SANDESH- Shraddha -11-10-12
કવર સ્ટોરી - પ્રશાંત પટેલ
નવરાત્રિને આદ્યશક્તિની ઉપાસનાનું મહાપર્વ માનવામાં આવે છે. એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. ચૈત્ર માસની વાસંતિક નવરાત્રિ, આસો માસની શારદીય નવરાત્રિ એમ બે પ્રચલિત નવરાત્રી તથા ધર્મગ્રંથો અનુસાર અષાઢ અને મહા માસમાં ગુપ્ત નવરાત્રિ આવે છે. ચારે નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું આપણે ત્યાં વિશેષ મહત્ત્વ છે. સમગ્ર ભારતભરમાં શારદીય નવરાત્રિની વિવિધ રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે
નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય. નવરાત્રિ એક એવું પર્વ છે જે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓનાં ગરિમામય સ્થાનને દર્શાવે છે. વર્ષમાં આવતી કુલ ચાર નવરાત્રિ એકમથી લઈને નવમી એમ નવ દિવસની હોય છે. આસો માસમાં આવતી શારદીય નવરાત્રિમાં નવ દિવસ સુધી આદ્યશક્તિનાં વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પહેલા દિવસથી લઈને નવમા દિવસ સુધી ક્રમશઃ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી દેવીનું પૂજન કરવામાં આવે છે.
એકમના દિવસે માતા શૈલપુત્રીનું પૂજન કરવાથી સૌભાગ્ય, બીજના દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી કાર્યમાં સફળતા, ત્રીજના દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય, ચોથના દિવસે માતા કૂષ્માંડાનું પૂજન કરવાથી આકર્ષણ, પાંચમના દિવસે સ્કંદમાતાનું પૂજન કરવાથી પુત્રસુખ, છઠ્ઠના દિવસે માતા કાત્યાયનીનું પૂજન કરવાથી ઇચ્છાપૂર્તિ, સાતમના દિવસે માતા કાલરાત્રિનું પૂજન કરવાથી શત્રુ પર વિજય, આઠમના દિવસે મહાગૌરીનું પૂજન કરવાથી નવ નિધિ અને નોમના દિવસે માતા સિદ્ધિદાત્રીનું પૂજન કરવાથી કાર્યસિદ્ધિ તથા સન્માન મળે છે.
પૌરાણિક કથાઓ પ્રમાણે ત્રેતાયુગમાં રાવણ સીતામાતાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો. શ્રીરામે લંકા પર આક્રમણ કરવાની યોજના બનાવી ત્યારે આસો માસ ચાલી રહ્યો હતો. આ માસમાં દેવતાઓનો શયનકાળ હોય છે, તેથી ભગવાન શ્રીરામે દૈવીશક્તિને જાગ્રત કરવાનો નિર્ણય લીધો. આસો માસના સુદ પક્ષમાં પ્રતિપદા (એકમ)થી લઈને નવમી સુધી નવ દિવસ ભગવતી મહાશક્તિની આરાધના કરીને શ્રીરામે તેમને પ્રસન્ન કરી લીધાં. તેના ફળસ્વરૂપ તેમને દેવી પાસેથી રાવણ પર વિજય મેળવવાનું વરદાન મળ્યું. ત્યારબાદ ભગવાન શ્રીરામે આસો સુદ દશમી (વિજયાદશમી)ના દિવસે વિજય મુહૂર્તમાં લંકા પર આક્રમણ કરીને રાવણનો સંહાર કર્યો. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ દ્વારા આસો માસમાં નવરાત્રિના નવ દિવસ વ્રત-અનુષ્ઠાન કરવામાં આવ્યું હોવાને કારણે આસો માસની શારદીય નવરાત્રિ ચૈતન્ય તથા અભીષ્ટ ફળદાયી બની ગઈ.
દેવી ભાગવતપુરાણના ત્રીજા સ્કંધના ૨૯-૩૦મા અધ્યાયોમાં શ્રીરામચંદ્રજી દ્વારા શારદીય નવરાત્રિમાં શક્તિપૂજાની કથાનું વર્ણન જોવા મળે છે. શારદીય નવરાત્રિમાં દુર્ગાપૂજાની પ્રથા ત્રેતાયુગથી શરૂ થઈ. આ રીતે દૈવીશક્તિના શયનકાળમાં પણ તેમની ઉપાસનાની પરંપરા બની અને શારદીય નવરાત્રિને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયું.
શારદીય નવરાત્રિમાં ખાસ કરીને ગુજરાતમાં ઘટસ્થાપન, વ્રત-પૂજન, ઉપવાસ અને ગરબાનું વિશેષ મહત્ત્વ છે. ઘરે-ઘરે અંબાજી માતાનું પૂજન થાય છે. શેરીઓ-મહોલ્લામાં બાળકો મહોલ્લા માતા કે સુંદર ગબ્બર બનાવે છે અને ભક્તિભાવપૂર્વક પૂજન કરે છે. ચોકમાં મોડી રાત સુધી ગરબા અને રાસ રમાય છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં મોટા મોટા પંડાલ બનાવીને દુર્ગાપૂજા કરવામાં આવે છે.
