન જુલિયનને નાની છોકરીને ન બચાવી શક્યાનો પસ્તાવો હતો અને આ જ પસ્તાવામાં તે છોકરીના નામે ઢીંગલા-ઢીંગલીઓને સતત ૨૫ વર્ષ સુધી ઝાડ પર લટકાવતો રહ્યો. આ સિલસિલો ડોન જુલિયનના મોત એટલે કે ઈ.સ. ૨૦૦૧ સુધી ચાલ્યો અને ત્યાં સુધીમાં તો આ આઈલેન્ડ પર જાણે ડરામણી ઢીંગલીઓનો મેળો જામી ગયો.
સ્થાનિક લોકો આ ઢીંગલીઓમાં બાળકીનો આત્મા હોવાનું માને છે. તેમનું માનવું છે કે બાળકીના મોત બાદ તેનો આત્મા તે જગ્યાએ ભટકતો હતો. ડોન જુલિયનને હંમેશાં તે જગ્યાએ ભટકતો છોકરીનો આત્મા નજર આવતો. ધીરે-ધીરે આ આત્માએ ડોન જુલિયનને પોતાના વશમાં કરી લીધો. આમ છોકરીનો આત્મા જ ડોન જુલિયનના માધ્યમથી ઢીંગલીઓને ઝાડ પર લટકાવતો હતો. સૌથી ભયાનક વાત તો એ છે કે રાત્રે અંધારું છવાતાં જ આ ઢીંગલા-ઢીંગલીઓ માથું હલાવીને એકબીજાં સાથે વાતો કરે છે અને તેમની નજીક આવનારા લોકોને પોતાની તરફ બોલાવે છે. જોકે આજ સુધી રાત્રે ઢીંગલી બોલાવે ત્યારે તેની પાસે જવાની હિંમત કોઈએ કરી નથી. આ છોકરીનો આત્મા પોતાને બાનમાં ન લે તેવા ડરે જ આ આઈલેન્ડ પર આવનારા લોકો ત્યાં ઝાડ પર ઢીંગલીઓ બાંધે છે.
આ આઈલેન્ડ પર છોકરીનો આત્મા હોય કે ન હોય, પણ ત્યાં લટકતી ડરામણી ઢીંગલીઓને કારણે આ જગ્યાએ ભૂતાવળ ભટકતી હોય તેવો અહેસાસ જરૂર થાય છે.

Friday, 4 October 2013

આરતી નહીં, સાચી આરતી કરીએ

Sandesh- Navratri vishesh -5-10-13

આરતી-અર્થ - પ્રશાંત પટેલ


નવરાત્રિમાં સૌ કોઈ આદ્યશક્તિ મા જગદંબાને મનાવવાની શરૂઆત કરી દે. નવરાત્રિના નવ દિવસ ઘરમાં ઘટસ્થાપન થાય છે. ગામ, સોસાયટી કે શેરીમાં સામૂહિક ગરબાનું આયોજન થાય છે. બાળકો મહોલ્લામાં મહોલ્લામાતા કે ગબ્બર બનાવે છે. આ બધી જ જગ્યાએ દરરોજ માતાજીની આરતી થાય છે. મધુર ઘંટારવ અને

ઢોલ-નગારાના નાદ સાથે જ્યારે 'જય આદ્યશક્તિ' આરતી ગવાય છે ત્યારે મન પુલકિત બની માતાની આરાધનામાં લીન થઈ જાય છે. મહોલ્લામાતાનાં બાળકોથી લઈને વયોવૃદ્ધ એમ સૌને આ આરતી કંઠસ્થ હોય છે. આપણે હોંશે હોંશે આરતી તો ગાઈએ છીએ, પરંતુ ક્યારેય એવો વિચાર કર્યો છે કે આ સુંદર આરતી કોણે, ક્યાં અને ક્યારે રચી છે? ક્યારેય આરતીની પંક્તિઓનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો છે? ખેર, આજ સુધી આવું કંઈ વિચાર્યું કે જાણ્યું ન હોય તો આજે નવરાત્રિના પ્રથમ દિવસે આરતી કરતાં પહેલાં જાણી લઈએ કે આટલી ભાવભરી આરતીની રચના કરનાર કોણ હતું? તેમણે આરતી ક્યારે, ક્યાં અને શા માટે રચી?

વિક્રમ સંવત ૧૬૨૨માં ખંભાત શહેરમાં મહાલક્ષ્મી મંદિરમાં માતાજીની મુર્તિની પ્રતિષ્ઠા સમયે ભક્ત કવિ શ્રી શિવાનંદ ત્યાં ગયા હતા. એ સમયે માતાજીની પ્રાર્થના કરતાં જે શબ્દો તેમણે ગાયા તે જ આદ્યશક્તિની આરતી. આ આરતીમાં કુલ અઢાર કડીઓ છે. જોકે સમયાંતરે આરતીમાં બીજી કડીઓ ઉમેરાતી ગઈ. આ આરતીની મોટાભાગની કડીઓ તિથિ અનુસાર છે એટલે કે પડવા (એકમ)થી લઈને પૂનમ સુધી. આ સિવાય બધી જ કડીઓમાં ખંભાતનગરી, મંદિરમાં જેમની સ્થાપના થઈ રહી છે તેવાં દેવી મહાલક્ષ્મી અને જગદંબાના ગુણગાન ગાવામાં આવ્યાં છે. આજે ગવાતી આરતીમાં ઘણાં અપભ્રંશ શબ્દો છે. કેટલાક અપભ્રંશ થયેલા શબ્દો કે પંક્તિઓને જાણીએ.

* સૌ પ્રથમ તો આપણે આરતીમાં "જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ" ગાઈએ છીએ. વાસ્તવમાં 'આદ્યા' શબ્દ નથી, પરંતુ 'આદ્ય' છે. જ્યારે 'જયો જયો મા જગદંબે' અપભ્રંશ થયેલી છે. વાસ્તવમાં તે છે 'જય હો જય હો મા જગદંબે' જોકે આ અપભ્રંશ શબ્દથી અર્થમાં કોઈ ખાસ ફેર પડતો "નથી. આ કડીને સમજીએ.

જય આદ્યશક્તિ મા, જય આદ્યશક્તિ,
અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પંથકમાં,  ૐ જયો જયો મા જગદંબે"
અર્થાત્ આદ્ય એટલે સર્વ પ્રથમ જગત, વિશ્વ કે અખંડ એક ઈંડા આકારના બ્રહ્માંડનું સર્જન થવા માટે જે શક્તિ નિમિત્ત બની અને તે દિવસ પણ બ્રહ્માનો પ્રથમ દિવસ પડવો કહેવાયો એવી ૐના નાદરૂપ મા જગદંબાનો જય હો જય હો.

* આરતીમાં ભક્તોએ પાછળથી જોડેલી કેટલીક પંક્તિઓ આ પ્રમાણે છે.

એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો (૨)
ભોળા ભવાનીને ભજતાં, ભોળા અંબેમાને ભજતાં, ભવસાગર તરશો,
ૐ જયો જયો મા જગદંબે.
ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા (૨)

વલ્લભ ભટ્ટને રાખ્યા (૨) ચરણે સુખ દેવા,
ૐ જયો જયો મા જગદંબે.
માનો મંડપ લાલ ગુલાલ, શોભા બહુ સારી (૨)
અબીલ ઊડે આનંદ, ગુલાલ ઊડે આનંદ જય બહુચર માડી,

ૐ જયો જયો મા જગદંબે.
શિવાનંદ સ્વામીએ રચેલી આરતીના શબ્દો અને અપભ્રંશ શબ્દો જાણીને માની ખરી આરતી ગાઈએ, જેથી આરતીનો ભાવાર્થ ન બદલાય અને હવે પછીની પેઢી ખોટી આરતી ન ગાય.

* ખોટી કડીઃ અખંડ બહ્માંડ નિપાવ્યા, પડવે પંડિત મા.
ખરી કડીઃ અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પંથક મા.

* ખોટી કડીઃ દયા થકી તરવેણી, તમે તરવેણી મા.
ખરી કડીઃ ત્રયાસ્થકી તરવેણી, તમે તરવેણી મા.

