My Frnds

Flag Counter

Sunday, 7 October 2012

શ્રાદ્ધપક્ષ પિતૃઓને પ્રસન્ન કરવાનો સમય




કવર સ્ટોરી - પ્રશાંત પટેલ

પિતૃઓના આત્માની શાંતિ માટે જે કર્મ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધપક્ષ ૧૬ દિવસનો હોય છે. ભાદરવા સુદ પૂનમથી લઈને ભાદરવા વદ અમાસ સુધી ચાલનારા શ્રાદ્ધપક્ષમાં અલગ-અલગ તિથિઓ આવે છે. જે વ્યક્તિનું જે તિથિએ અવસાન થયું હોય તે તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પ્રસન્ન થઈને શ્રાદ્ધકર્મ કરનારને ધન-ધાન્ય, પુત્ર-પૌત્ર તથા યશ આપે છે

આસંસારમાં આપણાં ઉપર જો કોઈનું સૌથી વધારે ઋણ હોય તો તે છે આપણાં માતા-પિતા અને પૂર્વજોનું ઋણ. આપણાં

માતા-પિતા જ આપણા માટે સંપૂર્ણ બ્રહ્માંડ છે. શ્રી ગણેશજીએ પોતાનાં માતા-પિતાને વચ્ચે બેસાડીને ચાર વાર પ્રદક્ષિણા કરીને એ વાતને સિદ્ધ કરી છે કે માતા-પિતા જ આપણું સમગ્ર બ્રહ્માંડ છે. આજના સમયમાં પણ લોકો પોતાનાં માતા-પિતા અને પૂર્વજોને યાદ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવાની પરંપરા પણ છે. શ્રદ્ધાપૂર્વક પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવતા કર્મને શ્રાદ્ધ કહેવામાં આવે છે અને આ શ્રાદ્ધકર્મ કરવા માટે સૌથી વધારે ઉત્તમ સમય પિતૃપક્ષને માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં પિતૃપક્ષનો મહિમા
એવી માન્યતા છે કે શ્રાદ્ધપક્ષ દરમિયાન યમરાજ બધા જ પિતૃઓને મુક્ત કરે છે, જેથી તેઓ પોતાનાં સંતાન દ્વારા શ્રાદ્ધ નિમિત્તે ભોજન કરી શકે.

ગરુડપુરાણ અનુસાર શ્રાદ્ધકર્મ કરવાથી સંતુષ્ટ થઈને પિતૃઓ મનુષ્યો માટે આયુષ્ય, પુત્ર, યશ, મોક્ષ, સ્વર્ગ,

કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, પશુધન, સુખ તથા ધન-ધાન્યમાં વૃદ્ધિ થવાની આશિષ આપે છે.

યમસ્મૃતિમાં લખ્યું છે કે પિતા, દાદા, પરદાદા ત્રણે શ્રાદ્ધની એવી આશા રાખે છે, જે રીતે વૃક્ષ પર રહેતાં પક્ષી વૃક્ષો પર ઊગનારાં ફળની રાખે છે. બ્રાહ્મણને પૃથ્વી પરના ભૂદેવ કહેવામાં આવ્યા છે. તેની જઠરાગ્નિ પિતૃઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પિતૃ જે યોનિમાં હોય તે રૂપમાં તેમને અન્ન મળી જાય છે, તેથી જ બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી દક્ષિણા આપીને સંતુષ્ટ કરવાનું વિધાન છે.

પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ.

શ્રાદ્ધ કેવી રીતે કરશો?
ભારતમાં કોઈ પણ પવિત્ર તીર્થ પર જઈને પિતૃની તિથિએ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કર્મકાંડ કરીને સૌથી પહેલાં તીર્થના દેવતા, સમસ્ત ઋષિ-મુનિઓ, પિતૃઓ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરો. ઉત્તર તથા દક્ષિણ દિશામાં ક્રમશઃ દેવ, ઋષિ, યમ, પિતૃ વગેરેનું તર્પણ વૈદિક નીતિ-નિયમ પ્રમાણે શાંતચિત્તે કરવું જોઈએ.

કેવી રીતે જાણશો પિતૃઓ અતૃપ્ત છે?
પરિવારમાં અસ્થિરતાનું વાતાવરણ રહેતું હોય, માનસિક તણાવ રહ્યા કરતો હોય, તો મત્સ્ય પુરાણ અનુસાર ઘરના પિતૃ અતૃપ્ત છે તેમ સમજવું જોઈએ.

