ભગવાન શ્રી ગણેશની પૂજામાં દૂર્વાનું ખૂબ જ મહત્ત્વ છે. દૂર્વા એ એક પ્રકારનું ઘાસ છે, જેનો ઉપયોગ પૂજનમાં થાય છે. એકમાત્ર ગણેશજી જ એવા દેવ છે જેમને દૂર્વા ચઢાવવામાં આવે છે. દૂર્વા ચઢાવવાથી ગણપતિજી બહુ પ્રસન્ન થાય છે. દૂર્વા ગણેશજીને અતિશય પ્રિય છે. ભગવાન ગણેશજીની પૂજામાં દૂર્વા ચઢાવવાનું વિધાન છે. એવી માન્યતા છે કે શ્રી ગણેશની પૂજામાં જો દૂર્વા ન હોય તો તેમની પૂજા પૂર્ણ થતી નથી. દૂઃ+અવમ્ શબ્દોથી દૂર્વા બને છે. દૂઃ એટલે દૂરસ્થ તથા અવમ્ એટલે જે પાસે લાવે છે તે.
ગણેશજીને પૂજનમાં જે દૂર્વા ચઢાવવામાં આવે તે કોમળ હોવી જોઈએ. આ પ્રકારની દૂર્વાને બાલતૃણમ્ કહેવાય છે. દૂર્વા સુકાઈ જાય પછી તે સામાન્ય ઘાસ જેવી બની જાય છે. દૂર્વાને વિષમ સંખ્યા (જેમ કે ૩, ૫, ૭)માં અર્પણ કરવી જોઈએ. પંચદેવ ઉપાસનામાં પણ દૂર્વાનું ઘણું મહત્ત્વ છે. શ્રી ગણેશને દૂર્વા આટલી બધી પ્રિય શા માટે છે તેની પાછળ એક પૌરાણિક કથા રહેલી છે.
પુરાણોમાં એવી કથા જોવા મળે છે કે પૃથ્વી પર અનલાસુર રાક્ષસના ઉત્પાતથી ત્રસ્ત થઈને ઋષિ-મુનિઓએ ઇન્દ્રને રક્ષણ કરવા પ્રાર્થના કરી. ઇન્દ્ર અને અનલાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું, પરંતુ ઇન્દ્ર પણ તેને પરાસ્ત ન કરી શક્યા ત્યારે બધા જ દેવતાઓ ભેગા થઈને ભગવાન શિવની પાસે ગયા તથા અનલાસુરનો વધ કરવા માટે અનુરોધ કર્યો. શિવજીએ કહ્યું અનલાસુરનો નાશ માત્ર શ્રીગણેશ જ કરી શકે છે. ત્યારબાદ દેવતાઓએ ભગવાન શ્રી ગણેશની સ્તુતિ કરી. જેનાથી પ્રસન્ન થઈને ગણપતિજી અનલાસુરને ગળી ગયા. અનલાસુરને ગળી જવાને કારણે ગણેશજીના પેટમાં બળતરા થવા લાગી. ત્યારે ઋષિ કશ્યપે ૨૧ દૂર્વાની ગાંઠ તેમને ખવડાવી અને તેનાથી તેમના પેટની બળતરા શાંત થઈ.
આ માન્યતાને કારણે શ્રી ગણેશને દૂર્વા અર્પણ કરવામાં આવે છે. શ્રી ગણેશજીને દૂર્વા ચઢાવીને પૂજા કરવાથી પૂજા શીઘ્ર ફળદાયી બને છે.
વિનાયકને ૨૧ દૂર્વા ચઢાવતી વખતે નીચેના દસ મંત્રો બોલો એટલે કે એક મંત્રની સાથે બે દૂર્વા ચઢાવવી અને છેલ્લે બચેલી દૂર્વા ચઢાવતી વખતે બધા જ મંત્ર એક વાર બોલો. મંત્ર આ પ્રમાણે છે.
* ૐ ગણાધિપતાય નમઃ ।
* ૐ ઉમાપુત્રાય નમઃ ।
* ૐ વિઘ્નનાશનાય નમઃ ।
* ૐ વિનાયકાય નમઃ ।
* ૐ ઈશપુત્રાય નમઃ ।
* ૐ સર્વસિદ્ધિપ્રદાય નમઃ ।
* ૐ એકદન્તાય નમઃ ।
* ૐ ઈભવક્ત્રાય નમઃ
* ૐ મૂષકવાહનાય નમઃ ।
* ૐ કુમારગુરવે નમઃ ।
No comments:
Post a Comment