કવર સ્ટોરી - પ્રશાંત પટેલ
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ્। નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વ કાર્યેષુ સર્વદા।।
ભાદરવા સુદ ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે સમગ્ર ભારતભરમાં ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી એ દુંદાળા દેવ ગણપતિનો જન્મદિવસ છે. તેમના જન્મ વિશે ઘણી કથાઓ પ્રચલિત છે. પ્રથમ પૂજ્ય અને વિઘ્નહર્તા ગણપતિજીનું ગણેશ ચતુર્થીના દિવસથી લઈને અનંત ચતુર્દશી એમ દસ દિવસ સુધી સ્થાપન-પૂજન કરવામાં આવે છે. ભક્તો આ દિવસો દરમિયાન ગણેશજીનું પૂજન-અર્ચન કરી, લાડુનો ભોગ ધરાવી તેમને પ્રસન્ન કરે છે. ગણેશજી આપણાં આગણે પધાર્યા છે. આ અવસરે ગણેશજીને ઊંડાણથી ઓળખીએ ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યની શરૂઆત પહેલાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે, તેથી કોઈ શુભ કાર્યની શરૂઆત કરીએ તેને શ્રી ગણેશ કર્યા એમ કહેવામાં આવે છે. દરેક શુભ કાર્ય કે અનુષ્ઠાન કરતા પહેલાં 'શ્રી ગણેશાય નમઃ ।' મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ગણેશજીને સમસ્ત સિદ્ધિઓ આપનારા માનવામાં આવે છે, કારણ કે બધી જ સિદ્ધિઓ ગણેશજીમાં જ વાસ કરે છે.
ગણેશજી વિઘ્નોને દૂર કરનારા દેવ છે. દયા તથા કૃપાના મહાસાગર છે, તેથી તેઓ વિનાયક છે. ગણેશજી વિદ્યા-બુદ્ધિના અથાહ સાગર તથા વિધાતા છે. લિંગપુરાણ અનુસાર સર્વવિઘ્નેશ મોદકપ્રિય ગણપતિજીના જાતકર્માદિ સંસ્કાર બાદ ભગવાન શિવજીએ પોતાના પુત્ર ગણેશજીને તેમનું કર્તવ્ય સમજાવતા આશીર્વાદ આપ્યા કે, 'જે પણ વ્યક્તિ તારું પૂજન કર્યા વગર પૂજા-પાઠ, અનુષ્ઠાન, યજ્ઞા-હવન કે કોઈ પણ શુભ કાર્ય કરશે તેનું મંગળ પણ અમંગળમાં પરિર્વિતત થઈ જશે. જે લોકો ફળની કામનાથી બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અથવા કોઈ પણ દેવતાની પૂજા કરશે, પરંતુ તારી પૂજા નહીં કરે તેના કાર્યમાં તું વિઘ્નો દ્વારા બાધાઓ પહોંચાડીશ.
અસુરો બ્રાહ્મણ અને દેવતાઓને સતાવતા હતા. ગણેશજીને વરદાન હતું કે જે તેમની પ્રથમ પૂજા નહીં કરે તેમના કાર્યમાં તેઓ વિઘ્નો નાખશે. ગણેશજીએ દૈત્યોના ધર્મકાર્યોમાં વિઘ્નો નાખવાનું શરૂ કરી દીધું, જેથી તેમની સફળતા આડે બાધાઓ આવવા લાગી.
ગણેશજન્મની પૌરાણિક કથા
ભગવાન શિવની અનુપસ્થિતિમાં માતા પાર્વતીએ વિચાર કર્યો કે તેમનો પોતાનો એક સેવક હોવો જોઈએ, જે પરમ શુભ, કાર્યકુશળ તથા આજ્ઞાનું સતત પાલન કરવામાં ક્યારેય વિચલિત ન થાય. આમ વિચારીને માતા પાર્વતીએ પોતાના મંગલમય પાવન શરીરના મેલથી પોતાની માયા શક્તિથી બાળગણેશને ઉત્પન્ન કર્યા.
એક વાર જ્યારે માતા પાર્વતી માનસરોવરમાં સ્નાન કરી રહ્યાં હતાં ત્યારે તેમણે સ્નાનસ્થળે કોઈ આવી ન શકે તે માટે બાળગણેશને ત્યાં પહેરો ભરવાનું અને આજ્ઞા વગર કોઈને પ્રવેશ ન કરવા દેવા જણાવ્યું. ગણેશજી પહેરો ભરી રહ્યા હતા તે દરમિયાન શિવજી ત્યાં આવ્યા. ગણેશજીએ તેમને અટકાવ્યા અને કહ્યું કે તમે આગળ નહીં જઈ શકો. અનેક વાર સમજાવવા છતાં પણ ગણેશજીએ શિવજીને રોક્યા, તેથી ક્રોધિત થઈને શિવજીએ બાળગણેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું. જ્યારે આ વાતની જાણ માતા પાર્વતીજીને થઈ ત્યારે તેઓ વિલાપ અને ક્રોધથી પ્રલયનું સર્જન કરતાં કહેવા લાગ્યાં કે તમે મારા પુત્રનો વધ કર્યો.