પિતૃઓ કેવી રીતે તૃપ્ત થાય?
તીર્થસ્થળે તર્પણ, સપિંડ શ્રાદ્ધ તથા પિતૃદોષ હોય તો નારાયણ-નાગબલિ કર્મ દ્વારા સપિંડ શ્રાદ્ધ તથા તેના નિમિત્તે બ્રાહ્મણ ભોજન, કન્યાને ભોજન અને વસ્તુનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન અને તૃપ્ત થાય છે.

કાગડાને અન્ય પક્ષીઓની અપેક્ષાએ તુચ્છ માનવામાં આવે છે, પરંતુ શ્રાદ્ધપક્ષમાં ખીર-પુરી સૌથી પહેલાં તેમને જ આપવામાં આવે છે, જેને કાગવાસ પણ કહે છે, કારણ કે કાગડા અને પીપળાના વૃક્ષને પિતૃઓનું પ્રતીક માનવામાં આવે છે.

શ્રાદ્ધકર્તા માટે આટલું ર્વિજત
* નિષિદ્ધ પદાર્થઃ પાનનું સેવન, તેલની માલિશ, સમાગમ, કોઈ પણ જાતની ઔષધીનું સેવન તથા અન્યનું અન્ન.

* નિષિદ્ધ ધાતુઃ શ્રાદ્ધમાં તાંબાના પાત્રનું વિશેષ મહત્ત્વ છે, તેથી શક્ય હોય ત્યાં સુધી રસોઈ બનાવવાથી લઈને ભોજન કરવા સુધીનાં બધાં જ પાત્રો તાંબાનાં રાખવાં. લોખંડ, સ્ટીલ વગેરે ધાતુમાંથી બનેલાં વાસણોનો ઉપયોગ કરવો નહીં.

* નિષિદ્ધ પુષ્પઃ બીલીપત્ર, કદંબ તથા અન્ય લાલ રંગનાં અને તીવ્ર ગંધવાળાં ફૂલોનો શ્રાદ્ધકાર્ય કે વિધિમાં ઉપયોગ કરવો નહીં. તમે ઇચ્છો તો કમળ, માલતી, જૂહી, ચંપો તથા સુગંધિત સફેદ રંગનાં ફૂલોનો ઉપયોગ કરી શકો છો.

* નિષિદ્ધ અન્નઃ શ્રાદ્ધકાળમાં ચણા, મસૂર, કાળું જીરું, સંચળ, કાળી અડદ, રાઈ તથા સરસિયાના તેલનો ભોજનમાં ઉપયોગ કરવો નહીં.

શ્રાદ્ધમાં કથા-શ્રવણ
શ્રાદ્ધપક્ષ દરમિયાન પુરુષ સૂક્ત, શ્રી સૂક્ત, સૌપર્ણાખ્યાન, મૈત્રાવરુણાખ્યાન, રુદ્રસૂક્ત, એન્દ્રસૂક્તં, સપ્તાર્ચિસ્તવ, ગાયત્રી પાઠ તથા મધુમતિ સૂક્તં વગેરેનું પઠણ-શ્રવણ મન, બુદ્ધિ તથા કર્મની શુદ્ધિ માટે ઔષધિનું કામ કરે છે.

શું છે પિતૃદોષ?
જન્મકુંડળીનું નવમું ઘર જેને પિતાના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાન પિતાના સુખ, આયુષ્ય તથા સમૃદ્ધિનું કારક હોય છે સાથે વ્યક્તિનું ભાગ્ય, ઉન્નતિ અને ધર્મસંબંધી બાબતો જણાવે છે.

સૂર્ય પિતાનો કારક ગ્રહ છે તથા વ્યક્તિની ઉન્નતિ વગેરે તેના પ્રભાવમાં આવતા ક્ષેત્ર છે. સૂર્યની સાથે જો રાહુ જેવા પાપગ્રહ આવી જાય તો ગ્રહણ યોગ બને છે, તેથી વ્યક્તિને અનેક પ્રકારનાં કષ્ટો થાય છે. તેના ભાગ્યોદયમાં બાધા આવે છે. તેને કાર્યક્ષેત્રમાં પણ સંકટોનો સામનો કરવો પડે છે. સરળ રીતે સમજીએ તો જન્મકુંડળીના નવમા ઘરમાં સૂર્ય અને રાહુ ગ્રહ હોય તો તેને પિતૃદોષ કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે પૂર્વ જન્મનાં પાપોના કારણે અથવા પિતૃઓના શાપને કારણે આ દોષ લાગે છે.