* ખોટી કડીઃ સુરવર મુનિવર જન્મ્યા
ખરી કડીઃ સુરનર મુનિવર જનમ્યા

* ખોટી કડીઃ ત્રંબાવટી નગરી, મા રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી.
ખરી કડીઃ સ્તંભાવતી નગરી આઈ, રૂપાવતી નગરી, મા મંછાવતી નગરી.

* ખોટી કડીઃ ભોળા અંબેમાને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો.
ખરી કડીઃ ભોળા-ભુદરને ભજતાં, ભવસાગર તરશો.
 prashantvpatel2011@gmail.com

http://www.sandesh.com/article.aspx?newsid=2873721

Wednesday, 18 September 2013

પિતૃદોષનું કારણ અને નિવારણ

SANDESH: Nakshatra :19-9-13
કવર સ્ટોરી - ધનંજય પટેલ

    ક્યારેક ક્યારેક એવું જોવા મળે છે કે આપણો કોઈ દોષ ન હોય, આપણે કોઈ પણ પાપકર્મ ન કર્યું હોય છતાં પણ જીવનમાં કષ્ટો ભોગવવાં પડે છે. આવું થવાનું એકમાત્ર કારણ પિતૃદોષ હોય છે. આ સિવાય પણ આપણે અજ્ઞાનતાવશ આપણા પૂર્વજોને જે કષ્ટ આપીએ છીએ તે પણ આપણાં દુઃખો અને કષ્ટોનું કારણ બને છે
જ્યોતિષશાસ્ત્રમાં ઘણા પ્રકારના દોષો વિશે જણાવવામાં આવ્યું છે, તેમાંથી એક છે પિતૃદોષ. જન્મકુંડળીમાં નવમા સ્થાનમાં રાહુ, કેતુ, શનિ અથવા મંગળ પોતાની નીચ રાશિમાં બેઠા હોય. નવમેશની સાથે આ ગ્રહોની યુતિ બની રહી હોય ત્યારે પિતૃદોષ રચાય છે. ચંદ્રથી અથવા ચંદ્રમાની રાશિથી નવમા સ્થાનમાં પાપગ્રહ બેઠા હોય. જન્મકુંડળીમાં જો ચંદ્ર અને સૂર્ય રાહુ-કેતુથી ગ્રસિત હોય ત્યારે પણ પિતૃદોષ રચાય છે.

પિતૃદોષનો પ્રભાવ
* જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે છતાં પણ સફળતા તેનાથી દૂરને દૂર જ રહે છે.
* આવી વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
* અવારનવાર દુર્ઘટના કે અકસ્માત થતા રહે છે.
* જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દોષ હોય તો તે વ્યક્તિના અકાળ મૃત્યુની શક્યતા રહે છે.
* પિતૃઓના શાપને કારણે વંશવૃદ્ધિ પણ અટકી જાય છે.
* મર્હિષ પરાશરે લખ્યું છે કે 'પિતૃશાપત્સુતક્ષયઃ' અર્થાત્ પિતૃઓના શાપથી સંતાનની હાનિ થાય છે.

પિતૃદોષ કેમ લાગે છે?
પરિવારનાં સ્ત્રી-પુરુષ મૃત્યુ પછી પિતૃ કહેવાય છે. બ્રહ્મપુરાણ અનુસાર મૃત્યુ બાદ જે વ્યક્તિનું શ્રાદ્ધકર્મ શાસ્ત્રોક્ત રીતે ન કરવામાં આવ્યું હોય અથવા કરવામાં જ ન આવ્યું હોય તેમને પિતૃલોકમાં સ્થાન મળતું નથી. તેઓ ભૂતપ્રેત બનીને ભટકતા રહે છે અને કષ્ટ ભોગવે છે. શ્રાદ્ધ પક્ષમાં યમરાજની આજ્ઞાથી વિવિધ યોનિઓમાં રહેલા પિતૃગણ શ્રાદ્ધની ઇચ્છાથી પોતાનાં સંતાનોના ઘરના દરવાજા પાસે આવીને બેસી જાય છે. પિતૃપક્ષના ૧૫ દિવસ સુધી જે વ્યક્તિ પોતાના પિતૃઓને શ્રદ્ધાપૂર્વક અન્ન, જળ, ખીર-પુરી આપે તથા તેમના નામથી બ્રાહ્મણોને ભોજન કરાવે તો તેઓ પિતૃઓના આશીર્વાદથી પિતૃદોષથી મુક્ત થઈ જાય છે. જે લોકો પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરતા નથી તેમના સંતાનની કુંડળીમાં પિતૃદોષ રચાય છે તથા બીજા જન્મમાં પણ તે પિતૃદોષથી પીડાઈને કષ્ટ ભોગવે છે.

પિતૃદોષનો પંચગ્રાસ ઉપાય
પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ બધા જ ઉપાયોમાં સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય પંચગ્રાસનો છે. પંચગ્રાસ કેવી રીતે બનાવવો તે જાણીએ.
પિતૃઓ નિમિત્તે ભોજન બનાવીને તેના પાંચ ભાગ કરી લો. આ દરેક ભાગમાં જવ અને તલ મેળવો. આમાંથી પહેલો ભાગ ગાયને ખવડાવવો, બીજો ભાગ કાગડાને ખવડાવવો, ત્રીજો ભાગ બિલાડીને ખવડાવવો, ચોથો ભાગ કૂતરાને ખવડાવવો, પાંચમો ભાગ સૂમસામ જગ્યાએ મૂકી આવવો. એક વાત યાદ રાખો કે પાછા ફરતી વખતે પાછળ ફરીને જોવું નહીં. ઘરે આવી ગયા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું. ભોજનમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે વસ્તુઓ કે વાનગી પિતૃઓને પસંદ હતી તે બનાવવી.
જો તમે બ્રાહ્મણને ભોજન કરાવવામાં અસમર્થ હો તો ૧૫ દિવસ સુધી ગાયને ઘાસ ખવડાવવું અને પાણી પીવડાવવું. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે તથા તેમને મુક્તિ મળી જાય છે. શ્રાદ્ધકર્મ કરનારને પિતૃઓના આશીર્વાદ મળે છે. તેમની ઉન્નતિ થાય છે અને કષ્ટ દૂર થાય છે.

પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો
* પિતૃદોષના નિવારણ માટે પિતૃપક્ષમાં શ્રદ્ધાપૂર્વક નિયમિત શ્રાદ્ધ કરો. જો દરરોજ શ્રાદ્ધ કરવું શક્ય ન હોય તો સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરો.
* ગુરુવારના દિવસે સંધ્યાકાળે પીપળાના વૃક્ષને જળ ચઢાવીને સાત વાર પ્રદક્ષિણા કરો. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવવો.
* દરરોજ પોતાના ભોજનમાંથી ગાય, કૂતરા તથા કાગડાઓને અવશ્ય ખવડાવવું.
* ભાગવત કથાનો પાઠ અથવા તેનું શ્રવણ કરવું.
* નારાયણ બલિ, નાગ બલિની વિધિ કરાવવી.
* પિતૃપક્ષમાં દરરોજ અથવા મહિનામાં એક વાર રુદ્રાભિષેક કરવો.
* પોતાના કુળદેવતા તથા કુળદેવીનું પૂજન કરવું.
* શ્રાદ્ધપક્ષમાં પિતૃ-સુક્તનો પાઠ નિયમિત રીતે કરવો.
* કાગડા તથા માછલીઓને ચોખા તથા ઘી મેળવીને બનાવેલા લાડુ દર શનિવારે ખવડાવવા.
* પિતૃપક્ષમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું.
* ભગવાન દત્તાત્રેયની પૂજા કરો તથા 'શ્રી ગુરુદેવદત્ત' મંત્રનો યથાશક્તિ જાપ કરવો.
* ઘરના વડીલોને પ્રેમ, આદર, સન્માન આપો. તેમને પ્રસન્ન અને સંતુષ્ટ રાખવાથી પિતૃદોષમાં લાભ મળે છે.

