My Frnds

Flag Counter

Thursday, 12 September 2013

શ્રાદ્ધ પક્ષ : ભારતનાં શ્રાદ્ધ તીર્થો

Sandesh- Cover Story -12-9-13

કવર સ્ટોરી - પ્રશાંત પટેલ
પિતૃઓ નિમિત્તે જે કર્મ શ્રદ્ધાથી કરવામાં આવે છે તેને જ શ્રાદ્ધ કહે છે. હિન્દુ ધર્મ પ્રમાણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે માતા-પિતા અને પૂર્વજોને પ્રણામ કરવા એ આપણું કર્તવ્ય છે. એક વાત તો સૌએ સ્વીકારવી જ રહી કે આપણા પૂર્વજોની વંશ પરંપરાને કારણે જ આપણે આજે આ જીવન જીવી રહ્યા અને આનંદ મેળવી રહ્યા છીએ. તેમના આત્માને તૃપ્ત કરવા અને આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પિતૃઓને ખુશ કરવાની તૈયારીઓ કરી લઈએ

હિન્દુ ધર્મમાં ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસને પિતૃપક્ષ કહેવામાં આવે છે. આ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ, મુક્તિ માટે વિધિ કે ક્રિયા કરીને તેમને અર્ધ્ય સર્મિપત કરવામાં આવે છે. જો કોઈ કારણસર પિતૃઓના આત્માને મુક્તિ પ્રદાન ન થઈ હોય અને પ્રેત યોનિમાં તે ભટક્યા કરતો હોય તો તેમની શાંતિ માટે વિશિષ્ટ એવું શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. વસુ, રુદ્ર અને આદિત્યને શ્રાદ્ધના દેવતા માનવામાં આવે છે. દરેક વ્યક્તિના ત્રણ પૂર્વજ પિતા, દાદા અને પરદાદાને ક્રમશઃ વસુ, રુદ્ર અને આદિત્ય સમાન માનવામાં આવે છે. શ્રાદ્ધ વખતે તેમને જ અન્ય પૂર્વજોના પ્રતિનિધિ સમજવામાં આવે છે. વિધિવિધાન મુજબ કરવામાં આવેલા શ્રાદ્ધ કર્મથી તેઓ તૃપ્ત થાય છે અને પોતાના વંશજને સપરિવાર સુખ-સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સંતાનપ્રાપ્તિના આશીર્વાદ આપે છે. શ્રાદ્ધ કર્મમાં ઉચ્ચારાતા મંત્રો અને આહુતિઓને તેઓ અન્ય પિતૃઓ સુધી લઈ જાય છે. શ્રાદ્ધના નિત્ય, નૈમિત્તિક અને કામ્ય એમ મુખ્ય ત્રણ પ્રકાર છે. આ સિવાય પણ અન્ય પ્રકાર છે. જેમ કે, વૃદ્ધ શ્રાદ્ધ, સપિંડિત શ્રાદ્ધ, પાર્વ શ્રાદ્ધ, ગોષ્ઠ શ્રાદ્ધ, શુદ્ધિ શ્રાદ્ધ, દૈવિક શ્રાદ્ધ, કર્માંગ શ્રાદ્ધ અને તૃષ્ટિ શ્રાદ્ધ. શ્રાદ્ધ પક્ષમાં બ્રહ્મ-ભોજન ઉપરાંત દાનનું પણ ઘણું મહત્ત્વ છે. પિતૃદોષથી પીડાતી વ્યક્તિ દાન દ્વારા દોષને દૂર કરી શકે છે. તેના માટે ગૌ-દાન, કાળા તલનું દાન, ભૂમિ દાન, ચાંદીનું દાન, વસ્ત્રોનું દાન, ગોળ અને મીઠાનું દાન વગેરે. વ્યક્તિએ પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર દાન કરવું જાઈએ. સમુદ્ર તથા સમુદ્રમાં મળનારી નદીઓના તટ પર, ગૌશાળામાં કે જ્યાં બળદ ન હોય, નદીઓનાં સંગમસ્થાન, ઉચ્ચ ગિરિશિખર, વનમાં લીંપેલી સ્વચ્છ મનોહર જગ્યા, ગાયના છાણથી લીપેલા ઘરમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સદ્ગતિ મળે છે અને શ્રાદ્ધ કરનારના મનોરથ પૂર્ણ થાય છે.