પિતૃદોષ નિવારણના ઉપાય
* દરેક મહિનાની અમાસે એક બ્રાહ્મણને ભોજન કરાવવાથી તથા વસ્ત્ર-દક્ષિણા ભેટ આપવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે.

* પવિત્ર સ્થાન પર જઈને નારાયણ-નાગબલિની વિધિ કર્મકાંડી બ્રાહ્મણ પાસે કરાવવી જોઈએ.

* દાદા, પિતા, કાકા, મોટાભાઈ વગેરેનો આદર કરવાથી, તેમનાં ચરણ સ્પર્શ કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે અને પિતૃદોષ ઓછો થાય છે.

* સૂર્ય એ પિતાનો કારક ગ્રહ છે, તેથી તેની સાનુકૂળતા મેળવવા માટે માણેક રત્ન ધારણ કરવું જોઈએ.
* ભગવાન દત્તાત્રેયનું ચિત્ર તથા મૂર્તિની દરરોજ પૂજા કરવી તથા 'શ્રી ગુરુદેવ દત્ત' મંત્રનો જપ કરવો.

* ઘરના પુરુષે પિતૃપક્ષમાં દરરોજ પિતૃઓને જળ-તલ તર્પણ દ્વારા શ્રાદ્ધ કરવું જોઈએ.

* ઘરની કોઈ પણ વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી કાળા રંગનાં વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

* સૂર્યોદયના સમયે કોઈ આસન પર ઊભા રહીને સૂર્ય દેવતાને પ્રણામ કરો. ગાયત્રી મંત્રનો જપ કરવાથી પણ સૂર્ય બળવાન બને છે.

* ઘરની દક્ષિણ દિશાની દીવાલ પર પૂર્વજોના ફોટા લગાવવા જોઈએ તથા આ દિશામાં પગ રાખીને સૂવું જોઈએ નહીં.

રાશિ અનુસાર પિતૃદોષના ઉપાયો
જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તમે તમારી રાશિ પ્રમાણે ઉપાયો કરી શકો છો. કેટલાક ઉપાયો આ પ્રમાણે છે.

મેષઃ પીપળાના વૃક્ષને સવારે જળ સીંચવું તથા સાંજે દીવો કરવો.

વૃષભઃ નવદુર્ગાનું પૂજન કરો તથા કુંવારી કન્યાઓને ખીર ખવડાવવી.

મિથુનઃ કોઈ ગરીબ કન્યાના વિવાહમાં કે તે બીમાર હોય ત્યારે યથાશક્તિ મદદ કરવી.

કર્કઃ દૂધ તથા અડદમાંથી બનેલી વાનગીનું દાન કરવું.

સિંહઃ અન્ન અથવા પલંગ (ખાટલો)નું દાન કરવું.

કન્યાઃ શિવ પૂજન કરવું અથવા ગીતાનો પાઠ કરવો.

તુલાઃ સિંદૂર, તલ, તેલ તથા અડદનું ગરીબને દાન કરવું.

વૃશ્ચિકઃ કમળનું ફૂલ તથા ગૂગળની આહુતિ આપીને હવન કરો.

ધનઃ કુળ દેવતાની પૂજા-અર્ચના કરવી જોઈએ.

મકરઃ રુદ્ર પૂજન અથવા શિવમહિમ્ન સ્ત્રોતનો પાઠ કરવો.

કુંભઃ પિતૃતર્પણ તથા ગીતા પાઠ કરો.

મીનઃ ભગવાન ગણેશ અથવા હનુમાનજી અથવા ભૈરવજીનો પાઠ કરો.

તર્પણ માટેનાં તીર્થ
તીર્થસ્થાનો પર સવિધિ પિંડદાન તથા તર્પણ કરવા માટે પિતૃ ક્ષેત્રોને પુરાણો અનુસાર બોધિગયા, નાભિગયા અથવા વૈતરણી, પદગયા અથવા પીઠાપુર, માતૃગયા અથવા સિદ્ધપુર અને બદરીનાથ એમ પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યાં છે.

બોધગયા
બોધગયા ખૂબ જ પ્રાચીન, પ્રસિદ્ધ, પવિત્ર તીર્થસ્થાન છે. જ્યાં પૂર્વજોનું પિંડદાન કરવામાં આવે છે. તે બિહાર રાજ્યમાં ફલ્ગુ નદીના કિનારે મગધ ક્ષેત્રમાં આવેલું છે. બોધિગયાને વિષ્ણુનગરી પણ કહે છે. અહીં અક્ષયવટ સ્થાન છે જ્યાં પિતૃઓ નિમિત્તે કરવામાં આવેલું દાન અક્ષય હોય છે. પિતૃગણ એવી આશા રાખતા હોય છે કે તેઓ ગયામાં પિંડદાન કરે અને પિતૃઋણમાંથી મુક્ત બને.