આટલું એક જ વાર કરો
પિતૃદોષને દૂર કરવાનો ઉત્તમ ઉપાય એક વાર કરવાની પૂજા છે. આ પૂજા કોઈ પણ પ્રકારના પિતૃદોષને દૂર કરવામાં સક્ષમ છે. સોમવતી અમાસ (જે અમાસે સોમવાર હોય)ના દિવસે ઘરની નજીક સ્થિત કોઈ પણ પીપળાના વૃક્ષ પાસે જાઓ અને તે વૃક્ષને એક જનોઈ અર્પણ કરો ત્યારબાદ બીજી એક જનોઈ ભગવાન વિષ્ણુના નામે તે જ પીપળાના વૃક્ષને અર્પણ કરો. પીપળાના વૃક્ષ અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. પછી ૧૦૮ વાર પીપળાની પ્રદક્ષિણા કરો અને દર એક પ્રદક્ષિણાએ, મીઠાઈ કે ગળી વસ્તુ મૂકતા જાઓ. પરિક્રમા કરતી વખતે 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરતા જાઓ. પરિક્રમા પૂરી કર્યા બાદ ફરીથી પીપળાના વૃક્ષ તથા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો અને જાણતા-અજાણતા થયેલા અપરાધોની ક્ષમા માગો. સોમવતી અમાસની આ પૂજાથી ઉત્તમ ફળ મળવા લાગે છે.

રાશિ અનુસાર ઉપાયો
* મેષઃ પીપળા પર સવારે જળ ચઢાવો અને સાંજે દીવો કરો.
* વૃષભઃ નવદુર્ગાનું પૂજન કરો તથા કુંવારી કન્યાઓને ખીર ખવડાવો.
* મિથુનઃ કોઈ ગરીબ કન્યાના વિવાહમાં અથવા તેની બીમારીમાં તેને શક્ય તેટલી મદદ કરો.
* કર્કઃ દૂધ અથવા અડદમાંથી બનાવેલી વસ્તુનું દાન કરો.
* સિંહઃ કોઈ પણ પ્રકારનાં અનાજ અથવા ખાટલા (પલંગ)નું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો.
* કન્યાઃ શિવપૂજન અથવા ગીતાપાઠ કરો.
* તુલાઃ સિંદૂર, તલ, તેલ તથા અડદનું બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને દાન કરો.
* વૃશ્ચિકઃ કમળનું ફૂલ તથા ગૂગળની આહુતિ આપીને હવન કરો.
* ધનઃ કુળદેવતાની પૂજા-અર્ચના કરવી.
* મકરઃ રુદ્રપૂજન અથવા શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો.
* કુંભઃ પિતૃતર્પણ તથા ગીતાપાઠ કરો.
* મીનઃ ભગવાન શ્રીગણેશ, હનુમાનજી અથવા ભૈરવજીનો પાઠ કરો.

પિતૃદોષ નિવારણ યંત્ર

જેમને મૃત્યુ પછી મુક્તિ ન મળી હોય તેવા પિતૃઓ અને પૂર્વજોનું પૂજન જરૂરી છે. જેના પૂર્વજો પ્રેતયોનિમાં ભટક્યા કરે તે નજરદોષનો શિકાર બની શકે છે. તેના પરિવારમાં પુત્રપ્રાપ્તિ થતી નથી. પૂર્વજોનું પૂજન પિતૃદોષ નિવારક યંત્ર દ્વારા થઈ શકે છે. આ યંત્રની નિયમિત પૂજા કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

http://www.sandesh.com/article.aspx?newsid=2368888

Thursday, 12 September 2013

શ્રાદ્ધ પક્ષ : ભારતનાં શ્રાદ્ધ તીર્થો

Sandesh- Cover Story -12-9-13

કવર સ્ટોરી - પ્રશાંત પટેલ
પિતૃઓ નિમિત્તે જે કર્મ શ્રદ્ધાથી કરવામાં આવે છે તેને જ શ્રાદ્ધ કહે છે. હિન્દુ ધર્મ પ્રમાણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે માતા-પિતા અને પૂર્વજોને પ્રણામ કરવા એ આપણું કર્તવ્ય છે. એક વાત તો સૌએ સ્વીકારવી જ રહી કે આપણા પૂર્વજોની વંશ પરંપરાને કારણે જ આપણે આજે આ જીવન જીવી રહ્યા અને આનંદ મેળવી રહ્યા છીએ. તેમના આત્માને તૃપ્ત કરવા અને આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પિતૃઓને ખુશ કરવાની તૈયારીઓ કરી લઈએ