વિષ્ણુ પુરાણ અનુસાર દરિદ્ર વ્યક્તિ માત્ર અન્ન, જંગલી સાગનાં પાન-ફળ, ઓછામાં ઓછી દક્ષિણા અને જો આટલું પણ ન હોય તો સાત અથવા આઠ તલ અંજલિમાં જળની સાથે લઈને બ્રાહ્મણને આપવું જોઈએ અથવા ગાયને આખો દિવસ ઘાસ ખવડાવવું જોઈએ. જો આવું કરવા પણ વ્યક્તિ અસમર્થ હોય તો તેણે પોતાના હાથ આકાશ તરફ ઉઠાવી દિગપાળો અને સૂર્યદેવને યાચના કરવી જોઈએ કે, "હે પ્રભુ! મેં હાથ હવામાં ફેલાવી દીધા છે. મારા પિતૃઓ મારી ભક્તિથી સંતુષ્ટ થાય."
શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની મૃત્યુ તિથિએ ખીર-પૂરી બનાવીને બ્રાહ્મણોને ખવડાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. ઘરની છત પર ખીર-પૂરીનો કાગવાસ નાખવામાં આવે છે. જો કાગડાઓ આવીને તે ખાય તો એમ માનવામાં આવે છે કે શ્રાદ્ધ પિતૃઓ સુધી પહોંચ્યું છે અને તેઓ તૃપ્ત થયા છે. શ્રાદ્ધ દરમિયાન સ્વજનની મૃત્યુ તિથિએ પરિવારના બધા જ લોકો ભેગા મળીને ખીર-પૂરીનું ભોજન કરે છે.
પિતૃતર્પણનાં તીર્થ
શ્રાદ્ધ પક્ષ દરમિયાન અને તે સિવાય પણ લોકો પિતૃતર્પણ માટેનાં તીર્થસ્થળો પર જઈને શ્રાદ્ધ-તર્પણ કરે છે. આ સ્થળો પર શ્રાદ્ધ-તર્પણ કરવાથી પિતૃઓનો આત્મા જલદી તૃપ્ત થાય છે. ગુજરાતમાં ચાંણોદ-કરનાળી, સિદ્ધપુર સહિત અનેક તીર્થો આવેલાં છે. ભારતભરમાં આવેલાં પિતૃતર્પણ માટેનાં તીર્થસ્થળો વિશે જાણીએ.
ગયા ધામ
એવું કહેવાય છે કે ભગવાન શ્રીરામ પોતાના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કરવા માટે ગયા પધાર્યા હતા. વાલ્મીકિ રામાયણમાં એવી કથા છે કે પિંડદાન માટે રામ અને લક્ષ્મણ સામગ્રી લેવા માટે બજાર ગયા હતા. તેમને પાછા વળતાં બહુ વાર થઈ. જ્યારે પિંડદાનનો સમય આવ્યો ત્યારે દશરથજીનો આત્મા સીતાજી સમક્ષ ઉપસ્થિત થયો અને પિંડ માંગવા લાગ્યો, તેથી સીતાજી વિચારમાં પડી ગયાં કે હવે શું કરું? થોડી ક્ષણો વિચાર કરીને સીતાજીએ રેતીનો પિંડ બનાવીને ગાય, ફલ્ગુ નદી, કેતકીનાં ફૂલ, વડનું વૃક્ષ અને કાગડાની સાક્ષીએ દશરથજીને રેતીના પિંડનું દાન કર્યું.
રામ-લક્ષણ જ્યારે પાછા ફર્યા ત્યારે સીતાજીએ જણાવ્યું કે તેમણે દશરથજીને પિંડદાન આપી દીધું છે. ત્યારે શ્રીરામે સીતાજીને પૂછયું કે કોઈ પણ પ્રકારની સામગ્રી વગર પિંડદાન કેવી રીતે કર્યું? તેના કોઈ સાક્ષી તો જણાવો. ત્યારે સીતાજીએ ગાય, નદી, ફૂલ, વડ અને કાગડાને સાક્ષી પૂરવા કહ્યું, પરંતુ વડના વૃક્ષને બાદ કરતાં બધાંએ સાક્ષી પૂરવાની ના પાડી. ત્યારબાદ સીતાજીએ દશરથ રાજાનું ધ્યાન કર્યું. દશરથ રાજાનો આત્મા ફરીથી પ્રગટ થયો અને જણાવ્યું કે સીતાજીએ રેતીના પિંડનું દાન કર્યું છે. આ રીતે દશરથ રાજાને સીતાજી દ્વારા પિંડદાન કરવાથી મુક્તિ મળી ગઈ. ગયા ધામ બિહારની રાજધાની પટનાથી લગભગ ૧૦૦ કિલોમીટર દક્ષિણમાં આવેલું છે. એવી માન્યતા છે કે અહીં પિંડદાન કરવાથી સાત પેઢીઓના પિતૃઓને મોક્ષ મળે છે.
