SANDESH- Career - 15-10-12
Study Option - Prashant Patel
આફત કુદરતી હોય કે માનવસર્જિત, ક્યારેય કોઈને પૂછીને નથી આવતી. આફતો મનુષ્ય જીવન, પશુ-પક્ષીઓ, વાતાવરણ અને ધન-સંપત્તિને નુકસાન પહોંચાડે છે. આકસ્મિક આવી ચઢેલી આફતો મનુષ્યને પાંગળો બનાવી દે છે. નિસહાય અને લાચાર મનુષ્યો (ભોગ બનનાર લોકો) ને પોતાના પગ પર ફરીથી ઊભા કરવાનું એટલે કે મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાનું કામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ કરે છે. આજે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં આવા પ્રોફેશનલ્સની ખૂબ જ માંગ છે. તેથી આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી એ કોઈ ખોટનો સોદો નથી.
કુદરતી કે માનવસર્જિત આફતો ધન-સંપત્તિને નુકસાન તો પહોંચાડે જ છે સાથે જન-જીવનને પણ અસ્તવ્યસ્ત કરી દે છે. આ જનજીવનને ફરીથી પાટા પર લાવવાનું કામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો કરે છે. સરકાર, એનજીઓ, ખાનગી સંસ્થાઓ આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટને પ્રાથમિકતા આપી રહ્યાં છે. આ જ કારણે આ ક્ષેત્રમાં યોગ્ય તાલીમ મેળવેલા પ્રોફેશનલ્સની માંગ વધી રહી છે. બારમું ધોરણ પાસ કર્યાં પછી અથવા ગ્રેજ્યુએશન કર્યાં પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
શૈક્ષણિક યોગ્યતા
* સર્ટિફિકેટ કોર્સ માટે ઓછામાં ઓછી યોગ્યતા ધોરણ-૧૨ પાસ છે.
* માસ્ટર ડિગ્રી અથવા પીજી ડિપ્લોમા માટે સ્નાતક હોવું જરૂરી છે.
* એમબીએ કોર્સ કરવા માટે સ્નાતક હોવું જરૂરી છે.
* કેટલીક સંસ્થાઓ સર્ટિફિકેટ કોર્સ પણ ચલાવે છે જેમાં ધોરણ-૧૨ પછી પ્રવેશ મેળવી શકાય છે.
* માઈનિંગ, કેમિકલ ડિઝાસ્ટર અને ટેકનિકલ ડિઝાસ્ટરમાં સ્પેશ્યલાઈઝેશન કરી શકાય છે.
વિશેષ યોગ્યતા
* વિવિધ પ્રકારની આફતો કે સંકટો વિશે પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે.
* કમ્પ્યુટર અને અન્ય ઉપયોગી ઈક્વિપમેન્ટ્સના ઉપયોગનું જ્ઞાન હોવું જોઈએ.
* કોઈ પણ પરિસ્થિતિમાં થાક્યા વગર કામ કરવાનો જુસ્સો હોવો જોઈએ.
* ટીમ સ્પીરિટ અને મેનેજમેન્ટનો ગુણ હોવો જરૂરી છે.
* કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવાની તૈયારી.
મુખ્ય કોર્સ
* સર્ટિફિકેટ કોર્સ ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
* ડિપ્લોમા ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
* એમએ ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
* એમબીએ ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
* પીજી ડિપ્લોમા ઈન ડિઝાસ્ટર મેનેજમેન્ટ.
નોકરી ક્યાં મળશે?
ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં નોકરીની અઢળક તક રહેલી છે. સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં નોકરી સરળતાથી મળી રહે છે.
* સરકારી સેવાઓ.
* લો ઈન્ફોર્સમેન્ટ.
* લોકલ ઓથોરિટીઝ.
* રિલીફ એજન્સીઓ.
* ખાનગી ક્ષેત્રમાં કેમિકલ, માઈનિંગ, પેટ્રોલિયમ જેવી જોખમી ઈન્ડસ્ટ્રીઝમાં કામ મળી શકે છે. સામાન્ય રીતે આવી ઈન્ડસ્ટ્રીઝમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ હોય છે.
* આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે રેડક્રોસ અને યૂએન વગેરેમાં કામ કરી શકો છો.
* અનુભવ મેળવ્યા બાદ પોતાની કંપની શરૂ કરી શકો છો અથવા કન્સલ્ટિંગ એજન્સી પણ ખોલી શકો છો.
કામકાજ
* ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોફેશનલનું મુખ્ય કામ કુદરતી અથવા માનવસર્જિત સંકટ કે આફતના સમયે ભોગ બનેલા લોકોનો જીવ બચાવવો, પ્રાથમિક સારવાર આપવી, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી અને તેમને ફરીથી મુખ્ય ધારામાં પાછા લાવવાનું છે. તેના માટે સરકાર અને કેટલીક એજન્સીઓ દ્વારા જરૂરી નાણાં ફાળવવામાં આવે છે.
* સરકારી એજન્સી તરીકે ગૃહમંત્રાલય મુખ્ય ભૂમિકા ભજવે છે. કુદરતી અથવા માનવસર્જિત આફતના સમયે તે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કાર્ય સંભાળે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ એવું છે જેનાથી આપણને નોકરી કરવા ઉપરાંત સમાજને અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કર્યાનો સંતોષ પણ મળે છે. આ માત્ર નોકરી નથી પણ એક પ્રકારની સેવા છે અને એ રીતે તમે રાષ્ટ્રના નિર્માણમાં પણ ભાગીદાર બની શકો છો.
