ગણપતિ સમસ્ત લોકોમાં સર્વ પ્રથમ પૂજાનારા એકમાત્ર દેવતા છે. તેઓ તમામ ગણના ગણાધ્યક્ષ હોવાને કારણે ગણપતિના નામથી પણ ઓળખાય છે. મનુષ્યોને જીવનમાં અનેક પ્રકારની રિદ્ધિ-સિદ્ધ, સુખની પ્રાપ્તિ તથા પોતાની આધ્યાત્મિક-ભૌતિક ઇચ્છાઓની પૂર્તિ માટે શ્રી ગણેશની પૂજા-અર્ચના તથા આરાધના અવશ્ય કરવી જોઈએ. ગણેશજીની પૂજા અનાદિકાળથી ચાલી આવી છે. આ સિવાય જ્યોતિષશાસ્ત્રો અનુસાર ગ્રહપીડા દૂર કરવા માટે ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવ દૂર થાય છે તથા શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
સૂર્ય
ગણેશજી સૂર્ય તેજ સમાન તેજસ્વી છે. તેમનું પૂજન કરવાથી સૂર્ય ગ્રહના પ્રતિકૂળ પ્રભાવનું શમન થાય છે તથા વ્યક્તિનાં તેજ, માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. તેનો યશ ચારે દિશાઓમાં ફેલાય છે. સૂર્ય પિતાનો કારક ગ્રહ હોવાથી પિતાના સુખમાં વૃદ્ધિ થાય છે અને વ્યક્તિનું આધ્યાત્મિક જ્ઞાન વધે છે.
ચંદ્ર
ગણપતિજી ચંદ્રમાની જેમ શાંતિ તથા શીતળતાના પ્રતીક છે. તેમના પૂજનથી ચંદ્રના પ્રતિકૂળ પ્રભાવનો નાશ થાય છે, જેથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. ચંદ્ર માતાનો કારક ગ્રહ હોવાથી ગણેશજીનું પૂજન કરવાથી માતૃસુખમાં વૃદ્ધિ થાય છે.
મંગળ
ભગવાન ગણેશ મંગળ ગ્રહની જેમ શક્તિશાળી તથા બળવાન છે. તેમના પૂજનથી મંગળ ગ્રહના અશુભ પ્રભાવ દૂર થાય છે અને વ્યક્તિના બળ-શક્તિમાં વૃદ્ધિ થાય છે. ગણેશજીના પૂજનથી ઋણમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિનાં સાહસ, બળ, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે, સાથે ભાઈના સુખમાં પણ વૃદ્ધિ થાય છે.
બુધ
શ્રી ગણેશ બુદ્ધિ અને વિવેકના અધિપતિ સ્વામી બુધ ગ્રહના અધિપતિ દેવ છે, તેથી વિદ્યા, બુદ્ધિપ્રાપ્તિ માટે ભગવાન શ્રી ગણેશની આરાધના ફળદાયી સિદ્ધ થાય છે. તેમના પૂજનથી વાક્શક્તિ અને તર્કશક્તિમાં વૃદ્ધિ થાય છે, સાથે બહેનના સુખમાં પણ વૃદ્ધિ થાય છે.
ગુરુ
ગજાનન ગુરુ સમાન ઉદાર, જ્ઞાની તથા બુદ્ધિકૌશલ્યમાં નિપુણ છે. ગણેશજીનું પૂજન-અર્ચન કરવાથી ગુરુ (બૃહસ્પતિ) ગ્રહ સંબંધિત પીડા દૂર થાય છે અને વ્યક્તિના આધ્યાત્મિક જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ધન-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે, સાથે પતિના સુખમાં પણ વૃદ્ધિ થાય છે.
શુક્ર
ગણેશજી ધન, ઐશ્વર્ય તથા સંતાન પ્રદાન કરનારા શુક્ર ગ્રહના અધિપતિ છે. ગણપતિજીના પૂજનથી શુક્રના અશુભ પ્રભાવોનું શમન થાય છે. વ્યક્તિનાં ભૌતિક સુખ અને સુંદરતામાં વૃદ્ધિ થાય છે, સાથે પતિના સુખમાં વૃદ્ધિ થાય છે.
શનિ
ગણપતિજી શિવજીના પુત્ર છે. શિવજી શનિ ગ્રહના ગુરુ છે. ગણપતિજીનું પૂજન કરવાથી શનિ ગ્રહ સંબંધિત પીડા દૂર થાય છે.
રાહુ-કેતુ
ભગવાન શ્રી ગણેશનું મુખ હાથીનું અને બાકીનું શરીર પુરુષનું છે, તેથી તેઓ રાહુ તથા કેતુના દેવતા છે. તેમના પૂજનથી રાહુ અને કેતુ ગ્રહના દોષોનું શમન થાય છે.
જન્મકુંડળીમાં કોઈ પણ ગ્રહ નીચ હોય કે પીડા આપતો હોય તો ભગવાન શ્રી ગણેશની આરાધના કરવાથી આ તમામ ગ્રહોનો અશુભ પ્રભાવ દૂર થાય છે તથા શુભ ફળ મળે છે.
No comments:
Post a Comment