હિન્દુ ધર્મમાં ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસને પિતૃપક્ષ કહેવામાં આવે છે. આ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ, મુક્તિ માટે વિધિ કે ક્રિયા કરીને તેમને અર્ધ્ય સર્મિપત કરવામાં આવે છે. જો કોઈ કારણસર પિતૃઓના આત્માને મુક્તિ પ્રદાન ન થઈ હોય અને પ્રેત યોનિમાં તે ભટક્યા કરતો હોય તો તેમની શાંતિ માટે વિશિષ્ટ એવું શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. વસુ, રુદ્ર અને આદિત્યને શ્રાદ્ધના દેવતા માનવામાં આવે છે. દરેક વ્યક્તિના ત્રણ પૂર્વજ પિતા, દાદા અને પરદાદાને ક્રમશઃ વસુ, રુદ્ર અને આદિત્ય સમાન માનવામાં આવે છે. શ્રાદ્ધ વખતે તેમને જ અન્ય પૂર્વજોના પ્રતિનિધિ સમજવામાં આવે છે. વિધિવિધાન મુજબ કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મથી તેઓ તૃપ્ત થાય છે અને પોતાના વંશજને સપરિવાર સુખ-સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સંતાનપ્રાપ્તિના આશીર્વાદ આપે છે. શ્રાદ્ધ કર્મમાં ઉચ્ચારાતા મંત્રો અને આહુતિઓને તેઓ અન્ય પિતૃઓ સુધી લઈ જાય છે. શ્રાદ્ધના નિત્ય, નૈમિત્તિક અને કામ્ય એમ મુખ્ય ત્રણ પ્રકાર છે. આ સિવાય પણ અન્ય પ્રકાર છે. જેમ કે, વૃદ્ધ શ્રાદ્ધ, સપિંડિત શ્રાદ્ધ, પાર્વ શ્રાદ્ધ, ગોષ્ઠ શ્રાદ્ધ, શુદ્ધિ શ્રાદ્ધ, દૈવિક શ્રાદ્ધ, કર્માંગ શ્રાદ્ધ અને તૃષ્ટિ શ્રાદ્ધ. શ્રાદ્ધ પક્ષમાં બ્રહ્મ-ભોજન ઉપરાંત દાનનું પણ ઘણું મહત્ત્વ છે. પિતૃદોષથી પીડાતી વ્યક્તિ દાન દ્વારા દોષને દૂર કરી શકે છે. તેના માટે ગૌ-દાન, કાળા તલનું દાન, ભૂમિ દાન, ચાંદીનું દાન, વસ્ત્રોનું દાન, ગોળ અને મીઠાનું દાન વગેરે. વ્યક્તિએ પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દાન કરવું જાઈએ. સમુદ્ર તથા સમુદ્રમાં મળનારી નદીઓના તટ પર, ગૌશાળામાં કે જ્યાં બળદ ન હોય, નદીઓનાં સંગમસ્થાન, ઉચ્ચ ગિરિશિખર, વનમાં લીંપેલી સ્વચ્છ મનોહર જગ્યા, ગાયના છાણથી લીપેલા ઘરમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સદ્ગતિ મળે છે અને શ્રાદ્ધ કરનારના મનોરથ પૂર્ણ થાય છે.
વિષ્ણુ પુરાણ અનુસાર દરિદ્ર વ્યક્તિ માત્ર અન્ન, જંગલી સાગનાં પાન-ફળ, ઓછામાં ઓછી દક્ષિણા અને જો આટલું પણ ન હોય તો સાત અથવા આઠ તલ અંજલિમાં જળની સાથે લઈને બ્રાહ્મણને આપવું જોઈએ અથવા ગાયને આખો દિવસ ઘાસ ખવડાવવું જોઈએ. જો આવું કરવા પણ વ્યક્તિ અસમર્થ હોય તો તેણે પોતાના હાથ આકાશ તરફ ઉઠાવી દિગપાળો અને સૂર્યદેવને યાચના કરવી જોઈએ કે, "હે પ્રભુ! મેં હાથ હવામાં ફેલાવી દીધા છે. મારા પિતૃઓ મારી ભક્તિથી સંતુષ્ટ થાય."
શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ ખીર-પૂરી બનાવીને બ્રાહ્મણોને ખવડાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. ઘરની છત પર ખીર-પૂરીનો કાગવાસ નાખવામાં આવે છે. જો કાગડાઓ આવીને તે ખાય તો એમ માનવામાં આવે છે કે શ્રાદ્ધ પિતૃઓ સુધી પહોંચ્યું છે અને તેઓ તૃપ્ત થયા છે. શ્રાદ્ધ દરમિયાન સ્વજનની મૃત્યુ તિથિએ પરિવારના બધા જ લોકો ભેગા મળીને ખીર-પૂરીનું ભોજન કરે છે.
પિતૃતર્પણનાં તીર્થ
શ્રાદ્ધ પક્ષ દરમિયાન અને તે સિવાય પણ લોકો પિતૃતર્પણ માટેનાં તીર્થસ્થળો પર જઈને શ્રાદ્ધ-તર્પણ કરે છે. આ સ્થળો પર શ્રાદ્ધ-તર્પણ કરવાથી પિતૃઓનો આત્મા જલદી તૃપ્ત થાય છે. ગુજરાતમાં ચાંણોદ-કરનાળી, સિદ્ધપુર સહિત અનેક તીર્થો આવેલાં છે. ભારતભરમાં આવેલાં પિતૃતર્પણ માટેનાં તીર્થસ્થળો વિશે જાણીએ.
ગયા ધામ
એવું કહેવાય છે કે ભગવાન શ્રીરામ પોતાના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કરવા માટે ગયા પધાર્યા હતા. વાલ્મીકિ રામાયણમાં એવી કથા છે કે પિંડદાન માટે રામ અને લક્ષ્મણ સામગ્રી લેવા માટે બજાર ગયા હતા. તેમને પાછા વળતાં બહુ વાર થઈ. જ્યારે પિંડદાનનો સમય આવ્યો ત્યારે દશરથજીનો આત્મા સીતાજી સમક્ષ ઉપસ્થિત થયો અને પિંડ માંગવા લાગ્યો, તેથી સીતાજી વિચારમાં પડી ગયાં કે હવે શું કરું? થોડી ક્ષણો વિચાર કરીને સીતાજીએ રેતીનો પિંડ બનાવીને ગાય, ફલ્ગુ નદી, કેતકીનાં ફૂલ, વડનું વૃક્ષ અને કાગડાની સાક્ષીએ દશરથજીને રેતીના પિંડનું દાન કર્યું.
રામ-લક્ષણ જ્યારે પાછા ફર્યા ત્યારે સીતાજીએ જણાવ્યું કે તેમણે દશરથજીને પિંડદાન આપી દીધું છે. ત્યારે શ્રીરામે સીતાજીને પૂછયું કે કોઈ પણ પ્રકારની સામગ્રી વગર પિંડદાન કેવી રીતે કર્યું? તેના કોઈ સાક્ષી તો જણાવો. ત્યારે સીતાજીએ ગાય, નદી, ફૂલ, વડ અને કાગડાને સાક્ષી પૂરવા કહ્યું, પરંતુ વડના વૃક્ષને બાદ કરતાં બધાંએ સાક્ષી પૂરવાની ના પાડી. ત્યારબાદ સીતાજીએ દશરથ રાજાનું ધ્યાન કર્યું. દશરથ રાજાનો આત્મા ફરીથી પ્રગટ થયો અને જણાવ્યું કે સીતાજીએ રેતીના પિંડનું દાન કર્યું છે. આ રીતે દશરથ રાજાને સીતાજી દ્વારા પિંડદાન કરવાથી મુક્તિ મળી ગઈ. ગયા ધામ બિહારની રાજધાની પટનાથી લગભગ ૧૦૦ કિલોમીટર દક્ષિણમાં આવેલું છે. એવી માન્યતા છે કે અહીં પિંડદાન કરવાથી સાત પેઢીઓના પિતૃઓને મોક્ષ મળે છે.
બ્રહ્મ કપાલ ઘાટ
બ્રહ્મ કપાલ ઘાટ ભગવાન બદ્રીનાથનાં ચરણોમાં વસેલું છે. આ સ્થળ અંગે એવું કહેવાય છે કે આ જગ્યાએ જે વ્યક્તિનું શ્રાદ્ધ કર્મ થાય છે તેને પ્રેત યોનિમાંથી તત્કાળ મુક્તિ મળી જાય છે અને તેને ભગવાન વિષ્ણુના પરમ ધામમાં સ્થાન મળે છે. બ્રહ્મ કપાલમાં અકાળ મૃત્યુ પામેલી વ્યક્તિનું શ્રાદ્ધ કરવામાં આવે તો તેના આત્માને શાંતિ અને મોક્ષ મળે છે. આ સ્થળ સાથે જોડાયેલી કથા અનુસાર મહાભારતના યુદ્ધમાં પાંડવોના મોટાભાગના પરિજનો મૃત્યુને પ્રાપ્ત થયા હતા. આવા અકાળ મૃત્યુને કારણે પ્રેત યોનિમાં ગયેલા પિતૃઓને મુક્તિ અપાવવા માટે પાંડવોએ બ્રહ્મ કપાલમાં જઈને શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો.
અન્ય એક કથા અનુસાર એક વાર બ્રહ્માજીનું એક મુખ જૂઠું બોલ્યું હતું, તેથી શિવજીએ ક્રોધિત થઈને બ્રહ્માજીનું તે મસ્તક કાપી નાખ્યું. ત્યારબાદ બ્રહ્માજીના ચાર મસ્તક જ બચ્યાં જ્યારે કપાયેલું મસ્તક શિવજીના હાથે ચોંટી ગયું. અનેક પ્રયત્નો કરવા છતાં પણ બ્રહ્મદોષને કારણે શિવજીના હાથથી તે મસ્તક અલગ ન થયું.
આવી જ સ્થિતિમાં શિવજીએ સંપૂર્ણ બ્રહ્માંડમાં વિચરણ કર્યું અને બદ્રીનાથ પાસે એક સમતલ શિલાખંડ પાસે પહોંચ્યા કે તરત જ બ્રહ્માજીનું મસ્તક હાથથી છૂટું પડી ગયું. ત્યારથી આ સ્થળનું નામ બ્રહ્મ કપાલ પડી ગયું. શિવજીએ પ્રસન્ન થઈને આ સ્થળને વરદાન આપ્યું કે આ સ્થળે જે વ્યક્તિ શ્રાદ્ધ કરશે તેને પ્રેત યોનિમાં ભટકવું નહીં પડે અને તેમના અનેક પેઢીઓના પિતૃઓને મોક્ષ મળશે.
ઓમકારેશ્વર
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદીના તટ પર ઓમકારેશ્વર વસેલું છે. એવું કહેવાય છે કે અહીં ભગવાન શિવ, વિષ્ણુ તથા બ્રહ્માજીનો નિવાસ છે. સ્કંદ પુરાણ અનુસાર નર્મદા નદીના તટ પર
ઓંમકારેશ્વરમાં શ્રાદ્ધ કરવાથી ગયા ધામમાં કરેલા શ્રાદ્ધ સમાન ફળ મળે છે. શાસ્ત્રો અનુસાર પણ નર્મદા નદીના તટ પર જ પહેલી વાર શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. તેને કારણે નર્મદાને શ્રાદ્ધ કર્મની જનની પણ કહેવામાં આવે છે.
નર્મદા તટ પર શ્રાદ્ધ અંગે એક કથા જોડાયેલી છે તે મુજબ રાજા હિરણ્યતેજા પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે બધાં જ તીર્થોમાં ગયા, પરંતુ તેમના પિતૃઓ સંતુષ્ટ ન થયા. છેલ્લે પિતૃઓએ જ હિરણ્યતેજાને કહ્યું કે નર્મદા તટ પર જઈને અમારું શ્રાદ્ધ કરવાથી અમને મુક્તિ મળી જશે. અયોધ્યાના રાજા મનુએ પણ પોતાના પિતૃઓના કલ્યાણ માટે મહર્ષિ વશિષ્ટના કહેવાથી નર્મદા નદીના તટ પર જઈને પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કર્યું હતું. ઓમકારેશ્વરમાં શ્રાદ્ધ કરવાથી પ્રેત યોનિમાંથી પિતૃઓ મુક્ત થાય છે અને તેમને શિવલોકમાં સ્થાન મળે છે.
ત્ર્યંબકેશ્વર તથા હરિદ્વાર
ત્ર્યંબકેશ્વર ગૌતમ ઋષિની તપોભૂમિ છે. આ સ્થળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાથી લગભગ ૨૮ કિલોમીટર દૂર આવેલું છે. એવી માન્યતા છે કે ગૌતમ ઋષિએ શિવજીની તપસ્યા કરીને ગંગાજીને અવતરિત કરવાનું વરદાન માગ્યું હતું, જેના ફળસ્વરૂપ અહીં ગોદાવરીની ધારા પ્રવાહિત થઈ, તેથી જ ગોદાવરીને દક્ષિણ ભારતની ગંગા કહેવામાં આવે છે.
રાજા ભગીરથે પોતાના પૂર્વજોની મુક્તિ માટે શિવજીની કઠોર તપસ્યા કરી જેના ફળસ્વરૂપ ગંગાજી પ્રગટ થયાં. હિમાલયના શિખરથી ઊતરીને પહેલી વાર ધરતી પર જ્યાં ગંગાની ધારા પ્રવાહિત થઈ એ સ્થળ હરિદ્વાર છે. તેને વૈકુંઠનું દ્વાર પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંથી જ બદ્રીનાથની યાત્રાનો પ્રારંભ થાય છે. હરિદ્વાર ઉત્તરાખંડની ધરતી પર દિલ્હીથી આશરે ૨૨૫ કિલોમીટર દૂર આવેલું છે.
આ બંને જગ્યાએ કરવામાં આવેલું શ્રાદ્ધ અને પિંડદાન સીધું પિતૃઓ સુધી પહોંચે છે, જેથી પિતૃઓને મુક્તિ મળે છે અને ઉત્તમ લોકમાં સ્થાન મળે છે. અહીં પિતૃઓની સંતુષ્ટિ માટે બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓ તૃપ્ત થઈને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે.
હંસ કુંડ અને પ્રયાગ
હંસ કુંડ ઉત્તરાખંડમાં ભગવાન શિવના પાવન ધામ કેદારનાથ પાસે આવેલો છે. આ સ્થળે પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ કરવાથી પિતૃઓને તત્કાળ પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે અને શિવલોકમાં સ્થાન મેળવે છે.
ભગવાન શિવના ત્રિશૂળ પર સ્થિત પાવન નગરી કાશી પણ મુખ્ય શ્રાદ્ધ તીર્થોમાંનું એક છે. શાસ્ત્રો અનુસાર અહીં પ્રયાગ તટ પર કરવામાં આવેલું શ્રાદ્ધ કર્મ પિતૃઓને મુક્તિ પ્રદાન કરે છે. પ્રયાગમાં ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના તથા સરસ્વતીનો સંગમ થાય છે. પુરાણો અનુસાર અહીં અમૃત કળશમાંથી કેટલીક બુંદો છલકીને પડી હતી, તેથી આ સ્થળ અમૃતમય છે. એવું કહેવાય છે કે કાશીમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય છે તેને શિવલોકમાં સ્થાન મળે છે, તેથી જ ઘણા લોકો મૃત્યુનો સમય નજીક આવે ત્યારે પ્રયાગમાં આવીને રહે છે. અહીં ગૌ દાન, અન્ન દાન, વસ્ત્ર દાન તથા બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને પોતાનાં સંતાનોને ઉન્નતિના આશીર્વાદ આપે છે.