શૈક્ષણિક સંસ્થાઓ
ભારતભરની વિવિધ સંસ્થાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સર્ટિફિકેટથી લઈને એમબીએ સુધીના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જ્યાં કોર્સનો સમયગાળો અને ફીનું ધોરણ જુદું-જુદું હોય છે.
* ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈકોલોજી એન્ડ એન્વાયર્ન્મેન્ટ, નવી દિલ્હી.
* સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પૂણે.
* ડિઝાસ્ટર મિટિગેશન ઈન્સ્ટિટયૂટ, અમદાવાદ.
* નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નવી દિલ્હી.
* સેન્ટર ફોર સિવિલ ડિફેન્સ કોલેજ, નાગપુર.
* એન્વાયર્ન્મેન્ટ પ્રોટેક્શન ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ, હૈદરાબાદ.
* નાલંદા ઓપન યુનિવર્સિટી, પટણા.
* ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નૂ), દિલ્હી.
* સેન્ટર ફોર ડિઝાસ્ટર મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ, ચેન્નઈ.
કરિયર વિકલ્પ
રિલીફ એન્ડ ડેવલપમેન્ટ એન્જિનિયરિંગ
આફતના સમયે સૌથી વધારે નુકસાન બિલ્ડિંગ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ટરને થાય છે, તેથી વિપત્તિ કે આફત આવી ગયાની થોડી જ ક્ષણોમાં રિલીફ એન્ડ ડેવલપમેન્ટ એન્જિનિયર પાણીનો સપ્લાય, સાફ-સફાઈ અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે.
રિસ્ક એસેસમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સેફ્ટી
ઘણી કંપનીઓને પોતાના કર્મચારીઓ તથા સામાન્ય જનતાની સુરક્ષા પ્રદાન કરવાની જરૂર હોય છે. નિર્માણ, રસાયણ, પેટ્રોલિયમ, જળ, આવાગમન અને પરમાણુ ઉદ્યોગોની સાથે સાથે સરકારી એજન્સીઓમાં પણ ડિઝાસ્ટર પ્રોફેશનલ્સની જરૂર હોય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ આવી કંપનીઓ કે ઉદ્યોગોમાં સરળતાથી નોકરી મેળવી શકે છે.
રિલીફ એન્ડ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ
રાહતના કામમાં જોડાયેલા પ્રોજેક્ટ મેનેજર સમાજની જરૂરિયાતો પ્રત્યે જવાબદાર હોય છે. જેમ કે, તેમને મુશ્કેલ સ્થિતિમાં ખાદ્ય પદાર્થો, રાહત, શરણ લઈ શકાય તેવી જગ્યા બનાવવા માટે મળતા કે આવનારા સામાનનું યોગ્ય વિતરણ કરવાનું કામ કરવાનું હોય છે. આ સામાન વિદેશ કે પછી દેશના અન્ય કોઈ પ્રદેશમાંથી મદદ માટે આવી શકે છે.
હેલ્થ મેનેજમેન્ટ
કેટલીક સરકારી, ખાનગી તથા એનજીઓનો હેતુ કે ફોકસ માત્ર પ્રાથમિક સ્વાસ્થ્ય પર જ હોય છે. આ ક્ષેત્રમાં પ્રોજેક્ટ મેનેજર પાસે ઉત્તમ કામગીરીની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી તેનામાં વિવિધ પ્રકારનું કૌશલ્ય હોવું જોઈએ જેમ કે, સામાન્ય જનતા સ્વાસ્થ્ય અને મહામારીની જાણકારી, લોજિસ્ટિકનું ડિસ્ટ્રીબ્યુશન, ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ, આપદા ક્ષેત્રમાં સુરક્ષા સંબંધી બાબતો, રાજકારણ અને કાયદો વગેરે.
ઈમર્જન્સી પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ
ઈમર્જન્સી પ્લાનર જોખમોને ઓળખે છે અને તેનાથી બચવાનો પ્લાન બનાવે છે. તેમાં ખરાબ વાતાવરણ, વાવાઝોડું, રાસાયણિક વિસ્ફોટ અથવા આતંકવાદી ખતરાનો સમાવેશ થાય છે. ઈમર્જન્સી પ્લાનરે પહેલેથી જ લોકોની ભૂમિકાઓ, જવાબદારીઓ, સંચાર (વાતચીત કે સંદેશો આપવા)ની રીત અને મેનેજમેન્ટની પ્રક્રિયા નક્કી કરવાની હોય છે.
રિસ્ક એન્ડ બિઝનેસ કન્ટિન્યુટી મેનેજમેન્ટ
એક રિસ્ક એન્ડ બિઝનેસ કન્ટિન્યુટી મેનેજરને સંસ્થા કે કંપનીની અંદર અને બહારની દુનિયા સાથેના સંબંધ સાથે જોડાયેલ પ્રોસેસ અને મેનેજમેન્ટ સિસ્ટમની જાણકારી હોવી જોઈએ. તેના માટે તેનામાં સંસ્થાનાં આંતરિક જોખમોને સારી રીતે ઓળખવાની ક્ષમતા હોવી જોઈએ. તેણે બધી બાબતો ધ્યાનમાં રાખીને આંતરિક સિસ્ટમને મજબૂત રાખવાનું તથા સંકટની સ્થિતિમાં સંસ્થાનું કામ રોકાય નહીં તે સુનિશ્ચિત કરવાનું હોય છે.
prashantvpatel2011@gmail.com
No comments:
Post a Comment