નવરાત્રિ વ્રત-પૂજન
આસો સુદ એકમથી લઈને નોમ સુધી શારદીય નવરાત્રિ હોય છે. આ નવરાત્રિનું વ્રત સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. જો કોઈ કારણસર વ્રત કરી શકાય તેમ ન હોય તો પતિ, પત્ની, પુત્ર અથવા બ્રાહ્મણને પ્રતિનિધિ બનાવીને વ્રત પૂર્ણ કરી શકાય છે.
સૌપ્રથમ પ્રાતઃકાળે સ્નાનાદિ કર્મથી પરવારી પૂજાસ્થાનને સ્વચ્છ કરવું. પછી સુંદર વેદી તૈયાર કરીને ગણેશામ્બિકા, વરુણ, ષોડશમાતૃકા, સપ્તધૃત માતૃકા, નવગ્રહ સહિત દેવતાઓ તથા સિંહાસનારૂઢ જગતજનની માતા ભગવતી આદ્યશક્તિનું વિધિવત્ સ્વાસ્તિવાચન, સંકલ્પ, પુણ્યાહવાચનપૂર્વક ષોડશોપચારે પૂજન કરો. માતાના દિવ્ય મંત્રોના જપ કરો. નવરાત્રિ દરમિયાન દરરોજ શ્રી દુર્ગાસપ્તશતીનો પાઠ કરો. નવરાત્રિનું પૂજન કે વ્રત વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનું છે. તેના માટે એવું કહેવાયું છે કે,ળશરદવસન્તનામાનૌ દાનવૌ દ્વૌ ભયંકરૌ ।
તયોરુપદ્રવશામ્યર્થ મિત્રં પૂજા દ્વિધા મતા ।।
અર્થાત્ શરદ તથા વસંત નામના બે ભયંકર દાનવ વિવિધ રોગોના કારણ છે. આ ઋતુઓનાં પરિવર્તન સમયે મહામારી, જ્વર, શીતળા, કફ, ઉધરસ વગેરે જેવા વિવિધ રોગોના નિવારણ માટે શારદીય તથા વાસંતી એમ બે નવરાત્રિમાં દુર્ગાપૂજનનું પ્રચલન આદિકાળથી છે.
નવરાત્રિમાં વિવિધ યંત્રપૂજનના લાભ
નવરાત્રિના નવ દિવસ માતા શક્તિનાં નવ સ્વરૂપોને સર્મિપત હોય છે. નવરાત્રિને અસુરી તત્ત્વો પર દૈવી તત્ત્વો, અંધારા પર ઉજાસનો તથા અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. નવ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ અને ઉપાસકો માતાના આશીર્વાદ મેળવવા માટે પૂજા-પાઠ, હવન, યજ્ઞા તથા ઉપવાસ કરે છે. માતાની આરાધના કરવાથી સમૃદ્ધિ, ધન તથા યશ મળે છે. નવરાત્રિમાં ઘટસ્થાપન કે પૂજા-પાઠમાં યંત્રોનાં પૂજનનો સમાવેશ કરવાથી સર્વોત્તમ અને શીઘ્ર લાભ મળે છે. ઘરના મંદિર કે પૂજાસ્થાનમાં માતા શક્તિનાં વિવિધ યંત્રોની સ્થાપના અને નિયમિત રીતે પૂજન કરવાથી યશ-સમૃદ્ધિ અને ભાગ્યમાં સતત વૃદ્ધિ થતી રહે છે.
શ્રીદુર્ગા યંત્ર
શ્રીદુર્ગા યંત્ર તમારા જીવનમાં ઊર્જા તથા સકારાત્મકતાનો સંચાર કરે છે. આ યંત્ર તમને અનિષ્ટ તત્ત્વો અને નકારાત્મકતાથી દૂર રાખે છે તથા જીવનમાં કોઈ પણ પ્રકારની બાધાઓ કે અંતરાયોને પાર કરવામાં તમારી મદદ કરે છે. આ મંગળકારી નવરાત્રિમાં દુર્ગાયંત્રની પૂજા-અર્ચના કરવાથી ચોક્કસ લાભ થશે તથા આગળ વધવાની નવી-નવી તક મળશે.
સંપૂર્ણ મહાલક્ષ્મી યંત્ર
સંપૂર્ણ મહાલક્ષ્મી યંત્ર જીવનમાં ધન-સંપત્તિ સંબંધી સૌભાગ્યને જાગ્રત કરે છે તથા જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવે છે. નવરાત્રિમાં સંપૂર્ણ મહાલક્ષ્મી યંત્રની સ્થાપના અને ઉપાસના કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે. રોકાણ પર વધુ લાભ મળશે. જો કોઈને શનિની સાડાસાતી ચાલતી હશે તો આ યંત્ર તેના ખરાબ પ્રભાવોને પણ ઓછા કરશે.