Sunday, 25 August 2013

એક એવી પરંપરા જે સ્વજનની લાશની દુર્દશા કરાવે છે


    ધારદાર અને તીક્ષ્ણ હથિયારો વડે આ લોકો અન્ય કોઈના નહીં, પરંતુ પોતાના સ્વજનોના શરીરનાં જ ટુકડે-ટુકડા કરીને માંસ ભૂખ્યા ગિદ્ધોને પીરસી દે છે. માનવ દ્વારા જ માનવશરીરની કરવામાં આવતી ખૌફનાક દુર્દશા, અહીંતહીં વિખરાયેલા વિવિધ અંગોના અને માંસના ટુકડા, લોહીના ખાબોચિયાં અને ગિદ્ધો દ્વારા તેની ઉડવાતી જ્યાફત. આ દૃશ્ય જોનારના રુંવાડા ખડા કરી દેનારું છે. પુત્ર પિતાના તો ક્યારેય દુઃખી હૃદયે પિતા પુત્રના શરીરના ટુકડા કરે છે. એવી તો શું વાત છે જે તેમને આવું કરવા મજબૂર કરી દે છે?

    દાદા-દાદી, પપ્પા-મમ્મી, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, કાકા-કાકી, મામા-મામી, માસા-માસી, ફોઈ-ફૂવા અને નજીકના મિત્રો. આ એ લોકોનું લિસ્ટ છે જેને આપણે આપણા સ્વજન ગણીએ છીએ અને આમાંથી કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આપણને ઘણું દુઃખ થાય છે, પરંતુ ધીરજ ત્યારે ખૂટી પડે છે જ્યારે સ્વજન ચિતાને શરણે થાય છે. જ્યારે તેના દેહને પંચતત્ત્વોમાં વિલીન કરવા માટે મખાગ્નિ આપવામાં આવે છે ત્યારે કઠોર કાળજું ધરાવનાર વ્યક્તિ પણ પોતાના આંસુઓને રોકી શક્તી નથી. આવું થતું કોઈ રોકી શક્તું નથી. પુત્રએ પિતાને તો ક્યારેય પિતાએ પણ દિલ પર પત્થર મુકીને પોતાને પોતાના પનોતા પુત્રના અંતિમ સંસ્કાર કરવા પડે છે.
    હિંન્દુ ધર્મમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી વિવિધ સોળ સંસ્કાર કરવામાં આવે છે. અગ્નિ સંસ્કાર તેમાંનો એક છે. વિવિધ ધર્મ અને પ્રદેશોમાં સ્વજનના મૃત્યુ બાદ તેની અંતિમક્રિયા કરવાની પણ અલગ-અલગ પરંપરા છે. હિંન્દુઓમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. મુસ્લીમો અને ખ્રીસ્તીઓમાં દફન વિધિ કરવામાં આવે છે. જ્યારે કેટલાંક પ્રદેશોમાં મૃત શરીરને નદીમાં વહાવડાવી દેવામાં આવે છે.
    મોટાભાગના લોકો ઉપર જણાવ્યા પ્રામાણેની અંતિમ વિધિની પરંપરાઓ જાણે જ છે, પરંતુ એક એવી પરંપરા જણાવું કે જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું, જોયું કે વિચાર્યું પણ નહીં હોય. ભાતર-ચીન વચ્ચે ભૌગોલિક બફર ઝોન જેવા તિબેટની પરંપરા અનુસાર મૃતકોના ક્રિયા કર્મની અનોખી અને ખૂબ જ પ્રાચીન પ્રથા જેનું નામ સ્કાય બ્યૂરિયલ હતું તેપ્રચલનમાં હતી. જે અનુસાર મૃત વ્યક્તિના શરીરના નાના-નાના માંસના ટુકડાઓને યાક કે અન્ય દૂધમાં ભીંજવીને ભૂખ્યા ગિદ્ધોને પરોસવામાં આવતા હતા. આ બધું બીજું કોઈ નહીં, પરંતુ પરિવારજનો જ કરતાં હતાં. લાશના શરીરના બરહેમીથી ટુકડે ટુકડા કરીને ગિદ્ધો સામે નાખી દેવા એ ખરેખર અવિશ્વસનિય અને આશ્ચર્યજનક બાબત છે. આ પ્રથા ખૂબ જ ક્રૂર છે. તેની ક્રૂરતાનો પરિચય આપનારી હોશ ઉડાવી દે તેવી બીજી બાબત એ છે કે જ્યારે ગિદ્ધ માંસના ટુકડાઓથી પોતાનું પેને વામકુક્ષી કરવા લાગે ત્યારે બચેલા હાડકાંઓને ભેગાં કરી ખાંડીને તેને ભૂક્કો કરવામાં આવતો. જે કાગડાઓ અને બાજને પીરસવામાં આવતો.
    આપણે આને ક્રૂરતા ભલે ગણીએ, પરંતુ તિબેટવાસીઓ મૃત્યુબાદ થનારી શબોની આવી દુર્દશાને પવિત્ર પરંપરા માને છે. આ પરંપરા પાછળ તેમનું એવું માનવું છે કે આ રીતે અંતિમ ક્રિયા કરવાથી મૃતક જલ્દી ભગવાન પાસે પહોંચે છે અને ફરીથી બીજો જન્મ લે છે. જોકે આ પરંપરા પાછળ એક મત એવો પણ છે કે તિબેટની જમીન પથરાળ છે તેથી ત્યાં દફનાવવાનું કામ થોડું મુશ્કેલ બની શકે સાથે સળગાવવાની સામગ્રી કમીને કારણે આ પ્રથા અમલમાં આવી હશે.
    વિશ્વની પાંચ મહાસત્તાઓમાંનું એક એવું ચીન ભલે કોઈનાથી ના ડરે, પરંતુ તિબેટવાસીઓની આ ક્રૂર કહેવાતી પરંપરાથી જબરૃ ડરી ગયું હતું. ચીન દેશની કમ્યુનિસ્ટ સરકારે 1960ના દશકામાં આ અજીબોગરીબ પરંપરા પર પ્રતિબંધ ફરમાવી દીધો  હતો, પણ 1980ના દશકામાં આ પ્રથા ફરીથી જોવા મળી. આ પ્રથા કેટલી હદે ક્રૂર છે તે જાણવા માટે નીચેની તસવીરો જુઓ.