પાર્વતીજીને ક્રોધિત અને દુઃખી જોઈને શિવજીએ પોતાના ગણોને આદેશ આપતા કહ્યું કે, રસ્તામાં તમને જે સૌથી પહેલો જીવ જોવા મળે તેનું માથું કાપીને બાળકના ધડ પર લગાવી દો, તેનાથી આ બાળક જીવિત થશે. ગણોને સૌથી પહેલાં હાથીનું બચ્ચું મળ્યું, તેથી તેમણે તેનું માથું કાપીને બાળક ગણેશના ધડ પર લગાવી દીધું અને તેઓ જીવિત થયા.
બાળકનું આવું વિચિત્ર રૂપ જોઈને માતા હજુ પણ દુઃખી હતાં. તેમને લાગતું હતું કે આવા દેખાવવાળા મારા પુત્રનો બધા જ તિરસ્કાર કરશે. ત્યારે ત્યાં હાજર દેવતાઓ સહિત બધાએ ગણેશજીને પ્રથમ પૂજનનું વરદાન આપ્યું અને તેમને ગણાધ્યક્ષ બનાવ્યા.
મૂષક કેવી રીતે બન્યો શ્રી ગણેશનું વાહન?
સુ મેરુ પર્વત પર સૌભરિ ઋષિનો આશ્રમ હતો. તેમની ખૂબ જ સ્વરૂપવાન તથા પતિવ્રતા પત્નીનું નામ મનોમયી હતું. એક દિવસ ઋષિ બળતણ માટે લાકડાં લેવા માટે વનમાં ગયા. તેમના ગયા પછી મનોમયી ગૃહકાર્યમાં વ્યસ્ત થઈ ગયાં. તે જ સમયે કૌંચ નામનો એક ગંધર્વ ત્યાં આવ્યો. જ્યારે કૌંચે લાવણ્યમયી મનોમયીને જોયાં, તો તેની અંદર કામ જાગૃત થયો અને તે વ્યાકુળ થઈ ગયો. તેણે મનોમયીનો હાથ પકડી લીધો. મનોમયી હાથ છોડવા આજીજી કરવા લાગ્યા. તે જ સમયે ત્યાં સૌભરિ ઋષિ આવ્યા.
તેમણે ગંધર્વને શાપ આપતાં કહ્યું, 'તેં ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડયો છે, તેથી તું હવે મૂષક બનીને ધરતી પર જઈને ચોરી કરીને તારું પેટ ભરીશ.'
શાપથી વ્યથિત થઈને ગંધર્વે ઋષિને પ્રાર્થના કરી કે, 'હે ઋષિવર, અવિવેકને કારણે મેં તમારી પત્નીના હાથનો સ્પર્શ કર્યો છે, મને ક્ષમા આપો.'
ઋષિએ કહ્યું, 'કૌંચ, મારો શાપ વ્યર્થ નહીં થાય, પરંતુ તું દ્વાપરયુગમાં મહર્ષિ પારાશરને ત્યાં ગણપતિ દેવ ગજરૂપમાં પ્રગટ થશે. ત્યારે તું તેમનું વાહન બની જઈશ. ત્યારબાદ તારું કલ્યાણ થશે તથા દેવગણ પણ તારું સન્માન કરશે.'
ગાંધર્વ મૂષક તરીકે જન્મ લઈને ઋષિ પારાશરના સ્થાને ગયો. ત્યાં ભગવાન ગણેશનો અવતાર ગજાનન રહી રહ્યાં હતાં. મૂષક ત્યાં આજુબાજુ રહેનારા લોકોને હેરાન-પરેશાન કરતો હતો. ઋષિ પારાશરે ગજાનનને કહ્યું કે, 'મૂષકની સમસ્યામાંથી છુટકારો અપાવો.' ગજાનને મૂષકને પકડયો અને કહ્યું, 'મારે તારી પાસે કંઈ નથી જોઈતું. હું તારા પર સવારી કરીશ અને હું જ્યાં જાઉં ત્યાં તારે મારી સાથે આવવું પડશે.' તેથી મૂષક હંમેશાં ગણેશજીનાં ચરણોમાં રહે છે.
ગણેશજી અને મહાભારત
મહાભારત નામનું મહાકાવ્ય લખવાનો સમય આવ્યો ત્યારે સવાલ એ ઊભો થયો કે આટલી મહાન રચનાને કોણ લખી શકશે? કારણ કે ભગવાન વેદવ્યાસની ગતિ બહુ ઝડપી હતી. તેમને માત્ર ગણેશજી પર જ ભરોસો હતો, પરંતુ ભગવાન ગણેશ પણ એક શરતે લખવા માટે રાજી થયા કે તમારે બોલતાં-બોલતાં વચ્ચે અટકવાનું નહીં. જો વચ્ચે ક્યાંય પણ રોકાયા તો આ મહાકાવ્ય ક્યારેય પૂરું થઈ શકશે નહીં. ત્યારબાદ વેદવ્યાસજીએ પણ ચતુરાઈથી ગણેશજીને આગ્રહ કર્યો કે તેઓ કંઈ પણ સમજ્યા વગર લખશે નહીં.