દુર્ગા વીસા યંત્ર
દુર્ગા વીસા યંત્ર ભાગ્યને જગાડનાર તથા વ્યાપાર અને નોકરીમાં ધન સંબંધી લાભો અપાવનારું યંત્ર છે. જે લોકો કોઈ કારણસર આર્થિક તંગી અનુભવી રહ્યા હોય તેઓ નવરાત્રિમાં દુર્ગા વીસા યંત્રની સ્થાપના અને ઉપાસના કરે તો ધન, રોજગાર તથા વેપાર સંબંધી બધી જ સમસ્યાઓનો અંત આવશે. આ યંત્રની ઉપાસનાથી વેપારીઓને વિશેષ લાભ મળે છે. તેમના વેપારમાં વૃદ્ધિ થાય છે.
શ્રીયંત્ર
શ્રીયંત્ર અનિષ્ટ શક્તિઓ તથા નકારાત્મક ઊર્જાને દૂર રાખે છે અને ઘરમાં સામંજસ્ય તથા ઊર્જામાં વૃદ્ધિ કરે છે. નવરાત્રિમાં શ્રીયંત્રની સ્થાપના અને ઉપાસના કરવાથી ભાગ્યમાં પરિવર્તન થાય છે. સાથે દરેક પ્રયત્નમાં સફળતા મળે છે. કારકિર્દીને ચાર ચાંદ લાગી જાય છે. આર્થિક સ્થિતિ સુધરે છે અને બાધાઓનો અંત આવે છે.
દુર્ગા અંબાજી યંત્ર
દુર્ગા અંબાજી યંત્રને ઘરમાં સ્થાપવાથી સૌભાગ્યમાં અને ધનલાભના અવસરોમાં વૃદ્ધિ થાય છે. જે વ્યક્તિને વેપારમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તથા આર્થિક તંગી અનુભવાતી હોય તેમણે નવરાત્રીમાં પોતાના પૂજાસ્થાનમાં દુર્ગા અંબાજી યંત્રની સ્થાપના અને નવ દિવસ સુધી પૂજા કરવાથી પરિસ્થિતિ સુધરવા લાગે છે અને તમામ કષ્ટો દૂર થાય છે.
નવરાત્રિના સિદ્ધમંત્રો
દુર્ગા સપ્તશતીમાં શ્લોક, અર્ધશ્લોક અને ઉવાચ મળીને ૭૦૦ જેટલા મંત્ર છે. જે સમગ્ર જગતને અર્થ, કામ, ધર્મ અને મોક્ષ પ્રદાન કરે છે. નવરાત્રિના નવ દિવસ વિવિધ મંત્રોનો જપ કરવામાં આવે તો યશ, સુખ, સમૃદ્ધિ, પરાક્રમ, વૈભવ, બુદ્ધિ, જ્ઞાન, સ્વાસ્થ્ય, આયુષ્ય, વિદ્યા, ધન, સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
વિપત્તિઓના નાશ માટે
શરણાગતદીનાર્તપરિત્રાણપરાયણે ।
સર્વસ્પાપહરે દેવિ નારાયણિ નમોસ્તુતે ।।
ભયનાશ માટે
સર્વસ્વરૂપે સર્વેશ સર્વશક્તિસમન્વિતે ।
ભયેભ્યસ્ત્રાહિ નો દેવિ, દુર્ગે દેવિ નમોસ્તુતે ।।
પાપનાશ તથા ભક્તિની પ્રાપ્તિ માટે
નમેભ્યઃ સર્વદા ભક્ત્યા ચણ્ડિકે દુરિતાપહે ।
રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો જહિ ।।
મોક્ષપ્રાપ્તિ માટે
ત્વં વૈષ્ણવી શક્તિરન્તવીર્યા
વિશ્વસ્યં બીજં પરમાસિ માયા ।
સમ્મોહિતં દેવિ સમસ્તમેતત્
ત્વં વૈ પ્રસન્ના ભૂવિ મુક્તિ હેતુઃ ।।
કલ્યાણ માટે
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે ।
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણિ નમોસ્તુતે ।।
ધન, પુત્રાદિ પ્રાપ્તિ માટે
સર્વબાધાવિનિર્મુક્તો ધનધાન્યસુતાન્વિતઃ ।
મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશયઃ ।।
રક્ષા માટે
શૂલેન પાહિ નો દેવિ પાહિ ખંડે ન ચામ્બિકે ।
ઘંટાસ્વનેન નઃ પાહિ ચાપજ્યાનિઃ સ્વનેન ચ ।।
બાધા નિવારણ તથા શાંતિ માટે
સર્વબાધાપ્રમશનઃ ત્રૈલોક્યાખિલેશ્વરિ ।
એવમેવ ત્વયા કાર્યમસ્યદ્વૈરિવિનાશનમ્ ।।
સુલક્ષણા પત્નીની પ્રાપ્તિ માટે
પત્ની મનોરમાં દેહિ મનોવૃત્તાનુસારિણીમ્ ।
તારિણી દુર્ગસંસારસાગરસ્ય કુલોદ્ધવામ ।।
No comments:
Post a Comment