(નોંધઃ રુંવાડા ખડા કરી દેનારી આ તસવીરો તમને વિચલીત કરી શકે છે.)



































Wednesday, 9 January 2013

કાલભૈરવ : ભગવાન શંકરનો અવતાર


કવર સ્ટોરી - પ્રશાંત પટેલ

કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન શંકર, ભૈરવ સ્વરૂપે પ્રગટ થયા હતા, તેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમીના નામે ઓળખવામાં આવે છે. ભગવાન ભૈરવના સ્મરણમાત્રથી જ તમામ પ્રકારનાં પાપ તથા કષ્ટ દૂર થાય છે. ભૈરવજીની પૂજા-ઉપાસના મનોવાંછિત ફળ આપનારી હોય છે. ભૈરવાષ્ટમીના દિવસે વ્રત તથા ષોડશોપચારે પૂજન કરવું શુભ ફળદાયક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે શ્રી કાલભૈરવનું દર્શન તથા પૂજન તમામ પ્રકારના ડર કે ભય દૂર કરે છે

ભગવાન ભૈરવનાથજી મંત્ર, મંત્રની વિદ્યાઓના જ્ઞાતા છે, સાક્ષાત્ રુદ્ર છે. શિવપુરાણમાં ભૈરવજીને ભગવાન શંકરનું રૂપ કહેવામાં આવ્યા છે. તેઓ સૃષ્ટિના રચનાકાર, પાલનહાર અને સંહારક છે. તેમનો આશ્રય મેળવીને ભક્તો નિર્ભય બની જાય છે તથા તમામ પ્રકારનાં કષ્ટોમાંથી મુક્તિ મળે છે. ભૈરવનાથ પણ પોતાના ભક્તોની હંમેશાં રક્ષા કરે છે. તેમનું સ્વરૂપ અને તેમની સાથે જોડાયેલી કેટલીક ખોટી માન્યતાઓને કારણે લોકો તેમને ક્રૂર સમજે છે, પરંતુ વાસ્તવમાં તેવું નથી. કલ્યાણકારી શિવમાંથી જેમની ઉત્પત્તિ થઈ હોય તેઓ તમામ માટે ક્રૂર હોઈ જ ન શકે.

કાલભૈરવજી વિશે રુદ્રયામલ તંત્ર અને જૈન આગમોમાં વિસ્તારથી વર્ણન જોવા મળે છે. કાલભૈરવની સાત્ત્વિક, રાજસિક અને તામસી એમ ત્રણ વિધિઓમાં ઉપાસના કરવામાં આવે છે. તેમની પૂજામાં અડદ અને તેમાંથી બનેલી વસ્તુઓ જેમ કે દહીંવડાંનો સમાવેશ થાય છે. ચમેલીનાં ફૂલ તેમને પ્રિય છે. ઘણી જગ્યાએ કાલભૈરવને મદિરા ચઢાવવામાં આવે છે. તે અંગે એવું માનવામાં આવે છે કે તેનાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે.

ભૈરવની ઉત્પત્તિ કથા
એક કથા અનુસાર બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિની રચના કરી. તે સમયે પૃથ્વી પર કોઈનું મૃત્યુ થતું ન હતું, તેથી પૃથ્વી પર સતત ભાર વધવા લાગ્યો અને પૃથ્વી બ્રહ્માજી પાસે ગઈ. પૃથ્વીએ કહ્યું કે હું આટલો ભાર સહન નહીં કરી શકું ત્યારે બ્રહ્માજીએ મૃત્યુને લાલ ધ્વજ પકડેલી સ્ત્રી સ્વરૂપે ઉત્પન્ન કરી અને તેને આદેશ આપ્યો કે પ્રાણીઓને મારવાનું દાયિત્વ સંભાળ, પરંતુ મૃત્યુએ એવું કરવાની ના પાડી. તેણે કહ્યું કે હું આવું પાપ ન કરી શકું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તારે તો માત્ર તેમના શરીરને સમાપ્ત કરવાનું છે, જીવ તો વારંવાર જન્મ લેતો રહેશે. આ સાંભળી મૃત્યુએ બ્રહ્માજીની વાત માની લીધી અને ત્યારથી પૃથ્વી પર પ્રાણીઓનાં મૃત્યુ થવા લાગ્યાં.

સમયની સાથે પૃથ્વી પર પાપ વધતાં ગયાં ત્યારે ભગવાન શંકરે બ્રહ્માજીને પૂછયું કે આ પાપને સમાપ્ત કરવા તમારી પાસે શું ઉપાય છે? પરંતુ બ્રહ્માજીએ આ વિષયમાં પોતાની અસમર્થતા દર્શાવી, જેથી ભગવાન શંકર બ્રહ્માજી પર ક્રોધિત થયા અને તે ક્રોધમાંથી જ કાલભૈરવની ઉત્પત્તિ થઈ. કાલભૈરવે બ્રહ્માજીના એ મસ્તકને પોતાના નખથી કાપી નાખ્યું, જેણે અસમર્થતા દર્શાવી હતી. તેનાથી કાલભૈરવને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું.

ત્યારબાદ તેઓ ત્રણે લોકોમાં ભ્રમણ કરતા રહ્યાં, પરંતુ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત ન થઈ શક્યા. એવું માનવામાં આવે છે કે જ્યારે કાલભૈરવ કાશી પહોંચ્યા ત્યારે બ્રહ્મહત્યાના પાપમાંથી તેઓ મુક્ત થયા. તે જ સમયે આકાશવાણી થઈ કે તમે અહીં જ નિવાસ કરો અને કાશી નગરીની સુરક્ષાની જવાબદારી સંભાળો.

અન્ય એક પૌરાણિક કથા પ્રમાણે એક વાર શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ બાબતે વિવાદ ઊભો થયો. આ વિવાદે બહુ મોટું સ્વરૂપ ધારણ કર્યું, જેથી ભગવાન શિવે એક સભાનું આયોજન કર્યું. આ સભામાં જ્ઞાનીઓ, ઋષિ-મુનિઓ, સિદ્ધ સંતોને બોલાવવામાં આવ્યા. આ સભામાં એક નિર્ણય લેવામાં આવે છે જેનો ભગવાન વિષ્ણુ સ્વીકાર કરી લે છે, પરંતુ બ્રહ્માજી એ નિર્ણયને માનવા માટે તૈયાર થતા નથી તથા મહાદેવનું અપમાન કરવા લાગે છે. શાંતચિત્ત ભગવાન શિવ બ્રહ્માજી દ્વારા પોતાનું અપમાન સહન ન કરી શક્યા અને હુંકાર ભરી. આ હુંકારમાંથી ભૈરવજી પ્રગટ થયા. ભગવાન ભૈરવ શ્વાન (કૂતરું) પર સવાર હતા. તેમના હાથમાં દંડ હતો, તેથી તેઓ દંડાધિપતિ પણ કહેવાય છે. ભૈરવજીનું રૂપ ખૂબ જ ભયંકર હતું. તેમણે બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી દીધું, જેણે ભગવાન શંકરનું અપમાન કર્યું હતું. ત્યારબાદ બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ. તેઓ ભગવાન ભોળાનાથ તથા ભૈરવજીની વંદના કરવા લાગ્યા. ભગવાન ભૈરવ બ્રહ્માજી, દેવી-દેવતાઓ અને સાધુ-સંતો દ્વારા વંદના કરાતાં શાંત થાય છે. આ રીતે ભૈરવજીની ઉત્પત્તિ થઈ.