બ્રહ્મ કપાલ ઘાટ
બ્રહ્મ કપાલ ઘાટ ભગવાન બદ્રીનાથનાં ચરણોમાં વસેલું છે. આ સ્થળ અંગે એવું કહેવાય છે કે આ જગ્યાએ જે વ્યક્તિનું શ્રાદ્ધ કર્મ થાય છે તેને પ્રેત યોનિમાંથી તત્કાળ મુક્તિ મળી જાય છે અને તેને ભગવાન વિષ્ણુના પરમ ધામમાં સ્થાન મળે છે. બ્રહ્મ કપાલમાં અકાળ મૃત્યુ પામેલી વ્યક્તિનું શ્રાદ્ધ કરવામાં આવે તો તેના આત્માને શાંતિ અને મોક્ષ મળે છે. આ સ્થળ સાથે જોડાયેલી કથા અનુસાર મહાભારતના યુદ્ધમાં પાંડવોના મોટાભાગના પરિજનો મૃત્યુને પ્રાપ્ત થયા હતા. આવા અકાળ મૃત્યુને કારણે પ્રેત યોનિમાં ગયેલા પિતૃઓને મુક્તિ અપાવવા માટે પાંડવોએ બ્રહ્મ કપાલમાં જઈને શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો.
અન્ય એક કથા અનુસાર એક વાર બ્રહ્માજીનું એક મુખ જૂઠું બોલ્યું હતું, તેથી શિવજીએ ક્રોધિત થઈને બ્રહ્માજીનું તે મસ્તક કાપી નાખ્યું. ત્યારબાદ બ્રહ્માજીના ચાર મસ્તક જ બચ્યાં જ્યારે કપાયેલું મસ્તક શિવજીના હાથે ચોંટી ગયું. અનેક પ્રયત્નો કરવા છતાં પણ બ્રહ્મદોષને કારણે શિવજીના હાથથી તે મસ્તક અલગ ન થયું.
આવી જ સ્થિતિમાં શિવજીએ સંપૂર્ણ બ્રહ્માંડમાં વિચરણ કર્યું અને બદ્રીનાથ પાસે એક સમતલ શિલાખંડ પાસે પહોંચ્યા કે તરત જ બ્રહ્માજીનું મસ્તક હાથથી છૂટું પડી ગયું. ત્યારથી આ સ્થળનું નામ બ્રહ્મ કપાલ પડી ગયું. શિવજીએ પ્રસન્ન થઈને આ સ્થળને વરદાન આપ્યું કે આ સ્થળે જે વ્યક્તિ શ્રાદ્ધ કરશે તેને પ્રેત યોનિમાં ભટકવું નહીં પડે અને તેમના અનેક પેઢીઓના પિતૃઓને મોક્ષ મળશે.
ઓમકારેશ્વર
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદીના તટ પર ઓમકારેશ્વર વસેલું છે. એવું કહેવાય છે કે અહીં ભગવાન શિવ, વિષ્ણુ તથા બ્રહ્માજીનો નિવાસ છે. સ્કંદ પુરાણ અનુસાર નર્મદા નદીના તટ પર
ઓંમકારેશ્વરમાં શ્રાદ્ધ કરવાથી ગયા ધામમાં કરેલા શ્રાદ્ધ સમાન ફળ મળે છે. શાસ્ત્રો અનુસાર પણ નર્મદા નદીના તટ પર જ પહેલી વાર શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. તેને કારણે નર્મદાને શ્રાદ્ધ કર્મની જનની પણ કહેવામાં આવે છે.
નર્મદા તટ પર શ્રાદ્ધ અંગે એક કથા જોડાયેલી છે તે મુજબ રાજા હિરણ્યતેજા પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે બધાં જ તીર્થોમાં ગયા, પરંતુ તેમના પિતૃઓ સંતુષ્ટ ન થયા. છેલ્લે પિતૃઓએ જ હિરણ્યતેજાને કહ્યું કે નર્મદા તટ પર જઈને અમારું શ્રાદ્ધ કરવાથી અમને મુક્તિ મળી જશે. અયોધ્યાના રાજા મનુએ પણ પોતાના પિતૃઓના કલ્યાણ માટે મહર્ષિ વશિષ્ટના કહેવાથી નર્મદા નદીના તટ પર જઈને પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કર્યું હતું. ઓમકારેશ્વરમાં શ્રાદ્ધ કરવાથી પ્રેત યોનિમાંથી પિતૃઓ મુક્ત થાય છે અને તેમને શિવલોકમાં સ્થાન મળે છે.
