SANDESH- Career- 24-10-12
Study Option- Prashant patel
જર્નાલિઝમનું ક્ષેત્ર હંમેશાંથી યુવાઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આજે જે રીતે નવી નવી ન્યૂઝ ચેનલ્સ, ઈન્ટરનેટ અને ન્યૂઝપેપરનો વિસ્તાર થઈ રહ્યો છે, તેને જોતાં આ ક્ષેત્રમાં રોજગારની તક વધી રહી છે. જર્નાલિઝમનું ક્ષેત્ર પૈસા સાથે પ્રતિષ્ઠા આપનારું છે. જર્નાલિસ્ટ દ્વારા સામાન્ય લોકોને સમાજ અને દેશમાં બની રહેલી વિવિધ ઘટનાઓની સ્પષ્ટ અને સાચી જાણકારી મળી શકે છે
જર્નાલિઝમને મીડિયાને આધારે બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે પ્રિન્ટ જર્નાલિઝમ અને બીજું છે ઇલેક્ટ્રોનિક જર્નાલિઝમ. પ્રિન્ટ જર્નાલિઝમ અંતર્ગત ન્યૂઝપેપર, મેગેઝિન વગેરે આવે છે. જ્યારે ઇલેક્ટ્રોનિક જર્નાલિઝમમાં રેડિયો, ટેલિવિઝન તથા વેબસાઇટનો સમાવેશ થાય છે. પ્રિન્ટ જર્નાલિઝમમાં તમે એડિટર, રિપોર્ટર, કોલમિસ્ટ, કોરસ્પોન્ડન્ટ વગેરે તરીકે કામ કરી શકો છો.
શૈક્ષણિક યોગ્યતા
* જર્નાલિઝમમાં બેચલર ડિગ્રી મેળવવા માટે ઓછામાં ઓછું ધોરણ ૧૨ પાસ હોવું જરૂરી છે.
* પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ મેળવવા માટે જર્નાલિઝમમાં બેચલર ડિગ્રી હોવી જરૂરી છે.
* ઘણી સંસ્થાઓમાં સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ ચાલતા હોય છે. જેમાં ધોરણ ૧૨ પાસ હોવું જરૂરી છે.
* કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન પછી ડિપ્લોમા કોર્સ કરી શકાય છે.
* જર્નાલિઝમમાં કેટલાક વિષયોમાં સ્પેશિયલાઇઝ્ડ કોર્સ કરાવવામાં આવે છે. જેમ કે સ્પોર્ટ્સ, ફોટો, પ્રેસ લો વગેરે.
વ્યક્તિગત કૌશલ્ય
જર્નાલિઝમ કરિયર બનાવવાની ઇચ્છા રાખનાર વિદ્યાર્થીઓમાં કેટલાક વિશેષ ગુણોનું હોવું બહુ જરૂરી હોય છે. જેમ કે-
* તમારી અંદર કરંટ અફેર્સ જાણવામાં રુચિ હોવી જોઈએ.
* ઉત્તમ કમ્યુનિકેશનની કળા.
* જોખમ ખેડવાની તૈયારી.
* માહિતી કે સમાચારોને જાણી, સારી રીતે સમજી ઓછા સમયમાં સટીક ભાષામાં લખવાની કળા તમારામાં હોવી જોઈએ.
* અન્ય લોકોની વાતને ધૈર્યતાથી સાંભળવાની ક્ષમતા.
* ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એમ કોઈ પણ ભાષામાં કારકિર્દી બનાવવી હોય તો તે ભાષાનું ઉચ્ચ કોટિનું જ્ઞાન હોવું જોઈએ.
* કમ્પ્યુટર તથા ન્યૂઝ કે મેટરને કમ્પ્યુટર પર કમ્પોઝ કરતા શીખવું જરૂરી છે.
કારકિર્દીના વિકલ્પો
જર્નાલિસ્ટ, એડિટર, રિપોર્ટર, કોલમિસ્ટ, કોરસ્પોન્ડન્સ, સ્ટાફ અથવા ફ્રિલાન્સ રાઇટર, ફોટો જર્નાલિસ્ટ, પ્રૂફરીડર, ન્યૂઝ એનાલિસ્ટ, એન્કર, ન્યૂઝરીડર વગેરે પોસ્ટ પર પ્રિન્ટ (ન્યૂઝપેપર અને મેગેઝિન) અને ઇલેક્ટ્રોનિક (રેડિયો, ટેલિવિઝન અને વેબ) મીડિયામાં કામ કરી શકે છે. કેટલાંક ક્ષેત્રોને જાણીએ.
એડિટિંગ
એડિટિંગના ક્ષેત્રમાં તમે ઘણાં પદ પર કામ કરી શકો છો. જેમ કે ચીફ એડિટર, સબ-એડિટર, ફીટર એડિટર, ન્યૂઝ એડિટર વગેરે. ચીફ એડિટર એ સમગ્ર પબ્લિકેશનના પ્રમુખ હોય છે. તેમનું મુખ્ય કાર્ય માહિતીની પસંદગી કરવી અને પ્રેઝન્ટેશનના કામને જોવાનું હોય છે. ન્યૂઝ તથા ફીચર એડિટરને ચીફ એડિટરનો જમણો હાથ પણ કહી શકાય. ન્યૂઝપેપરમાં પબ્લિશ થનારા ન્યૂઝ વિશે નિર્ણય લેવો અને રિપોર્ટિંગ સ્ટાફના નેટવર્કને જોવાનું સાથે સાથે પોતાના ગ્રૂપના વિવિધ સ્ટાફ વચ્ચે કાર્યોની વહેંચણી પણ તેમણે જ કરવાની હોય છે.