એવી માન્યતા છે કે ધર્મની મર્યાદા જાળવવા માટે ભગવાન શંકરે પોતાના જ અવતાર કાલભૈરવને આદેશ આપ્યો હતો કે ભૈરવ, તમે બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી બ્રહ્મહત્યાનું જે પાપ કર્યું છે, તેના પ્રાયશ્ચિત્ત માટે તમારે પૃથ્વી પર જઈને માયાજાળમાં ફસાવું પડશે અને વિશ્વ ભ્રમણ કરવું પડશે. બ્રહ્માજીનું કપાયેલું મસ્તક જ્યારે તમારા હાથમાંથી પડી જશે, તે જ સમયે તમે પાપમુક્ત થઈ જશો અને તે જ જગ્યાએ તમારી સ્થાપના થશે. કાલભૈરવની આ યાત્રા કાશીમાં સમાપ્ત થઈ હતી.

ભૈરવાષ્ટમીનું મહત્ત્વ
કાલભૈરવની સાથે-સાથે આ દિવસે કાલી માતાની પૂજા-અર્ચના કરવાનું વિધાન છે. કાલી માતાની ઉપાસના કરનારે મધ્ય રાત્રિએ દુર્ગા પૂજામાં સાતમ તિથિએ દેવી કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે તેવી જ રીતે પૂજા કરવી જોઈએ.

ભૈરવજીની પૂજા-અર્ચના અને આરાધના કરવાથી પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિની સાથે સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે. ભૈરવ તંત્રોક્ત, બટુક ભૈરવ કવચ, કાલભૈરવ સ્તોત્ર, બટુક ભૈરવ બ્રહ્મકવચ વગેરેનો નિયમિત પાઠ ભૈરવાષ્ટમીએ તથા નિયમિત રીતે કરવાથી અનેક સમસ્યાઓનું નિદાન થાય છે. કાલભૈરવ અષ્ટમીએ ભૈરવજીનાં દર્શન કરવાથી અશુભ કર્મોમાંથી પણ મુક્તિ મળે છે. ભૈરવ ઉપાસના શનિ, રાહુ-કેતુ જેવા ક્રૂર ગ્રહોના ખરાબ પ્રભાવને પણ સમાપ્ત કરે છે.

ભૈરવાષ્ટમી વ્રત-પૂજનવિધિ
શિવજીના ભૈરવરૂપની ઉપાસના કરનાર ભક્તોએ ભૈરવનાથજીની ષોડશોપચાર સહિત પૂજા કરવી જોઈએ તથા તેમને અર્ધ્ય આપવો જોઈએ. રાત્રિના સમયે જાગરણ કરીને ભોળા શંકર તથા માતા પાર્વતીજીની કથા તથા ભજન-કીર્તન કરવું જોઈએ. સાથે ભૈરવજીની કથાનું શ્રવણ તથા મનન કરવું જોઈએ. મધ્ય રાત્રિએ શંખ, નગારા, ઘંટ વગેરે વગાડીને ભૈરવજીની આરતી કરવી જોઈએ.

ભગવાન ભૈરવનાથનું વાહન શ્વાન છે, તેથી ભૈરવજીને પ્રસન્ન કરવા માટે ભૈરવાષ્ટમીએ કૂતરાંઓને ભોજન આપવું જોઈએ. માન્યતા અનુસાર આ દિવસે પ્રાતઃકાળે પવિત્ર નદી અથવા સરોવરમાં સ્નાન કરીને પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરીને ભૈરવજીની પૂજા તથા વ્રત કરવાથી સમસ્ત વિઘ્નો સમાપ્ત થઈ જાય છે તથા દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. ભૈરવજીની પૂજા-ભક્તિ કરવાથી ભૂત, પિશાચ તથા કાળ પણ દૂર રહે છે. વ્યક્તિને કોઈ રોગ સ્પર્શી પણ શકતો નથી.

શ્રી ભૈરવનાં સ્વરૂપ
બટુક ભૈરવ
બટુક ભૈરવ એ ભગવાનનું બાળ સ્વરૂપ છે. તેમને આનંદ ભૈરવના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના આ સૌમ્ય સ્વરૂપની આરાધના શીઘ્ર ફળદાયી છે. તે કાર્યમાં સફળતા માટે પણ ઘણી મહત્ત્વની છે.

કાલભૈરવ
તે ભગવાનનું સાહસિક યુવાન સ્વરૂપ છે. આ રૂપની આરાધના કરવાથી શત્રુમુક્તિ, સંકટમુક્તિ અને કોર્ટ-કચેરીની બાબતમાં વિજય મળે છે, સાથે વ્યક્તિમાં સાહસનો સંચાર પણ થાય છે. તમામ પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે. કાલભૈરવને ભગવાન શંકરના રુદ્રાવતાર માનવામાં આવે છે.

લોકદેવતા
લોકજીવનમાં ભગવાન ભૈરવને ભૈરુ મહારાજ, ભૈરુબાબા, કાલા ભૈરવ, ગોરા ભૈરવ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. કેટલાક સમાજના તેઓ કુલદેવતા છે અને તેમને પૂજવાનું પ્રચલન પણ જુદું-જુદું છે, જે વિધિવત્ ન હોતા સ્થાનિક પરંપરાનો એક ભાગ છે.

ભૈરવ તંત્ર
યોગમાં ભૈરવ તંત્રને સમાધિપદ કહેવામાં આવે છે. ભૈરવ તંત્રમાં ભૈરવ પદ કે ભૈરવી પદ પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવજીએ દેવી સમક્ષ ૧૧૨ વિધિઓનો ઉલ્લેખ કર્યો હતો. જેના માધ્યમથી સમાધિપદને પ્રાપ્ત કરી શકાય છે.

ભૈરવ આરાધના
ભૈરવજીની આરાધનાથી શનિ પ્રકોપ શાંત થાય છે. તેમની આરાધના માટે રવિવાર અને મંગળવાર શુભ છે. પુરાણો અનુસાર ભાદરવા માસને ભૈરવપૂજા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. આરાધના કરતાં પહેલાં એ જાણી લો કે આરાધના દરમિયાન કૂતરાંઓને ક્યારેય ધુતકારશો નહીં, પરંતુ તેમને ભરપેટ ભોજન કરાવો. જુગાર, સટ્ટો, મદ્યપાન તથા અનૈતિક કૃત્ય વગેરેથી દૂર રહો. પવિત્ર બનીને સાત્ત્વિક આરાધના કરો.

કાલભૈરવ મંત્ર અને યંત્ર
કાલભૈરવ અષ્ટમીના દિવસે કાલભૈરવ દેવની નીચેના મંત્રો દ્વારા પૂજા કરવામાં આવે તો વેપાર-વ્યવસાય, જીવનમાં આવનારી મુશ્કેલીઓ, શત્રુ દ્વારા થતી મુશ્કેલીઓ, વિઘ્નો, બાધાઓ, કોર્ટ-કચેરી વગેરે કાર્યમાં સફળતા મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. કાલભૈરવ યંત્ર ભૂતપ્રેત, પિશાચ, મેલી વિદ્યામાંથી મુક્તિ મેળવવા તથા સાહસ અને હિંમતની પ્રાપ્તિ માટે કાલભૈરવ યંત્રની પણ પૂજા કરવામાં આવે છે.