ત્ર્યંબકેશ્વર તથા હરિદ્વાર
ત્ર્યંબકેશ્વર ગૌતમ ઋષિની તપોભૂમિ છે. આ સ્થળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાથી લગભગ ૨૮ કિલોમીટર દૂર આવેલું છે. એવી માન્યતા છે કે ગૌતમ ઋષિએ શિવજીની તપસ્યા કરીને ગંગાજીને અવતરિત કરવાનું વરદાન માગ્યું હતું, જેના ફળસ્વરૂપ અહીં ગોદાવરીની ધારા પ્રવાહિત થઈ, તેથી જ ગોદાવરીને દક્ષિણ ભારતની ગંગા કહેવામાં આવે છે.
રાજા ભગીરથે પોતાના પૂર્વજોની મુક્તિ માટે શિવજીની કઠોર તપસ્યા કરી જેના ફળસ્વરૂપ ગંગાજી પ્રગટ થયાં. હિમાલયના શિખરથી ઊતરીને પહેલી વાર ધરતી પર જ્યાં ગંગાની ધારા પ્રવાહિત થઈ એ સ્થળ હરિદ્વાર છે. તેને વૈકુંઠનું દ્વાર પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંથી જ બદ્રીનાથની યાત્રાનો પ્રારંભ થાય છે. હરિદ્વાર ઉત્તરાખંડની ધરતી પર દિલ્હીથી આશરે ૨૨૫ કિલોમીટર દૂર આવેલું છે.
આ બંને જગ્યાએ કરવામાં આવેલું શ્રાદ્ધ અને પિંડદાન સીધું પિતૃઓ સુધી પહોંચે છે, જેથી પિતૃઓને મુક્તિ મળે છે અને ઉત્તમ લોકમાં સ્થાન મળે છે. અહીં પિતૃઓની સંતુષ્ટિ માટે બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓ તૃપ્ત થઈને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે.
હંસ કુંડ અને પ્રયાગ
હંસ કુંડ ઉત્તરાખંડમાં ભગવાન શિવના પાવન ધામ કેદારનાથ પાસે આવેલો છે. આ સ્થળે પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ કરવાથી પિતૃઓને તત્કાળ પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે અને શિવલોકમાં સ્થાન મેળવે છે.
ભગવાન શિવના ત્રિશૂળ પર સ્થિત પાવન નગરી કાશી પણ મુખ્ય શ્રાદ્ધ તીર્થોમાંનું એક છે. શાસ્ત્રો અનુસાર અહીં પ્રયાગ તટ પર કરવામાં આવેલું શ્રાદ્ધ કર્મ પિતૃઓને મુક્તિ પ્રદાન કરે છે. પ્રયાગમાં ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના તથા સરસ્વતીનો સંગમ થાય છે. પુરાણો અનુસાર અહીં અમૃત કળશમાંથી કેટલીક બુંદો છલકીને પડી હતી, તેથી આ સ્થળ અમૃતમય છે. એવું કહેવાય છે કે કાશીમાં જે વ્યક્તિનું મૃત્યુ થાય છે તેને શિવલોકમાં સ્થાન મળે છે, તેથી જ ઘણા લોકો મૃત્યુનો સમય નજીક આવે ત્યારે પ્રયાગમાં આવીને રહે છે. અહીં ગૌ દાન, અન્ન દાન, વસ્ત્ર દાન તથા બ્રાહ્મણ ભોજન કરાવવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને પોતાનાં સંતાનોને ઉન્નતિના આશીર્વાદ આપે છે.

No comments:

Post a Comment