રિપોર્ટિંગ
રિપોર્ટરને ન્યૂઝપેપર કે ટીવી ચેનલની આંખ અને કાન કહેવામાં આવે છે. રિપોર્ટર ઘટનાની સાચી અને પ્રમાણભૂત માહિતી મોકલે છે. તેમનું મુખ્ય કાર્ય પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેવું, ઇન્ટરવ્યૂ લેવા, ઘટના કે આયોજનની વિસ્તૃત જાણકારી મેળવવા માટે સ્થળ પર જઈને માહિતી એકત્રિત કરવાનું હોય છે. બધા જ સમાચારપત્રો તથા ટીવી ચેનલ્સ વિવિધ શહેરોમાં અને વિવિધ ક્ષેત્રમાં પોતાના રિપોર્ટર નિયુક્ત કરે છે. સ્પેશિયલ રિપોર્ટર પોતાની વિશેષજ્ઞાતાના ક્ષેત્રમાં કામ કરે છે તથા તેની સાથે જોડાયેલા સમાચારોનું સંકલન કરે છે.
રાઇટિંગ
રાઇટર વિવિધ વિષયો કે થીમ પર પોતાનો લેખ તૈયાર કરે છે. રાઇટર ઘણા પ્રકારના હોય છે. જેમ કે, ફીચર રાઇટર, મલ્ટિમીડિયા રાઇટર વગેરે. રાઇટરો પણ પોતાની વિશેષજ્ઞાતાના ક્ષેત્રમાં કામ કરે છે. જેમ કે ફિક્શન રાઇટિંગ, ચિલ્ડ્રન બુક, હિસ્ટોરિકલ રાઇટિંગ, હ્યુમર, કોમેડી રાઇટિંગ વગેરે. આજકાલ ઇન્ટરનેટનો વિસ્તાર વધવાને કારણે આજે વેબસાઇટ પર પણ લેખ લખવા માટે રાઇટરોની માંગ ઘણી વધી રહી છે.
ફોટોગ્રાફી
ફોટોગ્રાફર કે કેમેરામેન ન્યૂઝપેપર અથવા ટીવી ચેનલ્સનો મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે, કારણ તેના દ્વારા લેવામાં આવેલી તસવીરો સમાચારને વધારે સ્પષ્ટ અને રોમાંચક બનાવે છે, તેથી તેમને વિઝ્યુઅલ રિપોર્ટર પણ કહી શકાય. રિપોર્ટરની ટીમ સાથે ફોટોગ્રાફર પણ હોય છે. ફોટોગ્રાફરને ફોટોગ્રાફીના વિવિધ ટેક્નિકલ પાસાઓ જેમ કે લાઇટિંગ, સ્પીડ, ઝૂમ વગેરેનું સારું જ્ઞાન હોય છે.
અન્ય
ફેશન ઇન્ડસ્ટ્રીના ઉજ્જ્વળ ભવિષ્યને જોતાં ફેશન જર્નાલિસ્ટની માંગ વધી રહી છે. ફેશન જર્નાલિસ્ટ્સના માધ્યમથી જ સામાન્ય જનતાને નવીનતમ ફેશન ટ્રેન્ડ વિશે જાણકારી આપે છે.
કામ ક્યાં મળશે?
જર્નાલિઝમનો અભ્યાસ તથા અનુભવ મેળવ્યા પછી તમે નીચે પ્રમાણેની જગ્યાએ પણ કામ કરી શકો છો.
* ન્યૂઝપેપર
* મેગેઝિન
* રેડિયો
* ટેલિવિઝન
* ફ્રિલાન્સ
* પબ્લિક રિલેશન
* એડવર્ટાઇઝિંગ
* વિઝ્યુલાઇઝર
* મીડિયા રિસર્ચ
* પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો વગેરે.
* ઓનલાઇન કમ્યુનિકેશન
* કોર્પોરેટ કંપનીઓમાં પીઆરઓનું કામ
પગારધોરણ
* ન્યૂઝપેપર કે ન્યૂઝ ચેનલ્સમાં રિપોર્ટરને આશરે રૂ. ૬ હજારથી લઈને ૧૧ હજાર જેટલો પગાર મળી શકે છે. સબ-એડિટરનો પગાર આશરે ૭ હજારથી લઈને ૧૨ હજાર સુધી હોઈ શકે છે. આ સિવાય પદ પ્રમાણે પગાર મળતો હોય છે. દરેક પદમાં અનુભવની સાથે પગારમાં પણ વધારો થતો રહે છે.
આટલા કોર્સ કરી શકાય
* જર્નાલિઝમમાં તમે સર્ટિફિકેટ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, માસ્ટર્સ વગેરે કોર્સ કરી શકો છો. વિવિધ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં જર્નાલિઝમના કોર્સ ચાલતા હોય છે. દરેક સંસ્થામાં ફીનું ધોરણ જુદું જુદું હોય છે. કોર્સની ફી આશરે રૂ. ૧૦ હજારથી લઈને ૫૦ હજાર સુધી હોઈ શકે છે.
ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ
* ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
* મુદ્રા ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યુનિકેશન, અમદાવાદ
* સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
* ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
* દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
* ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
ભારતની શૈક્ષણિક સંસ્થાઓ
* ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન, નવી દિલ્હી
* દિલ્હી યુનિવર્સિટી, નવી દિલ્હી
* મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ
* યુનિવર્સિટી ઓફ કોલકાતા, કોલકાતા
* યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, જયપુર
prashantvpatel2011@gmail.com
No comments:
Post a Comment