ગણેશજી લહિયા બન્યા અને વેદવ્યાસ બોલે તેમ મહાભારતનું કાવ્ય લખવાનું શરૂ થયું. વ્યાસજીને કોઈ મુશ્કેલી થાય ત્યારે તેઓ કોઈ ને કોઈ શ્લોક એવો બોલે કે તેને સમજવામાં ગણેશજીને સમય લાગે અને આ રીતે મહાભારતનું મહાકાવ્ય લખવાનું પૂર્ણ થયું.
શ્રી ગણેશજીનાં સોળ નામ
ગણેશજીનાં સોળ નામ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ નામોનો પાઠ અથવા શ્રવણ કરવાથી વિદ્યારંભ, વિવાહ, ગૃહપ્રવેશ, યાત્રા કે કોઈ પણ શુભ કાર્યમાં ક્યારેય વિધ્ન આવતાં નથી.
* સુમુખ
* એકદંત
* કપિલ
* ગજકર્ણક
* લંબોદર
* વિકટ
* વિઘ્નનાશક
* વિનાયક
* ધૂમ્રકેતુ
* ગણાધ્યક્ષ
* ભાલચંદ્ર
* વિઘ્નરાજ
* દ્વૈમાતુર
* ગણાધિપ
* હેરમ્બ
* ગજાનન
ગણેશ ચતુર્થી પર ચંદ્રદર્શનના દોષનું નિવારણ
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન નિષેધ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે જાણે-અજાણે પણ ચંદ્રદર્શન કરવાથી વ્યક્તિને એક વર્ષ સુધી મિથ્યા કલંક લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ ચંદ્રદર્શનનો મિથ્યા કલંક લાગવાનું પ્રમાણ આપણાં શાસ્ત્રોમાં વિસ્તારથી ર્વિણત છે.
ગણેશપુરાણ અનુસાર ભાદ્રપદ સુદ ચતુર્થીના દિવસે ચંદ્રમા જોનાર પર કલંક અવશ્ય લાગે છે. એવું ગણેશજીનું વચન છે, તેથી ભૂલથી પણ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન ટાળવું જોઈએ. જો અજાણતા ચંદ્રદર્શન થઈ જાય તો તેના નિવારણ માટે શ્રીમદ્ ભાગવતના ૧૦મા સ્કંધ, ૫૬-૫૭મા અધ્યાયમાં ર્વિણત સ્યમંતક મણિની ચોરીની કથાનું શ્રવણ કરવું લાભકારક છે. તેનાથી ચંદ્રદર્શનથી લાગનારા મિથ્યા કલંકનો ખતરો રહેતો નથી.
ચંદ્રદર્શન દોષ નિવારણ માટે મંત્ર
જો ચતુર્થીના દિવસે અનિચ્છાથી પણ ચંદ્રદર્શન થઈ ગયા હોય તો તે વ્યક્તિએ નીચે જણાવેલા મંત્રથી પવિત્ર કરેલું જળ ગ્રહણ કરવું જોઈએ. મંત્રનો જપ ૨૧, ૫૪ અથવા ૧૦૮ વાર કરો. આમ કરવાથી વ્યક્તિ તત્કાળ શુદ્ધ થઈને નિષ્કલંક રહે છે.
મંત્ર
સિંહઃ પ્રસેનમવધીત્, સિંહો જામ્બવતા હતઃ ।
સુકુમાર મા રોદીસ્તવ, હ્યેષ સ્યમન્તકઃ ।।
અર્થાત્: સુંદર કુમાર! આ મણિ માટે સિંહે પ્રસેનને માર્યો હતો અને જામ્બવાને તે સિંહનો સંહાર કર્યો હતો, તેથી તમે રડશો નહીં. હવે આ સ્યમંતક મણિ પર તમારો જ અધિકાર છે. (બ્રહ્મવૈવર્ત પુરાણ, અધ્યાયઃ ૭૮)
પુરાણોમાં શ્રી ગણેશ
શાસ્ત્રો અને પુરાણોમાં સિંહ, મયૂર અને મૂષકને શ્રી ગણેશજીનું વાહન જણાવાયાં છે. ગણેશપુરાણના ક્રીડાખંડમાં ઉલ્લેખ છે કે-
* સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ છે. તેઓ દસ ભુજાવાળા, તેજસ્વી સ્વરૂપ તથા ભક્તોને વરદાન આપનારા છે અને તેમનું નામ વિનાયક છે.
* ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન મયૂર છે. તેઓ શ્વેત વર્ણના તથા છ ભુજાઓવાળા છે તથા ત્રણે લોકોમાં તેઓ મયૂરેશ્વર નામથી વિખ્યાત છે.
* દ્વાપરયુગમાં શ્રી ગણેશનું વાહન મૂષક છે. તેમનો વર્ણ લાલ અને ચાર ભુજાઓ છે તથા ગજાનન નામથી પ્રસિદ્ધ છે.
* કળિયુગમાં તેમનો ધૂમ્રવર્ણ અને બે ભુજાઓ છે. તેમનું વાહન ઘોડો છે તથા નામ ધૂમ્રકેતુ છે.