નાભિગયા અથવા વૈતરણી
ઓરિસ્સા રાજ્યમાં વૈતરણી નદીના કિનારે જાજપુર ગામમાં નાભિગયા આવેલું છે. વૈતરણી નદી વિશે પુરાણોમાં કહેવાયું છે કે મૃત્યુ બાદ દરેક વ્યક્તિએ આ નદીને પાર કરવી જ પડે છે. જો વ્યક્તિએ પોતાના જીવનમાં શુભ કર્મ કર્યાં હોય તો તે આ નદીને સરળતાથી પાર કરી શકે છે. આ સ્થાન પર પિતૃતર્પણ, પૂજા કરીને આપણા પૂર્વજોને આ નદી પાર કરાવી શકીએ છીએ.

પદગયા અથવા પીઠાપુર
તમિલનાડુ રાજ્યમાં પીઠાપુરમાં રાજમંદિર સ્ટેશન પાસે આ સ્થાન આવેલું છે. અહીં પિતૃતર્પણની વિધિ કરાવવાથી પિતૃઋણમાંથી મુક્તિ મળે છે.

માતૃગયા અથવા સિદ્ધપુર
માતૃગયા ગુજરાત રાજ્યમાં મહેસાણા નજીક આવેલું છે. એવું કહેવાય છે કે ભગવાન પરશુરામે પોતાની માતાનું પિંડદાન અહીં કર્યું હતું. અહીંના બિંદુ સરોવરના કિનારે પિંડદાન તથા પૂજન કરવામાં આવે છે. આ સિવાય ભરૂચ પાસે આવેલા ચાણોદને પિતૃતર્પણ માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે.

બદરીનાથ
હિમાલયના પહાડોમાં બદરીનાથ નજીક એક શિલા આવેલી છે જેનું નામ બ્રહ્મકપાલી છે. એવું કહેવામાં આવે છે કે અહીં પિંડદાન તથા શ્રાદ્ધ કરવામાં આવે તો ફરીથી શ્રાદ્ધ કરવાની કોઈ જરૂર રહેતી નથી.

શ્રાદ્ધના પ્રકાર
નિત્ય શ્રાદ્ધઃ દરરોજ શ્રદ્ધા તથા વિશ્વાસપૂર્વક કરવામાં આવતાં દેવપૂજન, માતા-પિતા તથા ગુરુજનોનાં પૂજનને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે.

કામ્ય શ્રાદ્ધઃ કોઈ કામનાની પૂર્તિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ.

વૃદ્ધ શ્રાદ્ધઃ વિવાહ કે અન્ય પ્રસંગે ઘરના વડીલો કે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવતું શ્રાદ્ધ.

સપિંડ શ્રાદ્ધઃ સન્માનની ઇચ્છાથી કરવામાં આવતું શ્રાદ્ધ.

ગૌષ્ઠ શ્રાદ્ધઃ ગૌશાળામાં ગાયની સેવા સ્વરૂપે કરવામાં આવતું શ્રાદ્ધ.

કર્માંગ શ્રાદ્ધઃ ભાવિ સંતતિ માટે કરવામાં આવતાં ગર્ભાધાન, સોમયાગ, સીમંતોન્નયન વગેરે સંસ્કાર.

દૈદિક શ્રાદ્ધઃ દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરાતું શ્રાદ્ધ.

શુદ્ધિ શ્રાદ્ધઃ કોઈ પાપકર્મના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે કરવામાં આવતું શ્રાદ્ધ.

તૃષ્ટિ શ્રાદ્ધઃ યાત્રાએ જઈ રહેલા સંબંધીની કુશળતાની કામનાથી કરવામાં આવનારું દાન-પુણ્ય.

પર્વ શ્રાદ્ધઃ અમાસ વગેરે પર્વો પર મંત્રપૂર્વક કરવામાં આવતું શ્રાદ્ધ.

1 comment:

  1. Slots, video poker and video poker machines - DrmCD
    I started playing 충청북도 출장안마 video 제천 출장샵 poker 강원도 출장마사지 for years before they became the best and 안동 출장마사지 most popular casino games. With a 춘천 출장마사지 simple concept of playing games and being

    ReplyDelete