* ૐ કાલભૈરવાય નમઃ ।
* ૐ ભયહરણં ચ ભૈરવઃ ।
* ૐ હ્રીં બટુકાય આપદુદ્ધારણાય કુરુકુરુ બટુકાય હ્રીં ।
* ૐ હં ષં નં ગં કં સં ખં મહાકાલ ભૈરવાય નમઃ ।
* ૐ ભ્રાં કાલભૈરવાય ફટ્ ।

ભૈરવ મંદિર
* કાશીનું કાળભૈરવ મંદિર સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિરથી ભૈરવ મંદિર આશરે દોઢ-બે કિલોમીટરના અંતરે આવેલું છે.
* નવી દિલ્હીના વિનય માર્ગ પર નહેરુ પાર્કમાં બટુક ભૈરવનું પાંડવકાળનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે.
* ઉજ્જૈનમાં કાળભૈરવનું જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેની પ્રસિદ્ધિનું કારણ ઐતિહાસિક અને તાંત્રિક છે. અહીં કાલભૈરવને મદિરા ચઢાવવામાં આવે છે.
* નૈનિતાલ નજીક ઘોડાખાડનું બટુક ભૈરવ મંદિર પણ ખૂબ જ પ્રસિદ્ધ અને પુરાણું છે.
* આ સિવાય શક્તિપીઠો અને ઉપપીઠો પાસે સ્થિત ભૈરવ મંદિરોનું પણ ઘણું મહત્ત્વ છે.

ધનતેરસઃ ધન પૂજનનો શ્રેષ્ઠ અવસર


પૂજન પર્વ - પ્રશાંત પટેલ
ધનતેરસ : રવિવાર ૧૧ નવેમ્બર, ૨૦૧૨

ધનતેરસના દિવસે ધન તથા માતા લક્ષ્મીજીનાં પૂજન પાછળ પણ એક કથા જોડાયેલી છે, તે પ્રમાણે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ સુધી ખેડૂતને ત્યાં રહેવાનું છે. આ તેર વર્ષ દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં ખૂબ વૃદ્ધિ થઈ. શાપની અવધિ પૂર્ણ થઈ અને ભગવાન વિષ્ણુ જ્યારે તેમને પાછાં લેવા આવે છે ત્યારે ખેડૂતે તેમને જતાં રોક્યાં ત્યારે લક્ષ્મીજીએ ખેડૂતને વરદાન આપ્યું કે ધનતેરસના દિવસે દીવા પ્રગટાવીને જે વ્યક્તિ ધન પૂજન તથા મારું પૂજન કરશે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે.

યમરાજને દીપદાન
પરંપરા અનુસાર ધનતેરસની સંધ્યાએ યમરાજનું પૂજન કરવામાં આવે છે તથા દક્ષિણ દિશામાં તેમના માટે તેર દીવા પ્રગટાવવામાં આવે છે તેની પાછળ એક પ્રચલિત કથા છે. એ કથા પ્રમાણે એક વાર યમરાજાએ પોતાના દૂતોને પ્રશ્ન કર્યો કે, 'શું તમને પ્રાણીઓના પ્રાણ હણતી વખતે કોઈ પણ પ્રાણી ઉપર દયા આવી છે?' આ પ્રશ્ન સાંભળીને યમદૂતોએ એક સ્વરમાં કહ્યું, 'મહારાજ અમે બધા તો તમારા સેવક છીએ અને તમારી આજ્ઞાનું પાલન કરવું એ જ અમારો ધર્મ છે, તેથી દયા અને મોહ-માયા સાથે અમારે કંઈ લેવા-દેવા નથી.'

યમરાજે ફરીથી તેમને નિર્ભય બનીને સાચું જણાવવા કહ્યું, ત્યારે યમદૂતોએ જણાવ્યું કે, 'એક દિવસ હંસ નામનો એક રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયો અને ગાઢ જંગલમાં પોતાના સાથીદારોથી વિખૂટો પડીને બીજા રાજ્યના સીમાડામાં પહોંચી ગયો. તે રાજ્યના રાજાનું નામ હેમ હતું. તેમણે હંસનો રાજકીય સત્કાર કર્યો. તે જ દિવસે હેમની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો, પરંતુ જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી કે વિવાહના ચોથા જ દિવસે આ બાળકનું મૃત્યુ થશે. આ દુઃખદ રહસ્ય જણીને હેમ રાજાએ પોતાના નવજાત પુત્રને યમુનાના તટ પર એક ગુફામાં મોકલી દીધો અને ત્યાં જ તેના ઉછેરની શાહી વ્યવસ્થા કરી. કોઈ પણ યુવતીનો પડછાયો પણ તેના પર ન પડે તેનું ધ્યાન રાખ્યું, પરંતુ વિધિનું વિધાન અડગ હતું.

એક દિવસ રાજા હંસની પુત્રી ફરતાં-ફરતાં યમુના તટે આવી અને રાજકુમારને જોતાં જ તેના પર મોહિત થઈ ગઈ. રાજકુમારની પણ આ જ દશા હતી, તેથી બંને જણે તે સમયે ગાંધર્વવિવાહ કરી લીધા. વિધિના વિધાન અનુસાર ચાર દિવસ પછી રાજકુમારનું મૃત્યુ થઈ ગયું.

યમદૂતોએ યમરાજને જણાવ્યું કે, 'તેમણે આવી સુંદર જોડી પોતાના જીવનમાં પહેલાં ક્યારેય નથી જોઈ. તેઓ કામદેવ અને રતિ જેવા સુંદર હતાં, તેથી રાજકુમારના પ્રાણ હરણ કર્યા પછી નવવિવાહિતા રાજકુમારીનો કરુણ વિલાપ સાંભળીને અમારું કાળજુ કંપી ઊઠયું.'

આખી ઘટનાનો વૃત્તાંત સાંભળ્યા પછી યમરાજાએ યમદૂતોને કહ્યું કે, આસો વદ તેરસના દિવસે જે પણ વ્યક્તિ ધન્વંતરિ દેવનું પૂજન અને મારા માટે દીપદાન કરશે તે અકાળ મૃત્યુથી બચી જશે.

એવી માન્યતા છે કે ત્યારથી ધન્વંતરિ અને યમરાજનું પૂજન કરવાની તથા દક્ષિણ દિશામાં તેર દીવા પ્રગટાવવાની પ્રથા શરૂ થઈ. આ સિવાય ધનતેરસના દિવસે ઘરનાં તૂટેલાં-ફૂટેલાં વાસણોને બદલીને નવાં વાસણો તથા સોનાં-ચાંદીનાં ઘરેણાં કે વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.

કુબેર પૂજન
ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે લંકાના રાજા રાવણે કુબેરની સાધના કરી તેમને પ્રસન્ન કરીને સુવર્ણની લંકા બનાવી હતી. ચાંદી એ કુબેરની ધાતુ છે, તેથી ધનતેરસના દિવસે ચાંદીની ખરીદી કરવાથી ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. તિજોરી અને કુબેર યંત્રનું પૂજન પણ કરવામાં આવે છે.

ધન્વંતરિ દેવનો જન્મદિવસ
જેરીતે સમુદ્રમંથન દરમિયાન તેમાંથી માતા લક્ષ્મી ઉત્પન્ન થયાં હતાં તે જ રીતે ભગવાન ધન્વંતરિ પણ અમૃત કળશ લઈને સમુદ્રમંથનમાંથી ઉત્પન્ન થયા હતા. માતા લક્ષ્મી ધનનાં દેવી છે, પરંતુ તેમની કૃપા મેળવવા માટે શારીરિક સ્વસ્થતા અને લાંબું આયુષ્ય પણ હોવું જોઈએ. આસો વદ તેરસના દિવસે ધન્વંતરિનો જન્મ થયો હતો, તેથી ધનતેરસે ધન્વંતરિ જયંતી મનાવવામાં આવે છે. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. ધન્વંતરિને દેવોના વૈદ્ય માનવામાં આવે છે, તેથી વૈદ્યો અને ચિકિત્સકો આ દિવસે ધન્વંતરિ દેવનું પૂજન કરે છે. ધન્વંતરિ જ્યારે પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ધન્વંતરિ કળશ (પાત્ર, વાસણ) લઈને પ્રગટ થયા હતા, તેથી ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. એવું પણ કહેવાય છે કે ધનતેરસના દિવસે ધન અથવા વસ્તુ ખરીદવાથી તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. પિત્તળ એ ધન્વંતરિની ધાતુ છે, તેથી ધનતેરસના દિવસે પિત્તળની ખરીદી કરવાથી આરોગ્ય, આયુષ્ય અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.